પ્રતિનિધી ગોધરા તા.02
પંચમહાલ જિલ્લાના ઘોઘંબામાં જાગૃત નાગરિકની સતર્કતા અને 181 અભયમ ટીમની ત્વરિત કામગીરીને કારણે નિરાધાર હાલતમાં મળી આવેલા એક મહિલા અને તેની માસૂમ બાળકીને સુરક્ષિત આશ્રય મળ્યો છે.
ઘોઘંબા વિસ્તારમાં છેલ્લા બે દિવસથી એક અજાણી મહિલા તેના આશરે એક વર્ષના બાળક સાથે એકલી અટૂલી જોવા મળતી હતી. આ મહિલા સાંજના સમયે વ્યસ્ત ચાર રસ્તા પર જઈને રોડની વચ્ચે જ સુઈ જતી હતી જેના કારણે વાહનોની અવરજવરથી ગંભીર અકસ્માત થવાનો અને બાળકને ઈજા પહોંચવાનો ભય તોળાઈ રહ્યો હતો. સ્થાનિક લોકો જ્યારે પૂછપરછ કરવા કે સમજાવવા જતા ત્યારે મહિલા ઉશ્કેરાઈ જતી હતી અને ઉગ્ર વર્તન કરતી હતી. આ બાબત એક જાગૃત નાગરિકના ધ્યાને આવતા તેમણે માતા અને બાળકની સુરક્ષા કાજે તાત્કાલિક 181 મહિલા હેલ્પલાઇનમાં જાણ કરી હતી.
માહિતી મળતા જ ગોધરા 181 અભયમની રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ટીમે મહિલાનું કાઉન્સિલિંગ કરી વિગતો મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મહિલા પોતાનું નામ સિવાય અન્ય કોઈ ચોક્કસ માહિતી આપી શકી ન હતી. મહિલા અને બાળકી રોડ પર જ રહેતા હોવાથી તેમના જીવને જોખમ હતું. આથી, માતા અને બાળકીની સુરક્ષાને ધ્યાને લઈ અભયમ ટીમે તેમને ગોધરા સ્થિત ‘સખી વન સ્ટોપ સેન્ટર’ (OSC) ખાતે ખસેડી સુરક્ષિત આશ્રય અપાવ્યો છે.