આણંદ : સોજિત્રા નગરપાલિકાની યોજાયેલી સામાન્ય સભામાં કોઇ પ્રકારની ચર્ચા વગર જ વર્ષ 2022-23ના બજેટ ઉપરાંત 23 એજન્ડા પસાર થઇ ગયાં હતાં. સોજિત્રા નગરપાલિકાની ગુરૂવારના રોજ સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં 2022-23ના બજેટ સહિત જુદા જુદા 23 મુદ્દા પસાર કરવામાં આવ્યાં હતાં. જોકે, એજન્ડાના કામો અંગે પણ કોઈ ચર્ચા કરવામાં આવી નહતી. જેને લઈને વિરોધ પક્ષ સહિત કાઉન્સીલરોમાં નારાજગી જોવા મળી રહી છે. નગરપાલિકામાં ભાજપનું શાસન હોવાથી કોઈપણ જાતની ચર્ચા વગર જ બજેટ સહિતના કામો મંજુર કરી દેવામાં આવ્યા હતાં. આ અંગે વિપક્ષોએ આક્ષેપ કર્યો હતો કે, આ બેઠકમાં વેરા શાખા દ્વારા તૈયાર થઇ આવેલા વેરા દફતરે મ્હો – બદલો તથા નવિન નંબર, દુકાન ટ્રાન્સફર કરવા બાબતે ઠરાવ કરવામાં આવ્યો હતો. જેમાં બસ સ્ટેન્ડ પાસે આવેલા વિવાદીત કોમ્પ્લેક્સનો વેરો લઇ તેને કાયદેસર કરવાના કૌભાંડની શંકા ઉપજી રહી છે. આ બેઠકમાં રજુ કરાયેલા બજેટમાં વર્ષ દરમિયાન કુલ 9,66,12,034ની આવક સામે 9,01,97,000નો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો. જેના પગલે 64,15,034ની પુરાંત અંદાજવામાં આવી છે.
સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે જગ્યા ફાળવી
સોજિત્રા નગરપાલિકા દ્વારા સર્વે નં.1096માંથી ત્રણ હજાર મીટર જમીન સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી) માટે ફાળવવામાં આવી છે. આ ઉપરાંત વાલી દૈનાપાર્ક, પાટીવાલા પ્લોટ, બીઆર એવન્યુ, ફેઝાન પાર્ક, સમીર માર્ક સોસાયટીને ગામતળમાં લેવામાં આવશે. એનીમલ બર્થ કંટ્રોલ સમિતિની રચના, બ્લોક પેવિંગ, ડિઝાસ્ટરના સાધનો ખરીદવા, કલાર્ક અને એન્જિનીયરની નિમણૂંક સહિતના કામો મંજુર કરવામાં આવ્યાં હતાં.