Dahod

દાહોદ જિલ્લામાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ભાજપ દ્વારા 18 કાર્યકરને સસ્પેન્ડ કરાયા



ઝાલોદ તેમજ દેવગઢ બારીયા નગરપાલિકા ચૂંટણી પહેલાં સંગઠન દ્વારા કાર્યવાહી


દાહોદ :

દાહોદ જિલ્લામાં દેવગઢ બારિઆ અને ઝાલોદ નગરપાલિકા ની ચૂંટણીમાં અપક્ષ તેમજ આમ આદમી પાર્ટીમાં ભાજપનો છેડો ફાડી ઉમેદવારી નોંધાવનાર સભ્યો તેમજ તેમના પરિવારના 18 જેટલા કાર્યકર્તાઓને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવતા સમગ્ર દાહોદ જિલ્લા ભાજપ આલમ ની સાથે સાથે જિલ્લાભરમાં ભારે સાથે ચકચાર મચી જવા પામી છે. ત્યારે બીજી તરફ આવનાર આ બંને નગરપાલિકાની ચૂંટણીના પરિણામો રસપ્રદ તેમજ રસાકસી ભર્યા રહેશે તેવા એંધાણો તજજ્ઞો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યા છે.

છેલ્લા કેટલાક દિવસોથી ઝાલોદ નગરપાલિકા અને દેવગઢ નગરપાલિકામાં ભાજપથી નારાજ ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તેઓના મનગમતા અને કેટલાક નવા નિશાળિયાને ટિકિટ આપી હોવાના આક્ષેપો વચ્ચે આ બંને નગરપાલિકામાં સમાવિષ્ટ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ સભ્યો દ્વારા ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી હતી. નારાજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ટિકિટ ન મળતા તેઓ દ્વારા તેમજ તેઓના પરિવારજનો અપક્ષમાં ઉમેદવારી તેમજ આમ આદમી પાર્ટીમાં ઉમેદવારી પત્રો નોંધાવી ચૂંટણીમાં મેદાનમાં ઉતર્યા છે. આવા સમયે દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આવા 18 જેટલા કાર્યકર્તાઓને પક્ષમાં વિરોધી પ્રવૃત્તિઓ કરવા સબબ અને સાઠ ગાંઠની પ્રવૃત્તિઓ કરવામાં આવી હોવાના ઉલ્લેખો સાથે દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા તાત્કાલિક ધોરણે પાર્ટીમાંથી છ વર્ષ માટે હકાલપટ્ટી કરવામાં આવી છે.

જિલ્લા લઘુમતી મોરચા પ્રમુખ, યુવા મોરચા કારોબારી સભ્ય, શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખ જેવા અગ્રણીઓની દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા તાત્કાલિક ધોરણે હકાલપટ્ટી કરવામાં આવી છે. જેમાં ઝાલોદ તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એવા રઝાકભાઇ ઇબ્રાહિમભાઇ પટેલ, શીલાબેન જગુભાઇ ગુર્જર, જયેશભાઇ રમેશભાઇ ચૌહાણ, તમન્ના ઉમેશભાઈ પટેલ, પ્રજ્ઞા ધરમેંદ્રભાઈ પટેલ, ફકીરા ઇકબાલભાઇ મહમદભાઇ, નિકિતા હેમંતકુમાર શાહ, ચંદ્રકાંત રશિકલાલ ચૌહાણ, પ્રિયંકાબેન પારસિંગભાઇ કિશોરી, જગુભાઇ રમેશભાઇ ગુર્જર, અમિત રણસિંગભાઇ ભાભોર, કેતન કાળુભાઇ પંચાલ દેવગઢ બારીયામાં ચિરાગ બાબુભાઇ બારીઆ, કનુભાઇ પુંજાભાઇ મકવાણા, સાગરબેન કનુભાઇ મકવાણા, ગૌરાંગકુમાર ભાલચંદ પંડ્યા, સજ્જનબા રણજીતસિંહ ગોહિલ, અશોકભાઇ શંકરલાલ રાણાનો સમાવેશ થાય છે.

Most Popular

To Top