વડોદરા તા.28
આગામી તારીખ 11 માર્ચથી શરૂ થઈ રહેલી એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષાને લઈ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા કેટલાક નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને પરીક્ષા ખંડમાં પરીક્ષાર્થી ગેરરીતિ કરતા પકડાઈ તો ખંડ નિરીક્ષક અને સ્થળ સંચાલક તેટલા જ જવાબદાર ગણાશે હોવાનું જણાવાયુ છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા એસએસસીની અને એચએસસીની સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ તથા વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓનું આયોજન આગામી તારીખ 11 મીથી તારીખ 26 માર્ચ સુધી કરવામાં આવ્યું છે આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષાની કાર્યવાહીમાં કોઈપણ પ્રકારની રૂકાવટ ન આવે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યની તમામ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીને સૂચનો કરવામાં આવ્યા છે. જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા પણ તકેદારીના જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. જેમાં બોર્ડે જાહેર કરેલા શિક્ષા કોષ્ટકનો શાળાઓએ પ્રચાર પ્રસાર કરવાનો રહેશે. પરીક્ષાર્થીની ચોરી પકડવા કરતા ચોરી ન થાય તેવું વાતાવરણ પરીક્ષા સ્થળે રાખવું, પરિક્ષાર્થી ગેરરીતી કરતા પકડાય તો ખંડ નિરીક્ષક અને સ્થળ સંચાલક તેટલા જ જવાબદાર ગણાશે. ગેરરીતિમાં કેસના તમામ પેપર ગેરરીતીથી પકડનાર કર્મચારી અધિકારીએ કરવાના રહેશે. કાર્યવાહી નિયમ પ્રમાણે પુરી નહીં કરનાર કસૂરવાર ગણાશે. પરિક્ષાર્થી પાસેથી જપ્ત કરેલી કાપલી સાહિત્ય સાધનો ખંડ નિરીક્ષકે સહી કરવી. આ ઉપરાંત રાઇટર માટે પણ કેટલા નિયમો રાખવામાં આવ્યા છે.
જેમાં ડીઇઓ રાઈટર અંગે મંજૂરી આપશે ધોરણ 10 માટે નો રાઇટર વિદ્યાર્થી ધોરણ નવ માં જ અભ્યાસ કરતો હોવો જોઈએ અને ધોરણ 12 માટેનો રાઇટર વિદ્યાર્થી ધોરણ 11 માં અભ્યાસ કરતો હોવો જોઈએ શાળાનો ફોરવર્ડિંગ લેટર રાઇટરનું બોનોફાઇડ,સહમતી,રસીદની નકલ, દિવ્યાંગનું પ્રમાણપત્ર, લહિયાની વિગત જરૂરી રહેશે. જે તે કેન્દ્રના સંચાલકોને પણ કેટલીક બાબતોનું ધ્યાન ખાસ રાખવા જણાવ્યું છે. જેમાં પોલીસ કર્મચારીની કામગીરી પરીક્ષા સ્થળ કમ્પાઉન્ડ બહાર કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે તેઓને બોર્ડના અધિકારી કે સ્થળ સંચાલકની સૂચના સિવાય પ્રવેશ કરવા દેવો નહીં. સ્થળ સંચાલકે ખંડ નિરીક્ષકોમાં સ્ત્રી ઉમેદવારને ખંડ નિરીક્ષકો તરીકે રાખવા પડશે જે દિવસે જે વિષયનું પ્રશ્નપત્ર હોય તે વિષયના શિક્ષકોને ખંડ નિરીક્ષક તરીકે લેવા નહીં, પરીક્ષા ખંડ કે સ્થળ ઉપર કર્મચારીની પ્રવૃત્તિ શંકાસ્પદ જણાય તો સંચાલકે તાત્કાલિક તેને બદલી નાખવા અને તેની સામે કાર્યવાહી કરી તેનો અહેવાલ જિલ્લા શિક્ષણ અધિકારીને આપવાનો રહેશે, સાથે સ્થળ સંચાલકે સ્કોડના સભ્યો સરકારી પ્રતિનિધિ ખંડ નિરીક્ષકો પરીક્ષાઓ માટે કોઈપણ ખાદ્ય પદાર્થ ઠંડા પીણા ચા કોફી પરીક્ષાના સમયે બિલ્ડિંગમાં લાવવા માટે પ્રતિબંધ રહેશે.