Dakshin Gujarat Main

50 મુહૂર્ત, 18,000 લગ્ન: દક્ષિણ ગુજરાતનું આ સ્થળ ડેસ્ટીનેશન વેડિંગ માટે હોટ ફેવરિટ બન્યું

સુરત: કોરોના (Corona) સંક્રમણના દોઢ વર્ષ પછી વેડિંગ ઇન્ડસ્ટ્રીના (Wedding Industry) અચ્છે દિન આવ્યા છે. નવેમ્બર-ડિસેમ્બરના વિવિધ લગ્ન (Marriage ) મુહૂર્તમાં સુરત (Surat) સહિત દક્ષિણ ગુજરાતમાં 18,000થી વધુ ભવ્ય લગ્ન સમારોહ યોજાશે. શહેર અને ટાઉનમાં આવેલી હોટેલોના બેંકવેટ, ફાર્મ હાઉસ, રિસોર્ટ, મેરેજ હોલ, પાર્ટી પ્લોટ એડવાન્સમાં બુક થઈ ગયા છે. મંડપ ડેકોરેટર્સ, કેટરર્સ, બેન્ડ વાજાવાળા, બગીવાળા, લાઇટિંગવાળા સહિત દરેકને સારા ઓર્ડર મળ્યા છે. બે મહિનાની સીઝનમાં 50 થી વધુ સારા મુર્હુત મળ્યા છે. તેને લીધે આખી સિઝન વેડિંગ ઇન્ડસ્ટ્રીને ફળે તેવી સંભાવના છે. એકલા સુરતમાં 4000થી વધુ મોટા સમારોહ માટે બુકીંગ મળ્યું છે.

કોરોના સંક્રમણના દોઢ વર્ષ દરમ્યાન સૌથી વધુ અસરગ્રસ્ત વેડિંગ ઇન્ડસ્ટ્રી બની હતી, કોરોનાના વાદળ હટતાં ફૂલ બુકિંગ મળતા વેડિંગ ઈવેન્ટ ઈન્ડસ્ટ્રીમાં રોનક પરત આવી

કોરોના સંક્રમણમાં બીજી લહેર નિયંત્રિત થઈ જવાની સાથે ત્રીજી લહેરે ઉથલો નહીં મારતાં લગ્નો સમારોહનું આયોજન પણ કોરોના પૂર્વેની સ્થિતિ માફક થવાનું શરૂ થઈ ગયું છે. લગ્નની સિઝનના પ૦ થી વધુ મુહૂર્ત પૈકી કમૂરતા પહેલા સુરતમાં ૨૦૦૦, જ્યારે આખી સિઝનમાં દક્ષિણ ગુજરાતમાં ૧૫,૦૦૦ થી વધુ લગ્નો નોંધાયા હોવાનું આયોજકો જણાવી રહ્યા છે. થીમ બેઈઝ્ડ અને ડેસ્ટિનેશન વેડિંગમાં પણ આ વખતે 20 ટકાનો ગ્રોથ નોંધાયો છે. ઝાકમઝોળ ભરેલા ભવ્ય લગ્નોના આયોજનો કોરોનાના કારણે ટળી ગયા હતા. તે હવે યોજાઈ રહ્યા છે. ઇવેન્ટ કંપનીઓને 5 થી 15 લાખ, 25 થી 50 લાખના બજેટમાં 60 ટકા બુકીંગ મળ્યું છે. જ્યારે 50 થી 1 કરોડની વચ્ચે 20 ટકા જેટલા ઓર્ડર મળ્યા છે. આ વખતે દમણ અને સેલવાસના રિસોર્ટમાં લગ્નો યોજવા માટે મોટી સંખ્યામાં બુકિંગ મળ્યા છે.

રો-મટિરિયલના ભાવો વધતા આયોજકોને નફો ઓછો મળશે

અનાજ, શાકભાજી, તેલ, ઘી, ડ્રાયફ્રુટ ,ફળોના ભાવ વધતા લગ્નોનું આયોજન કરનાર ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓના નફાનું માર્જિન ધોવાશે. પ્રત્યેક વસ્તુઓ જેવી કે ડેકોરેશનનો સામાન, કેટરિંગ, ફલો પાછળ મોટો ખર્ચ થાય છે. ટ્રાન્સપોર્ટ સહિત આ તમામના ભાવો 25થી 30 ટકા ભાવ વધી ગયા છે. દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદને લીધે ફૂલોની શોર્ટ સપ્લાય ઉભી થઇ છે. મહારાષ્ટ્રથી ફૂલો મંગાવવામાં આવી રહ્યા છે તેમાં 15 ટકા ખર્ચ વધુ આવી રહ્યો છે.

ગોવા, દમણ, સેલવાસ,વિલેજ ફાર્મ, રિસોર્ટમાં થિમ અને ડેસ્ટિનેશન વેડિંગનો વ્યાપ વધ્યો

સાધન સંપન્ન પરિવારોમાં ગોવા, દમણ, સેલવાસ, વિલેજ ફાર્મ, રિસોર્ટમાં થિમ અને ડેસ્ટિનેશન વેડિંગનો વ્યાપ વધ્યો છે. અહીં 400 વ્યક્તિની મર્યાદા નડતી ન હોવાથી તેના બુકિંગમાં પણ 20 ટકા બુકિંગ 2019ની તુલનાએ વધુ નોંધાયું છે.

આગામી 15મી નવે.થી લગ્નસરા શરૂ, વર્ષમાં લગ્ન માટે 53 મુહૂર્ત છે

અગામી તા. 14 નવેમ્બર અને વિ.સં 2078ની પ્રથમ પ્રબોધિની એકાદશી સાથે ચાતુર્માસની સમાપ્તિ થશે. આ સાથે જ તુલસી વિવાહ સાથે હિંદુ ધર્મના વિવિધ સમાજોમાં લગ્નસરાની સિઝનનો પણ પ્રારંભ થશે. જે આગામી 16 ડિસેમ્બર સુધી જારી રહેશે. ત્યારબાદ એક માસ ધનારક એટલે કમૂરતા રહેશે. જેમાં માંગલિક કાર્યો અશુભ માનવામાં આવે છે, જેથી વિધિવત લગ્નો કરવામાં આવશે નહીં.

જયોતિષાચાર્ય ભાવિન પંડ્યાએ જણાવ્યું હતું કે વિક્રમ સંવત 2078 નો પ્રારંભ થઇ ગયો છે. હવે આગામી 14 નવેમ્બરના રોજ પ્રબોધિની એકાદશી સાથે ચાતુર્માસ પૂર્ણ થતાં લગ્નસરાની મોસમ જામશે. વિક્રમ સંવત 2078 માં લગ્ન માટેના કુલ 53 જેટલા શુભ મુહૂર્તો આવી રહ્યા છે. જે ગત વર્ષ કરતાં 12 જેટલા વધુ છે. આગામી 14 મી તારીખે દેવ ઉઠી પ્રબોધિની એકાદશી થવાથી દેવ દિવાળી ઉજવવામાં આવશે. આ દિવસો દરમિયાન તુલસી વિવાહ કરવામાં આવે છે અને ચાતુર્માસ પૂર્ણ થાય છે. નવા વર્ષે પહેલું શુભ મુહૂર્ત 15 નવેમ્બરે છે. કોરોનાના કેસમાં ઘટાડો થતાં આ વખતે લગ્ન સમારોહમાં 400 ને પરવાનગી આપવામાં આવી છે. કોરોનાએ પગપેસારો કર્યા બાદ લગ્ન સમારોહમાં આટલી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવું પ્રથમવાર બનશે.

વિ.સં. 2078નાં લગ્નના શુભ મુહૂર્તો

  • નવેમ્બર : 15,16,20,21,28,29,30
  • ડિસેમ્બર: 1,2,6,7,11,13
  • જાન્યુઆરી: 15,20,21,22,23,25,26,27,28,29
  • ફેબુ્આરી: 5,6,9,10,11,16,17,19
  • માર્ચ: 4,8,20
  • એપ્રિલ: 14,17,21,22
  • મે: 11,12,18,20,25
  • જૂન: 10,12,15,16
  • જુલાઈ: 3,6,8,10,11,14

Most Popular

To Top