Business

ઇશિતાનું અલકમલક

  • વાત બે ભૂતિયાં ગામની…

‘ભૂત-પ્રેત-પિશાચ-ડાકણ…’  આ બધા શબ્દ સાંભળતાં જ ‘ઈશિતા’ના મનમાં ઉત્કંઠા-રોમાંચ-રહસ્ય અને ભયનું એક ઠંડુંગાર લખલખું કરોડ્ડરજ્જુમાંથી પસાર થઈ જાય ને સાથે માથા પર પ્રસ્વેદબિંદુ ફૂટી નીકળે..! ભૂત-ડાકણની વાત ભલે આપણી વાટ લગાડી દે તો પણ એ સાંભળવી- વાંચવી જરૂર ગમે. ‘ઈશિતા’એ હમણાં ભૂતિયા ગામથી લઈને ભૂતિયા પ્રેમીના આવા કેટલાક કિસ્સા સાંભળ્યા તો એ તમે પણ માણો ને ડર લાગે તો ડરો…! આ વાત છે અમેરિકાના નેબ્રાસ્કા રાજ્યના એક ગામની. આમ તો એ ખેતીપ્રધાન ગામ ગણાય છે પણ કહે છે કે થોડાં વર્ષથી આ ટાઉન પર ન જાણે કેમ કેટલાક અતૃપ્ત આત્માઓની એવી બૂરી નજર લાગી કે અહીં કોઈ ટકતું નથી. અહીં લોકો આવે – વસે-ખેતીનું કે બીજું કોઈ કામ શરૂ કરે અને અચાનક પરિવાર સહિત રાતોરાત ગામ છોડીને ચાલ્યા જાય! દસેક વર્ષ પહેલાં અહીં સરકારી  ગણતરી મુજબ ૧૫૦ લોકોની વસતિ હતી, જે સાવ ઘટી જઈને એક પતિ-પત્ની એટલે માત્ર બે જ વ્યકિતની વસતિ રહી!

આ ટાઉનનું નામ છે મોનોવી. અહીં માત્ર જે  બે જ રહ્યાં એ પતિ રુડી અને પત્ની એસ્લી. આ એઈલર પરિવારનાં બે સંતાન મોટાં થઈ નજીકના શહેરમાં વસી ગયાં. ગામમાં ઠીક ઠીક વસતિ હતી ત્યારે પતિએ એક બાર અને એક લાઈબ્રેરી શરૂ કરી હતી . કાળક્રમે પતિનું મરણ થયું પછી આ ભૂતિયા ગામની એક માત્ર રહેવાસી છે એની પત્ની એસ્લી…. ન જાણે કેમ એસ્લીને કોઈ પ્રેતાત્માએ હજુ સુધી પજવી નથી એટલે એ એક્લી આ ટાઉનમાં ટકી રહી છે અને હા, આ ટાઉનની સાર-સંભાળ લેવા નિયમાનુસાર મેયરની ચૂંટણી યોજાય, જેમાં એસ્લી ઉમેદવારી નોંધાવે અને વિના પ્રતિસ્પર્ધી એ મેયર તરીકે ચૂંટાઈ આવે છે! ટાઉનમાં પાણી -વીજળીના ખર્ચ પેટે સરકાર તરફ્થી એસ્લીને આશરે રૂપિયા ૩૦ -૩૫ હજાર સુધીની રકમ મળે. ક્યારેક ગામ-સંભાળનો ખર્ચ વધી જાય તો એસ્લી ખુદ ભરી દે કેમ કે આજુબાજુનાં ગામનાં લોકો અહીંથી પસાર થાય એ બધાં એસ્લીના બારમાં જરૂર જાય પરિણામે એસ્લીને સારી એવી કમાણી છે!

આવો જ હમણાંનો  કિસ્સો છે આપણા તામિલનાડુના એક ગામનો. મદુરાઈ નજીકના કિચુપટ્ટી નામના  ગામમાં એક શખ્સ એની પત્ની સાથે રહે છે. આપણી આઝાદીના એક લડતવીર સુભાષચન્દ્ર બોઝ પરથી એનું નામ મા-બાપે રાખ્યું છે. આમ તો વારસાગત રીતે એમનો પરિવાર જમીનદાર પણ કહે છે કે કોઈ શાપિત આત્માને લીધે  જમીનદારી ચાલી ગઈ અને કાળક્રમે આવા જ કોઈ શ્રાપને કારણે એમનું આખું ગામ ખાલી થઈ ગયું.  આજે આ ૭૭ વર્ષીય  સુભાષચન્દ્ર નાનું-મોટું વૈદુ કરવા ઉપરાંત સર્પદંશ ઉતારવામાં પારંગત છે એટલે આજુબાજુનાં ગામોનાં લોકો એને ત્યાં આવે છે ને એ આમ પેટિયું રળે છે.

‘પોતાની વારસાગત જમીનદારી નજીકના ભવિષ્યમાં પરત મળશે’ એવી  આશા અને ભ્રમમાં રાચતા આ સુભાષચન્દ્ર આજે પણ આ ભૂતિયા ગામમાં પત્ની સાથે સાવ એકલાઅટૂલા રહે છે. જમીનદારી તો હજુ પાછી મળી નથી પણ એમની કથા સોશ્યલ મીડિયામાં વહેતી થતાં તમિળનાડુના નવા ચીફ મિનિસ્ટર સ્ટાલિને બાજુના ગામમાં રીપિયા ત્રણેક લાખના ખર્ચે તૈયાર કરેલા એક નવા ઘરમાં એ યુગલને સ્થાંળતર કરવાનો હુકમ આપી દીધો છે. એ ઘરની વિશેષતા છે કે સોલર શક્તિથી વીજળી ઉત્પન્ન કરતું  આ રહેઠાણ ‘ગ્રીન હાઉસ’ની ઘણી બધી ખૂબી ધરાવે છે. બોલો, સુભાષચન્દ્રને આથી વધુ કઈ જમીનદારી હવે જોઈએ?!

  • હવે વાત એક પ્રેત પ્રેમીની…

બે ભૂતિયાં ગામની વાત કરી, હવે ‘ઈશિતા’ પાસેથી સાંભળો, એક  પ્રેમી ભૂતની વાત.      ન્યૂયોર્કની કેથરિન વર્બ નામની એક યુવતીને હેન્રી નામના યુવાન સાથે સોશ્યલ મીડિયા પર પરિચય થયો. હેન્રી ન્યૂયોર્કથી ખાસ્સા એવા દૂર આવેલા ટાઉનમાં રહે. મેસેજ-વીડિયો કૉલ પર નિયમિત કલાકો સુધી વાતો થતી. સમય જતાં પરિચય પ્રેમમાં પલટાયો. દોઢેક વર્ષનાં આવાં ‘ઈલ્લુ ઈલ્લુ’ પછી ટૂંક સમયમાં મૅરેજ કરીને હંમેશને માટે જીવનસાથી બની જવું એવા એકમેકને કૉલ આપ્યા. અચાનક કહાનીમાં  ટ્વિસ્ટ આવ્યો. હેન્રીનો મેસેજ આવ્યો: ’હું કોરોનામાં સપડાયો છું. સારવાર શરૂ કરી છે. મેસેજ દ્વારા તને અપડેટ કરતો રહીશ.’ થોડા દિવસ મેસેજ આવતા રહ્યા પછી બંધ થઈ ગયા. હેન્રીએ ફોન પણ ઉપાડવાનું બંધ કરી દીધું. કેથરિનને ચિંતા થઈ. હૉસ્પિટ્લ્સ- કોવિડ સેન્ટર્સમાં એની શોધ આદરી. હેન્રીનો અત્તોપત્તો ન મળ્યો  પછી ‘પ્રેમી ગુમ થયો છે’ની પોલીસ ફરિયાદ કરી. કેથરિન પાસેથી મળેલી હેન્રીની બધી જ વિગતોને આધારે પોલીસે સઘન તપાસ આદરી. એમને પણ હેન્રી નામનો શખ્સ ન જડ્યો. આખરે પોલીસે કેથરિનને કહેવું પડયું :

‘સૉરી, તમે જે હેન્રી નામના પ્રેમીની વાત કરો છો એ નામની કોઈ વ્યક્તિનું કોઈ અસ્તિત્વ જ નથી..!’ ભૂત-પ્રેત જેવી ન ઉકેલી શકાય એવી રહસ્યમય કથાઓ પેશ કરતી એક વૅબસાઈટ છે. એના પર અવાક થઈ ગયેલી કેથરિને ગુમ થયેલા પોતાના પ્રેમીની વાત હમણાં વહેતી મૂકી છે, જેનો વીડિયો આજકાલ જબરો વાઈરલ થઈ ગયો છે. એના મોટા ભાગના દર્શકો માને છે કે કેથરિનનો પેલો પ્રેમી હેન્રી જરૂર પ્રેત જ હશે, જેણે માનવદેહ ધારણ કરી એની સાથે બે વર્ષ સુધી પ્રેમી હોવાનું નાટક કર્યું ને જેવી કેથરિન સાથે મેરેજની વાત નીકળી એટલે  કોરોનાનું બહાનું બતાવી  હેન્રી પ્રેતયોનિમાં પરત થઈ ગયો!

  • ઈશિતાનું  ઈત્યાદિ …ઈત્યાદિ

આપણા નેતાઓ ,પછી ભલેને એ સત્તાધારી પક્ષના હોય કે વિપક્ષના- કોરોનાને લગતાં સુરક્ષાના બધા જ નિયમોનાં ખુલ્લેઆમ ચીથરાં ઊડાવી દઈને સભા- સરઘસ યોજે છે. બીજી તરફ, હમણાં જ બ્રાઝિલના રાષ્ટ્રપતિ  જેર બોલ્સોનારોએ એના સમર્થકો સાથે એક મોટરબાઈક રેલી કાઢી. ‘રસી લીધા પછી માસ્કની જરૂર નથી’ એવું દર્શાવવા એમણે આ વિરોધ સરઘસનું આયોજન કર્યું, જેમાં કોઈએ માસ્ક પહેર્યાં નહીં. આ નિયમભંગ માટે એ રાષ્ટ્રપતિ હોવા  છતાં એમને  ૧૧૦ ડોલર ( આશરે 8000 રૂપિયા)નો દંડ ફટકારવામાં આવ્યો, જે  એમણે રોકડો ભરી દીધો. આનું નામ વિરોધ એટલે વિરોધ અને નિયમ એટલે નિયમ…!

રાજા હવે નામના રહ્યા છે પણ એમાંથી કેટલાક રાજા ને એમનો પરિવાર પોતાનાં નામ  ઊજાળે એવા પણ છે. નેધરલેન્ડની પ્રિન્સેસ એમેલિયા આ ડિસેમ્બર મહિનામાં ૧૮ વર્ષની થશે એટલે એને સત્તાવાર રીતે રૂપિયા ૧૪ કરોડનું વાર્ષિક રાજવી- ભથ્થું મળશે પણ રાજકુમારી એમેલિયાએ એ ભથ્થું સ્વીકારવાની આગોતરી ના પાડી દીધી છે. આવા ઈન્કારનું કારણ આપતાં એ કહે છે કે હજુ સુધી દેશ માટે મેં કશું કામ કર્યું નથી તો પછી શું કામ એ લઉં ?! શીખો… શીખો, આપણા નેતાભાઈલોગ આમાંથી કંઈક તો શીખો! * ઈશિતાની એલચી * પ્રશ્ન : મોડા આવે છે અને વહેલા જાય છે એ તમારા  કોણ ? ઉત્તર : તમારા બૉસ અને તમારા દાંત…!!

Most Popular

To Top