Vadodara

માંજલપુરમાં ઓવર બ્રિજની બંને બાજુ દાદર બનાવો નહિ તો ચક્કાજામ કરીશું: સ્થાનિકો




માંજલપુર વિસ્તારમાં સ્થાનિક લોકો દ્વારા આજે ફ્લાય ઓવર બ્રિજનો રસ્તો બંધ કરીને ચક્કાજામ કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો


માંજલપુર તાજેતરમાં જ બનાવવામાં આવેલો ફ્લાય ઓવરબ્રિજ વિવાદમાં આવ્યો છે. સ્થાનિક લોકો દ્વારા આજે ફ્લાય ઓવર બ્રિજનો રસ્તો બંધ કરીને ચક્કાજામ કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

માંજલપુર વિસ્તારમા ખોડીયાર નગર ખાતે ઓવરબ્રિજને કારણે ફાટક બંધ કરાવતા ત્યાંના સ્થાનિક રહીશો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સ્થાનિકોની અવરજવર માટે જે રસ્તો હતો એ રસ્તાને સત્તાધીશો દ્વારા બંધ કરી દેવામાં આવતા સ્થાનિક રહીશોએ ફ્લાય ઓવર બ્રિજના અવરજવરના રસ્તા ઉપર ચક્કાજામ કર્યો હતો અને સૂત્રોચાર કરીને બ્રિજની બીજી તરફનો જે રસ્તો છે તે શરૂ કરવાની માંગ કરી હતી.
સ્થાનિક રહીશો દ્વારા નગર સેવક ની પણ હાય હાય બોલાવવામાં આવી હતી અને મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. અહીં ઉલ્લેખનીય છે કે બ્રિજ પર માત્ર એક તરફ જ ચડવા ઉતરવા માટેની સીડી બનાવવામાં આવી છે. જેને લઇને સ્થાનિક લોકોના બાળકોને અભ્યાસ માટે શાળાએ જવાનું જે અંતર છે તે વધી જાય છે અને આ અંતર ઓછું થાય તે માટે સ્થાનિકો દ્વારા ગરનાળુ બનાવવાની પણ માંગ કરવામાં આવી છે.



વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં એક પછી એક નવા બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ આ બ્રિજને લઈને સામાન્ય જનતા અને વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે માંજલપુર તાજેતરમાં જ બનાવવામાં આવેલો ફ્લાય ઓવરબ્રિજ વિવાદમાં આવ્યો અને સ્થાનિકો દ્વારા આગામી દિવસોમાં પાલિકા તંત્ર દ્વારા આ બાબતે કોઈ સમાધાન કરવામાં નહીં આવે તો બ્રિજની બંને તરફના રસ્તા બંધ કરી દેવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

Most Popular

To Top