Nadiad

દિનશા પટેલ નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ સહિત 5 સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ

દલિત વિદ્યાર્થીને માનસિક ત્રાસ આપી જાતિવાદનો દ્વેષ રાખી મરવા મજબૂર કરાયાનો પરિવારે લગાવ્યો ગંભીર આક્ષેપ
(પ્રતિનિધિ) નડિયાદ, તા.5
નડિયાદની દિનશા પટેલ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા 20 વર્ષીય દલિત વિદ્યાર્થી જય પાટીલે કોલેજ સ્ટાફના માનસિક ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. મૃતકની માતાએ કોલેજના પ્રિન્સિપાલ અને ત્રણ મહિલા પ્રોફેસર સહિત 5 સામે જાતિવાદનો દ્વેષ રાખી મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે બી.એન.એસ. અને એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
નડિયાદમાં આવેલી દિનશા પટેલ નર્સિંગ કોલેજમાં બી.એસ.સી. નર્સિંગના પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા 20 વર્ષીય દલિત વિદ્યાર્થી જય વિજયકુમાર પાટીલ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ મામલે ચાર દિવસના વિલંબ બાદ નડિયાદ રૂરલ પોલીસ મથકે કોલેજના પ્રિન્સિપાલ સહિત 5 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

મૃતકની માતા ઉર્મિલાબેન પાટીલે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમનો પુત્ર એસ.સી. કેટેગરીમાં એડમીશન મેળવી અભ્યાસ કરતો હતો. ગત 28/01/2026 ના રોજ કોલેજમાંથી ફોન આવ્યો હતો કે જય શિસ્તમાં રહેતો નથી, જેથી વાલીને કોલેજ બોલાવવામાં આવ્યા હતા. બીજા દિવસે જ્યારે જય અને તેની માતા કોલેજ ગયા ત્યારે પ્રિન્સિપાલ અને અન્ય મહિલા પ્રોફેસરોએ જય પર મોબાઈલ વાપરવાના અને અશિસ્તના ખોટા આરોપો મૂકી તેને માનસિક રીતે ટોર્ચર કર્યો હતો. આટલું જ નહીં, પ્રિન્સિપાલે જયને કોલેજમાંથી કાઢી મૂકવાની અને તેના એલ.સી.માં લાલ શેરો મારી તેનું ભવિષ્ય બગાડવાની ધમકી પણ આપી હતી, જેના કારણે જય ભારે હતાશ થઈ ગયો હતો.

વધુમાં એવી વિગતો પણ સામે આવી છે કે જયને ગયા મહિને શિષ્યવૃત્તિ મળી હતી, જેના કારણે કોલેજ સ્ટાફને તેની જાતિ અંગે જાણ થઈ ગઈ હતી અને ત્યારથી તેની સામે જાતિવાદનો દ્વેષ રાખી હેરાનગતિ વધારવામાં આવી હતી. ફરિયાદમાં આક્ષેપ છે કે પ્રોફેસર શહેરીન મેડમ પર અભદ્ર ટિપ્પણી કરવાના પાયાવિહોણા આક્ષેપ હેઠળ સ્મિત નામના શખ્સે જયને જાહેરમાં ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગત 01/02/2026 ના રોજ જ્યારે જય ઘરે એકલો હતો ત્યારે તેણે છતના પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી હતી. તેના મૃતદેહ પાસેથી મળેલી સુસાઈડ નોટમાં તેણે પોતાની નિર્દોષતા વ્યક્ત કરતા લખ્યું હતું કે, મેડમ તેની પર પૂરતા પુરાવા વગર બ્લેમ કરી રહ્યા છે અને તે કંટાળી ગયો છે. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે પ્રિન્સિપાલ, ધારા મેડમ, પ્રકૃતિ મેડમ, શહેરીન મેડમ અને સ્મિત સામે બી.એન.એસ.ની વિવિધ કલમો તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

Most Popular

To Top