સુરત: સુરતના પાંડેસરા વિસ્તારમાં ફરી એકવાર આગની મોટી ઘટના સામે આવી છે. પાંડેસરાના ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી પ્રતિક ડાઈંગ મિલમાં આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે દૂરથી ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા. . બે કિલોમીટર દૂરથી ધુમાડા સ્પષ્ટ દેખાતા હતા. ગ્રાઉન્ડ પ્લસ પહેલા માળ ઉપર આગ લાગી હતી. આગના લીધે આસપાસની ફેક્ટરીઓના માલિકો અને કારીગરોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો.
આગની જાણ થતા સુરત ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને સતત પાણી નાખી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ભીષણ આગના કારણે મિલને પણ ભારે નુકસાન થયું છે. એટલું જ નહીં મિલમાં શેડનો એક ભાગ પણ ધરાશાયી થયો હોવાનું જાણવા મળ્યું છે. પ્રતીક ડાઇંગ મિલમાં સવારે અંદાજે 100 જેટલા કામદારો કામ કરી રહ્યા હતા. એકાએક જ સેન્ટ્રલ મશીનમાંથી ધુમાડો નીકળવાનો શરૂ થતા કામદારો ફેક્ટરીની બહાર દોડી આવ્યા હતા. જેને કારણે કોઈ જાનહાનિ થઈ નથી.
વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો
નોંધપાત્ર વાત એ છે કે ઔદ્યોગિક વિસ્તારોમાં આગ લાગવાના બનાવો બનતા રહે છે, પરંતુ અહીં ફાયર સેફ્ટીના નામે કોઈ ચેકિંગ થતું નથી. અહીં ઘણી મિલો આવેલી છે અને જ્વલનશીલ સામગ્રીને કારણે આગ લાગવાની શક્યતા છે. આવા ઔદ્યોગિક વિસ્તારોમાં ફાયર સેફ્ટી લગભગ અસ્તિત્વમાં નથી તેમ છતાં મ્યુનિસિપલ ફાયર વિભાગ દ્વારા મિલ માલિકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
પલસાણામાં કાપડની મિલમાં આગ લાગી
આ અગાઉબુધવારે મોડી રાત્રે પલસાણાના તાંતીથૈયા જીઆઈડીસીમાં આવેલી કદામવાળા ડાઈંગ મિલમાં પણ આગ લાગી હતી. મોડી રાત્રે મિલમાં એકાએક આગ લાગી હતી. આગ ખૂબ જ ભીષણ હતી. ફાયરના જવાનોએ આખી રાત આગ ઓલવવા મહેનત કરી હતી. સવાર સુધી કુલિંગની કામગીરી ચાલી હતી.
ફેક્ટરી બંધ હોવાના લીધે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કંપનીમાં ફિનિશિંગ ગુડ્સના 8000 ટકા તેમજ 70 લાખ મીટર કપડું હતું, જે બળીને ખાક થઈ ગયું હતું. ફાયરના સૂત્રોએ જણાવ્યું કે બુધવારે રાત્રે 11 વાગ્યે આગનો કોલ મળ્યો હતો. આગ ભીષણ હોઈ પલસાણા ઉપરાંત બારડોલી, માંડવી, કડોદરા, સચિન હોજીવાલાથી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આગમાં ત્રણ સેન્ટ્રલ મશીન, ત્રણ ફોલ્ડીંગ મશીન સહિત અનેક મશીનોને મોટું નુકસાન થયું છે.