કડોદરા(Kadodara): બે બાળકોની માતાના પ્રેમમાં અંધ બનેલા કડોદરાના યુવકે અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. આ ઘટનાએ કડોદરા જીઆઈડીસી પોલીસની ભૂમિકા સામે પણ પ્રશ્નો ઉભા કર્યા છે. કારણ કે પરિણીતા અને તેનો પ્રેમી પોલીસ સ્ટેશનમાં હાજર થયા બાદ કંઈક એવું બન્યું કે યુવક પોલીસ સ્ટેશનમાંથી ભાગવા મજબૂર થયો હતો અને ભાગતી વખતે જ અકસ્માત સર્જાતા તેનું મોત થયું હતું.
કડોદરા GIDC પોલીસ (Police) મથકની કડોદરા ચાર રસ્તા ચોકી વિસ્તારની પરિણીતા એક યુવક સાથે ભાગી હતી. તા. 10 એપ્રિલને બુધવારના રોજ પરિણીતાના સંબંધી મારફતે પરિણીતા અને યુવાન કડોદરા પોલીસ સમક્ષ હાજર થયા હતા. દરમિયાન પોલીસ યુવકનું નિવેદન લઈ રહી હતી ત્યારે યુવક પોલીસની નજર ચૂકવી ભાગી ગયો હતો. કડોદરા બ્રિજ નીચેના ગરનાળું ઓળંગી ભાગવા જતા ટેમ્પા અડફટે યુવાનનું મોત નિપજ્યું હતું.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મૂળ રાજસ્થાનના અને હાલ પલસાણા તાલુકાના બગુમરા ગામની શિવ સાગર સોસાયટીના મકાન નંબર 104માં રહેતા પ્રકાશ ડાલુરામ ખટિક ( ઉં.વ 20 ) મિનરલ પાણીનો વેપાર કરે છે. પ્રકાશ ખટીક કડોદરા ખાતે રહેતી બે પુત્રની માતાને લઈ ભાગી છૂટ્યો હતો.
આ મામલે પરિણીતાના પરિવારજનોએ કડોદરા પોલીસમાં જાણ કરતા બુધવારે પ્રકાશના સંબંધી પ્રકાશ ખટિક અને પરિણીતાને લઈ કડોદરા ચોકી પર પોલીસ સમક્ષ હાજર થયા હતા. જે દરમિયાન પોલીસે પરિણીતાનું નિવેદન લઈ પરિણીતાનો કબજો તેના પતિને સોંપ્યો હતો અને પ્રકાશ ખટીકનું નિવેદન લઈ રહી હતી.
તે દરમિયાન પ્રકાશ પોલીસની નજર ચૂકવી નેશનલ હાઇવે નંબર 48 ઉપર ચલથાણ તરફ ભાગ્યો હતો અને બ્રિજ નીચે બનેલા અંડર રસ્તામાંથી સામેની તરફ જઈ રહ્યો હતો ત્યારે ચલથાણ કડોદરા સર્વિસ રોડ પર રાજસ્થાન હોટલની સામે એક અજાણ્યા ટેમ્પા ચાલકે પ્રકાશને ટક્કર મારતા પ્રકાશને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી.
કડોદરા પોલીસ પ્રકાશને ચલથાણ ખાતેની સંજીવની હોસ્પિટલમાં લઈ ગઈ હતી. ફરજ પરના તબીબે પ્રકાશને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર મામલે કડોદરા પોલીસે પરિવારની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે.
પરિવારજનોના પોલીસ સામે આક્ષેપ
પલસાણા તાલુકાના કડોદરા વિસ્તારમાં રહેતા અને મૂળ રાજસ્થાનના રજસમદ જિલ્લાના રહેવાસી પ્રકાશ ડાલુરામ ખટિક ( ઉ. વ. 20 ) ને બે બાળકોની માતા સાથે પ્રેમ સંબંધ હતો અને તેને લઈને ભાગી ગયો હતો. જેમાં પ્રકાશના સંબંધીઓએ તેને કડોદરા ચોકી પર હાજર કર્યો હતો જ્યાં પોલીસ તેનું નિવેદન લેવાની હતી ત્યારે તે નજર ચુકાવી ભાગ્યો હતો અને ચોકી થી 100 મીટર ના અંતરે માર્ગ અકસ્માત મા મૃત્યુ પામ્યો હતો . ઘટના બાદ સમાજ ના લોકોના કડોદરા ચોકી સંજીવની હોસ્પિટલ ખાતે ચહલ પહલ રહી હતી. પરીવારજનો અને સમાજના લોકોએ પોલીસની ભૂમિકા પર શંકા વ્યક્ત કરી આક્ષેપો કર્યા હતા.