ગણેશ પર્વ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ના બને માટે પોલીસ તંત્ર એક્શનમાં
પ્રતિનિધિ વડોદરા તા.29
વડોદરા શહેરમાં ગણેશ પર્વ ચાલી રહ્યો છે ત્યારે આ તહેવાર દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયુ છે અને સેન્ટ્લ એજન્સીની કંપનીના જવાનોને શહેરમાં ઉતારી દેવામાં આવ્યા છે. ત્યારે આ સીઆરપીએફના જવાનો સાથે પોલીસ અધિકારીઓ સહિતના જવાનો દ્વારા સિટી વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ કરાયું હતું. આગામી દિવસોમાં અસામાજિક તત્વો કોઇ પ્રકારનું અટકચાળુ ન કરે તેના માટે પોલીસ તંત્રે કાર્યવાહી શરૂ કરી દીધી છે.
વડોદરા શહેરમાં ગણેશોત્સવની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે અને તહેવાર દરમિયાન મોટી સંખ્યામાં લોકો અલગ અલગ પંડાલોમાં ગણપતીની પ્રતિમાને જોવા માટે ઉમટે છે. ત્યારે આ ગણેશ ઉત્સવ પૂર્વ તથા પહેલા જ દિવસે કોમ વાતાવરણ સર્જાય તેવા બનાવો બની ચૂક્યા છે. જેમાં સિટી પોલીસ સ્ટેશન પાસે ગણપતિની પ્રતિમા પર ઇંડા ફેકાયાં હતા તથા ન્યાય મંદિર નજીક બે કોમ વચ્ચે મારામારી કરીને શહેરનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરાયો છે. જેને લઇને પોલીસ તંત્ર એક્શનમા આવી ગયું છે અને અસામાજિક તત્વોને માત આપવા માટે સીઆરપીએફના જવાનોને સાથે રાખીને શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ડીસીપી તથા એસીપીના અધ્યક્ષ સ્થાન હેઠળ પોલીસ તથા સીઆરપીએફ જવાનો સાથે રાખીને સંદેવનશીલ તથા અતિસંવેદનશીલ વિસ્તારોના ખુણેખુણા ચેક કરીને કોઇ અનિચ્છનીય બનાવ ગણેશોત્સવ દરમિયાન ના બને તેના માટે તકેદારી રાખવામાં આવી રહી છે.