‘એ સુરત-આ સુરત’ કોલેમમાં ડો. મકરન્દ મહેતા, એમની લેખન શ્રેણી દ્વારા સુરતનો ન જાણ્યો હોય એવો ઇતિહાસ, સરળ અને રસપ્રદ શૈલીમાં આલેખી રહયા છે. ગાંધીજીના દક્ષિણ ગુજરાત અને સુરતની મુલાકાતનું લખાણ ખૂબ જ દયાનાર્હ રહયું. આજથી 105 વર્ષ પૂર્વે, 1916માં ગાંધીજીની સુરતની મુલકાત વખતે ગાંધીજીએ જે બે મુખ્ય મુદ્દાઓ ઉપર સુરતના લોકો સમક્ષ વાત માંડેલી એની સરસ નોંધ સદરહુ કોલમમાં ડો. મહેતાએ કરી છે. એ નોંધમાં ગાંધજી અંગ્રેજી ભાષા માટે શું કહે છે તે જોઇએ. આ દેશમાં અંગ્રેજી ભાષામાં ભાષણો આપનારા એ જાણતા નથી કે મોટા ભાગના લોકો તે સમજી શકતા નથી. જે ભાષા, તેમના માતા પિતા જાણતા નથી, ભાઇભાંડુ કે નોકર ચાકર જાણતા નથી તે ભાષામાં પટપટારો કરવાથી શો લાભ છે? અંગ્રેજી ભાષામાં બોલ બોલ કરનાર એમ માને છે કે એમનો વટ પડે છે પણ ખરેખર તો તેઓ માતૃભૂમિને ભારરૂપ છે. અંગ્રેજી ભાષા શીખવી જોઇએ પણ તે આપણી માતૃભાષાને ભોગે નહિં. ગાંધીજીની સદી પહેલાંની આ અંગ્રેજી બાબતની સ્પષ્ટતા. આજે પણ એટલી જ યથાર્થ છે.
ગાંધીજીનું અંગ્રેજી ઉત્તમ હતું. તેઓ અંગ્રેજીના ખાંટુઓ સાથે પણ અંગ્રેજીમાં વાત કે ચર્ચા કરવાનું ટાળતા. અંગ્રેજી ભાષાની જરૂરિયાત બાબતે ગાંધીજી પારદર્શક હતા. પણ માતૃભાષા ઉપર અંગ્રેજી હાવી થાય, એવું એમને જરાપણ પસંદ નહોતું. ગાંધીજીની તે વખતની મુલાકાત વખતે એમણે ભાષણ બાબતે પણ પોતાના વિચારો પ્રગટ કર્યા હતા. મારો 30 વર્ષનો અનુભવ છે કે જયાં પુષ્કળ ભાષણો થાય છે ત્યાં કામ થતું નથી. આપણુ જીવન, શબ્દો અને ભાષણ દ્વારા નહિ પણ કર્મો દ્વારા શોભે છે. અંગ્રેજી ભાષાની જરૂરિયાત અને આપણા ભાષણો, એમ બે મુદ્દાઓ ઉપરના ગાંધીજીના ટૂંકા પણ મુદ્દાસરના વિચારો આજે વધુ પ્રસ્તુત હોય એવું લાગ્યા વગર રહેતું નથી. અંગ્રેજી ભાષા તરફની માતૃભાષાને અવગણીને મુકાતી આંધળી દોટ બાબતે સૌએ ગંભીરતાથી વિચારવું રહયું. જયારે ભાષણ કરવા બાબતે ગાંધીજીના વિચારો, પ્રવર્તમાનના નેતાઓ માટે શબ્દશ: સાચા ઠરતા જોઇ શકાય છે અને ખરેખર જો ભાષણો આપવથી લોકોનો જયવારો થતો હોય તો ભારતના લોકો આજે દુનિયામાં નંબર વન બની ગયા હોત.
સુરત – બાબુભાઇ નાઇ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.