Panchmahal

હાલોલ તાલુકાના વડે ગામે બાઇક સ્લીપ થતાં સગીરનું સારવાર દરમિયાન મોત


*સગીર ગામમાં જ બાઇક લઇને દુકાને ઘરનો સામાન લેવા નિકળ્યો હતો, ચહેરા તથા કપાળના ભાગે ઇજાઓ થતાં બેભાન થઇ ગયો હતો*

(પ્રતિનિધિ) વડોદરા તા. 13

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના વડે ગામમાં ઘરનો સામાન લેવા માટે દુકાને બાઇક લઇને નિકળેલા સગીરની બાઇક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત સગીરનુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જેથી પાવાગઢ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની જરુરી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના વડે ગામમાં આવેલા પૂજારા ફળિયામાં પોતાના પરિવાર સાથે રહેતો આશરે 12વર્ષીય મેહુલ સોમાભાઇ રાઠવા નામનો સગીર ગત તા. 08મી જાન્યુઆરીના રોજ સાંજે પાંચ વાગ્યાની આસપાસ પોતાના ઘરેથી ઘરનો સામાન લેવા માટે વડે ગામના ભાભર ફળિયામાં જવા નિકળ્યો હતો જ્યાં અચાનક તેનો સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થઇ ગઇ હતી જેના કારણે સગીરને ચહેરા તથા કપાળના ભાગે મૂઢ માર સાથે ઇજાઓ પહોંચી હતી જેના પગલે સગીર બેભાન થઇ ગયો હતો.બનાવને પગલે આસપાસના લોકો તેમજ પરિવારના સભ્યો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત મેહુલ રાઠવાને એમ્બ્યુલન્સ મારફતે હાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ વધુ સારવાર ની જરૂર હોય હાલોલ રેફરલ હોસ્પિટલમાંથી રીફર કરી વડોદરા શહેરના એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડ્યો હતો જ્યાં સારવાર દરમિયાન ગત તા. 12મી જાન્યુઆરીના રોજ બપોરે પોણા ચાર વાગ્યાના અરસામાં એસ.આઇ.સી.યુ. સર્જીકલ વિભાગના સી યુનિટ ખાતે મરણ જાહેર કરવામાં આવ્યો હતો જેથી સમગ્ર મામલે પાવાગઢ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરુરી કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના ભાઇના જણાવ્યા અનુસાર મૃતક મેહુલે પાંચ ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો ત્યારબાદ ભણવાનું છોડી દીધું હતું પરિવારમાં તેના માતા પિતા અને બે મોટાભાઇ અને તેઓના પત્ની છે મેહુલ ઘરમાં સૌથી નાનો હતો.

Most Popular

To Top