Gujarat

મિશન-2022: ભાજપના ધારાસભ્યોની પ્રભારી સાથે બેઠક યોજાઈ, નારાજગી જાણવાની કવાયત

ગાંધીનગરમાં આજે વિધાનસભા સંકુલમાં ભાજપના ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં ભાજપના 112 ધારાસભ્યોની મહત્વની બેઠક યોજાઈ હતી. પાર્ટી નેતાગીરી આ બેઠકને એક પ્રકારની રૂટિન બેઠક ગણાવી રહ્યાંછે. જો કે પાર્ટી હાઈકમાન્ડ કોરોનામાં સરકારની કામગીરીથી લોકોમાં કોઈ નારાજગી હોય તો તેને દૂર કરવા માટે ડેમેજ કંન્ટ્રોલની કવાયત કરી રહી છે. આગામી દિવસોમાં રૂપાણી સરકારમાં મંત્રી મંડળના વિસ્તરણની પણ કવાયત હાથ ધરાય તેવી સંભાવના છે. આ ઉપરાંત નબળી કામગીરીનો ટ્રેક રેકોર્ડ ધરાવતા મંત્રીઓના સ્થાને નવા યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવે તેવી સંભાવના પણ રહેલી છે.

ભાજપની નેતાગીરીએ મિશન-2022ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બેઠકમાં આપ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવામાં આવનાર છે તે મુદ્દે તેમજ પાટીદાર સમાજની નારાજગી અંગે પણ આંતરિક ચર્ચા થવા પામી હતી. બેઠકમાં ભૂપેન્દ્ર યાદવ, સીએમ વિજય રૂપાણી, ડે સીએમ નીતિન પટેલ, પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ તથા સિનિયર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

યાદવે બેઠકમાં કોરોના કોરોના કાળમાં સરકારે કરેલી કામગીરીથી પોતાના મત વિસ્તારમાં લોકોને વાકેફ કરવા મત વિસ્તારોની મુલાકાત લેવા જણાવ્યું હતું. બેઠકમાં મુખ્યપ્રધાનના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ દ્વારા સરકારે કોરોના કાળમાં તેમજ તૌકતે વાવાઝોડામાં સરકારે કરેલી કામગીરીનું વિસ્તૃત પ્રેઝન્ટેશન રજુ કરાયું હતું. સીએમ રૂપાણીએ કહ્યું હતું કે સરકારે તમામ સ્તોત્રો કામે લગાડીને કોરોનાના દર્દીઓની સારવાર માટે પ્રયાસો કર્યા હતા તેની માહિતી આપવા સાથે કોરોનાની સંભિવત 3જી લહેર માટે સરકારે ઘડેલા એકશન પ્લાનની વિગતો પણ આપી હતી.

Most Popular

To Top