ખાદ્ય સુરક્ષાની ગંભીર બેદરકારી, ફૂડ વિભાગે તપાસ શરૂ
દાહોદ, તા. 31
દાહોદ શહેરમાં ફાસ્ટ ફૂડની સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષા અંગે ચિંતાજનક ઘટના સામે આવી છે. શહેરના બસ સ્ટેન્ડ સામે આવેલી La Pino’z Pizzaની દુકાનમાં એક ગ્રાહકે મંગાવેલા પીઝામાંથી ઈયળ નીકળતાં ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ દાહોદ નગરપાલિકાના ફૂડ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ગ્રાહક પીઝા ખાવા બેઠા ત્યારે પીઝાના એક ટુકડામાં ઈયળ દેખાતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. આ ઘટનાની જાણ થતાં દુકાનમાં હાજર અન્ય ગ્રાહકોમાં પણ અસંતોષ અને રોષ જોવા મળ્યો હતો. ગ્રાહકે તરત જ આ બાબત દુકાનના સંચાલકોના ધ્યાન પર લાવી હતી.
ઘટનાની જાણ થતાં દાહોદ નગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. ટીમે દુકાનની તપાસ કરી શંકાસ્પદ પીઝાના નમૂનાઓ એકત્રિત કર્યા હતા અને કાયદેસર કાર્યવાહી માટે તે નમૂનાઓ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ફૂડ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ ખાદ્ય સુરક્ષા નિયમો મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ ઘટનાએ શહેરના નાગરિકોમાં ફાસ્ટ ફૂડ દુકાનોની સ્વચ્છતા અને ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. ખાસ કરીને બાળકો અને યુવાનોમાં પીઝા સહિતના ફાસ્ટ ફૂડનો વપરાશ વધી રહ્યો છે, ત્યારે આવી ઘટનાઓ જાહેર આરોગ્ય માટે જોખમરૂપ બની શકે છે. પીઝા જેવી લોકપ્રિય ખાદ્ય વસ્તુમાં ઈયળ નીકળવી એ ખાદ્ય સામગ્રીના સંગ્રહ, તૈયાર કરવાની પ્રક્રિયા અને સફાઈ વ્યવસ્થામાં મોટી બેદરકારી દર્શાવે છે.
સ્થાનિક નાગરિકોએ માંગ કરી છે કે ફૂડ વિભાગ દ્વારા શહેરની અન્ય ફાસ્ટ ફૂડ દુકાનોમાં પણ સઘન તપાસ હાથ ધરવામાં આવે, જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. હાલ સમગ્ર મામલે નગરપાલિકાની કાર્યવાહી અને લેબોરેટરી રિપોર્ટ પર સૌની નજર મંડાઈ છે. જો રિપોર્ટમાં ખામીઓ સાબિત થશે તો સંબંધિત દુકાન સામે કડક પગલાં લેવાય તેવી શક્યતા છે
રિપોર્ટર: વિનોદ પંચાલ