સલમાન ખાને ‘ટાઇગર-૩’નું શૂટિંગ શરૂ કર્યું છે અને ફરી તેની સાથે કેટરીના કૈફ છે. હવે બને છે એવું કે સલમાનની કોઇ ફિલ્મ એનાઉન્સ થાય તો લોકો માની જ લે છે કે તેમાં કેટરીના હશે. આજના સમયમાં કોઇ સ્ટાર લાંબા સમયની જોડી બનાવવામાં માનતો નથી. રણવીર સીંઘની જોડી દિપીકા સાથે બનતી લાગતી હતી પણ એ બંને જૂદા જૂદા સ્ટાર્સ સાથે કામ કરી રહ્યા છે. શાહરૂખ-કાજોલની જોડી હવે નથી રહી. અત્યરે જોડી છે તો સલમાન-કેટરીનાની. તે બંને પહેલીવાર “મૈને પ્યાર ક્યોં કિયા”માં દેખાયેલા ત્યારે ખબર નહોતી કે તેઓ લાંબો સમય સુધી એકબીજામાં ટકી જશે. આ જોડીની પર્સનલ હિસ્ટ્રી પણ છે. ઐશ્વર્યા રાય પછી સલમાન કોઇ સાથે સેટલ થયો હોય તો કેટરીના સાથે જ છે. તેણે બીજી હીરોઇનો ટ્રાય કરી જોઇ. એક સોનાક્ષી તેની સાથે ટકી છે પણ તે તો ફકત ‘દબંગ’ શ્રેણી પૂરતી.
સલમાન-કેટરીના ‘મૈંને પ્યાર ક્યોં કિયા’માં સાથે હતા. તેમાં સુશ્મિતા સેન હતી પણ સલમાન તો કેટરીનાને મેળવવા માટે જ આખો ડ્રામા કરે છે. ‘એક થા ટાઇગર’માં બંને આવ્યા ત્યાં સુધીમાં તે બંને વચ્ચેની કેમિસ્ટ્રી લોકો ફીલ કરવા લાગેલા. પછી ‘ટાઇગર ઝિંદા હે’માં પણ સાથે આવ્યા. ‘ભારત’માંથી પ્રિયંકા ચોપરા નીકળી ગયેલી ત્યારે સલમાનનો સ્ટાર ઇગો બહુ ઘવાયેલો. આ ઇગોને સાચવવાનું કામ ત્યારે કેટરીનાએ કરેલું. સલમાનની વ્હારે ઘાયેલી અને પ્રિયંકાની જગ્યા ભરેલી.
સલમાન-કેટરીના જોડી અંગત જીવનમાં છૂટા ય પડયા છે ને પાછા ભેગા ય થયા છે. કેટરીના જયારે સલમાનને છોડી રણબીર કપૂરના પ્રેમમાં પડેલી તો સલમાન ધુઆંપુંઆ થઇ ગયેલો પણ બન્યું એવું કે અમુક સમય પછી કેટરીનાનો રણબીર સાથેનો સંબંધ તૂટી ગયો ને તે ફરી સલમાન તરફ વળી. સલમાન તેના જીવનમાં આવેલી સંગીતા બીજલાનીથી માંડી અન્ય બધીને જ ફરી સ્વીકારી ચૂકયો છે. કેટરીનાને પણ તેણે સ્વીકારી. લોકો માનતા હતા કે લુલીયા વંતૂર સાથે તે પરણી રહયો છે પણ કેટરીના સાથેની ઘનિષ્ઠતા એવી છે કે હવે વંતુરનું નામ પણ કોઇ લેતું નથી. કેટરીના સાથે ગાઢ સંબંધ હોવાના કારણે જ સલમાનના કોઇ બીજી સાથેના સંબંધો ચર્ચામાં આવતા નથી.
સલમાન બીલકુલ પોતાની શૈલીથી પોતાનું પ્રોડકશન હાઉસ સંભાળે છે. કોને સંગીતકાર લેવાથી માંડી, કોણ તેના ગીતો ગાશે પણ તે પણ તે જ નક્કી કરે છે. તે અમુક દિગ્દર્શકોને ચાન્સ આપે છે ને અમુકને આપેલો ચાન્સ છીનવી લે છે. તેની સાથે કામ કરવા અનેક હીરોઇનો તત્પર હોય છે પણ સલમાને જાણે કેટરીનાને હોમ પ્રોડકશનની સ્ટાર બનાવી દીધી છે. એ બંનેને ફિલ્મો સફળ જ જાય છે એવું નથી પણ પરદા પર તો એકબીજા સાથે તેઓ સફળ જ રહે છે.
સલમાને જેકલીન ફર્નાન્ડિસ, દિશા પટની વગેરે સાથે પણ જોડી બનાવી અને કરીના કપૂર સાથે ય ફિલ્મો કરી પણ લાગે છે કે કેટરીના સાથે સેટલ છે. એકબીજા સાથે તેઓ કમ્ફર્ટ અનુભવે છે. બંને પરણશે કે નહિ એવા સવાલનો કોઇ અર્થ નથી પણ પરદા પર તેઓ સાથે છે. બાકી અત્યારે ‘કભી ઇદ કભી દિવાલી’માં તે પૂજા હેગડે સાથે ‘કીક-2’માં જકેલીન સાથે, ‘અંતિમ: ધ ફાઇનલ ટ્રુથ’માં પ્રજ્ઞા જયસ્વાલ સાથે આવે છે પણ કેટરીના સાથે જોવા પ્રેક્ષક વધુ તૈયાર છે. તો ફરી તેમની એક ફિલ્મ માટે જોવા રેડી રહો.