SURAT

‘કારગીલ યુદ્ધમાં મને ગોળી વાગી હતી’, એવું કહી સુરતના વેપારી સાથે યુવકે કર્યું આવું…

સુરત : શહેરના ઉમરા ખાતે રહેતા ડિટર્જન્ટના વેપારીને દિલ્લી રાજધાની ટ્રેનમાં ભેટી ગયેલા ઠગે પુત્રની અમેરિકાથી ઇન્ડિયાની ટીકીટ કરાવી આપવાના નામે 1.44 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

  • કારગીલ યુદ્ધમાં ગોળી વાગી હોવાથી નીચેની સીટ પર સુઈ જવાનું કહી પરિચય કેળવ્યો હતો
  • કારગીલ યુદ્ધનો સૈનિક હોવાનું કહી સુરતના વેપારીને રાજધાની ટ્રેનમાં ભેટી ગયેલા ઠગે 1.44 લાખનો ચુનો ચોપડ્યો
  • આરોપીએ ટ્રાવેલ્સનો ધંધો કરતો હોવાથી વેપારીએ પુત્રની અમેરિકાથી ઇન્ડિયાની ટિકીટનું કામ સોંપી નાણાં આપ્યા હતા

ઉમરા ખાતે જોગસ પાર્ક પાસે પોદાર એવન્યુમાં રહેતા 50 વર્ષીય વિજયકુમાર નિરંજન અગ્રવાલ ડિટર્જનનો વેપાર કરે છે. પરંતુ હાલ તેમનો ધંધો બંધ છે. ગત 8 એપ્રિલ 2022 ના રોજ વિજયકુમાર તેમના પિતા સાથે કામઅર્થે સુરતથી દિલ્હી રાજધાનીમાં જતા હતા. ત્યારે એક વ્યક્તિ સાથે વાતચીત થતા તેનું નામ અમિત હોમી કવાસજી હોવાનું જણાવ્યું હતું. પોતે કારગીલ યુદ્ધ લડ્યું હતું ત્યારે પીઠમાં ગોળી વાગી હોવાથી સીટમાં ઉપર ચડી શકાય તેમ નથી તેવું જણાવીને તેણે નીચેની સીટ પર સુવા કહ્યું હતું. કારગીલ યુદ્ધ વખતે તે સેનામાં હતો અને પછી ગોળી વાગતા તેને સેનામાંથી નોકરી છોડી દીધી હતી. હાલ તે ટ્રાવેલ એજન્સી અને પેકેજ ટુરનું કામ કરતો હોવાનું કહ્યું હતું. તેણે કંપનીનું નામ રેડ આઈ ડીસ્ટ્રીનેશન એન્ડ ઇવેન્ટ મેનેજમેન્ટ આપ્યું છે. તેની શાખા મુંબઈ, ગાજીયાબાદ અને થાઈલેન્ડમાં છે. તેનાથી અભિભૂત થઈને વિજયકુમારે તેનો ઓટોગ્રાફ પણ લીધો હતો. બાદમાં મોબાઈલ નંબરની આપ લે કરી હતી. ત્યારબાદ તેણે સંપર્કમાં રહીને કોઈ ટુર પેકેજનું કામ હોય તો કહેજો તેવું કહ્યું હતું.

વિજયભાઈનો પુત્ર અમેરિકા શીકાગો ખાતે અભ્યાસ કરે છે. તેને 10 ડિસેમ્બરથી રજા પડતી હોવાથી ઇન્ડિયા આવવાનું હતું. જેથી વિજયભાઈએ આ અમિત કવાસજીને ફોન કરીને અમેરીકાથી ઇન્ડિયાની ટિકિટ કરી આપવા કહ્યું હતું. તેને આવવા જવાના 1.44 લાખ આપવાનું કહ્યું હતું. વિજયભાઈએ તેમના ખાતામાં 1.44 લાખ મોકલી આપ્યા હતા. ત્યારબાદ તેણે ટિકિટ બનાવ્યાની ખોટી પીએનઆર નંબર વોટ્સએપ કર્યો હતો. દીકરાની રજાની તારીખ નજીક આવતા ટિકિટ ઓનલાઈન બનાવી મોકલી આપી હતી. ત્યારબાદ અમિત ક્વાસજી પાસે ટિકિટના આપેલા રૂપિયા પરત માંગતા તેણે રૂપિયા આપવાની ના પાડી હતી. અને વધુ 60 હજાર માંગ્યા હતા. અને હવે જો તેની પાસે નાણાં માંગશું તો સુરત ઘરે આવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી તેની સામે ઉમરા પોલીસે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top