શહેરમાં એક બાજુ અસામાજિક તત્વોનો ઉત્પાત યથાવત છે. પાંડેસરા વિસ્તારમાં ગઈકાલે બુધવારે રાત્રે અસામાજિક તત્વોએ કાયદા વ્યવસ્થાની લીરેલીરા ઉડાડ્યા હતા. પાંડેસરાની આવિર્ભાવ સોસાયટીમાં આવેલી ઉડિયા શાળાની સામે જ ત્રણ આરોપીઓએ એક યુવક પર ચપ્પુના ઘા ઝીંકી તેની કરપીણ હત્યા કરી ભાગી ગયા હતા. જયારે આ હત્યાના બનાવને પગલે સમગૂ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને વાતાવરણ પણ તંગ બની ગયું હતું.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા ખાતે આવેલા નાગસેનનગરમાં રહેતો સુભાષ નરેશભાઈ લાંગડે (ઉં.વ.32) ગઈકાલે રાત્રે 10.30થી 11 વાગ્યાના અરસામાં પાંડેસરા અવિર્ભાવ સોસાયટી ખાતે આવેલ ઉડિયા શાળાની સામે ઉભો હતો ત્યારે ત્રણ ઈસમો સાથે તેની બોલાચાલી થઈ હતી.
બોલાચાલી ઉગ્ર ઝગડામાં પરિવર્તતિ થઈ હતી અને ત્યારે આરોપીઓએ ચપ્પુ કાઢી સુભાષ ઉપર હુમલો કર્યો હતો. તેના પેટના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં ચપ્પુના ઘા ઝીંકી તેને ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા કરી ભાગી છૂટયા હતા.
હત્યાના આ બનાવની ખબર પડતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મૃતકના સગા, પરિચિતો પણ ત્યાં દોડી ગયા હતા. જોકે ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારના ગંભીર ઘા ને પગલે સુભાષએ ત્યાં જ દમ તોડી દીધો હતો. બીજી તરફ હત્યાના આ બનાવને પગલે સ્થાનિક પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી.
પાંડેસરા પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. ડીસીપી, એસીપી જેવા ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા અને તેઓ દ્વારા સમગ્ર ઘટનાને અંગે જરૂરી માહિતી મેળવવામાં આવી હતી. તેમજ જ મૃતકની લાશને પોસ્ટ માર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ઉચ્ચ પોલીસ અધિકારીઓ જણાવ્યું હતું કે મૃતક સુભાષ લાંગડે મજૂરી કામ કરતો હતો. તેની હત્યા કરનારા તેના મિત્રો જ હતા. જૂની અદાવતમાં મૃતક અને આરોપીઓ વચ્ચે ગઈકાલે રાત્રે ઝગડો થયો હતો. વાત વણસી હતી અને આરોપીઓએ ચપ્પુના ઘા ઝીંકી સુભાષની હત્યા કરી હતી. હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.