Godhra

ગોધરાની ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં ડિગ્રી સર્ટિફિકેટની તોતિંગ ફી વસૂલાત

આદિવાસી સમાજના અગ્રણીએ કુલપતિને રજૂઆત કરી

પ્રતિનિધિ ગોધરા તા.30
પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર,વડોદરા ગ્રામ્ય જેવા આદિવાસી બાહુલ્ય ધરાવતા જિલ્લાના વિદ્યાર્થીઓને ઘરઆંગણે ઉચ્ચ શિક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુથી વર્ષ 2015માં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. જોકે, આ વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓના હિત માટે શરૂ થયેલી આ યુનિવર્સિટીમાં હાલ અન્ય યુનિવર્સિટીઓ કરતા ડિગ્રી સર્ટિફિકેટ માટે અનેકગણી વધુ ફી વસૂલવામાં આવતી હોવાથી મહીસાગર જિલ્લાના આદિવાસી સમાજ અગ્રણી બાબુભાઈ ડામોર દ્વારા આ મામલે યુનિવર્સિટીના કુલપતિને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યા અનુસાર, ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં ફાઈનલ ડિગ્રી સર્ટિફિકેટ મેળવવા માટે અન્ડર ગ્રેજ્યુએટ કોર્સ માટે 500 રૂપિયા અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ માટે 1000 રૂપિયા જેટલી મોટી રકમ લેવામાં આવે છે. આ આર્થિક બોજ આદિવાસી વિદ્યાર્થીઓ માટે અસહ્ય છે, કારણ કે રાજ્યની અન્ય પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ જેવી કે ગુજરાત યુનિવર્સિટીમાં માત્ર 260 રૂપિયા, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં માત્ર 200 રૂપિયા તેમજ સરદાર પટેલ યુનિવર્સિટીમાં 300 રૂપિયા ફી લેવામાં આવે છે. અન્ય યુનિવર્સિટીઓની સરખામણીએ ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં બે થી ત્રણ ગણી વધુ ફી લેવામાં આવતા વિદ્યાર્થીઓના વાલીઓને આર્થિક ફટકો પડી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિંઝોલ ખાતે અત્યાધુનિક વહીવટી ભવનનું ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેનો હેતુ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ સુવિધા આપવાનો હતો. પરંતુ આદિવાસી વિસ્તારમાં હોવા છતાં ST, SC અને OBC વિદ્યાર્થીઓ પાસેથી શા માટે વધુ ફી વસૂલવામાં આવે છે તેવા પ્રશ્નો સમાજ અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યા છે. રજૂઆત દરમિયાન હિરેન શ્રીમાળી અને સાહિલ પરમાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ મામલે યુનિવર્સિટીના કુલપતિએ આગામી સમયમાં ફી ઘટાડવા અંગે હકારાત્મક નિર્ણય લેવાનું આશ્વાસન આપ્યું છે.

રિપોર્ટર: આશિષ બારીયા, ગોધરા

Most Popular

To Top