સુરત: સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર ગઈ તા. 31 જાન્યુઆરીના રોજ સેવાનિવૃત્ત થયા છે. હાલમાં શહેર કમિશનરનો ચાર્જ કોઈ અધિકારી પાસે નથી, ત્યારે શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. હજુ ત્રણ દિવસ પહેલાં અઠવાગેટમાં મહાવીર હોસ્પિટલની સામે જાહેર માર્ગ પર પૈસાની લેતીદેતીમાં પીંકેશ ઉર્ફે પિન્ટુ નવસારીવાલાની હત્યા થઈ હતી તેની શ્યાહી સુકાઈ નથી ત્યાં ગુરુવારે મધરાત્રે શહેરમાં હત્યાનો બીજો બનાવ બન્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના પાંડેસરા વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો છે. પાંડેસરાના વીવીંગ યુનિટમાં કામ કરતા કારીગરની ગુરુવારે મોડી રાત્રે હત્યા થઈ છે. કારખાનાથી 100 મીટર અંતરે આવેલી ચાની લારી પાસે કારીગરને રહેંસી નાંખવામાં આવ્યો છે. અજાણ્યા ઇસમોએ પથ્થર અને તિક્ષ્ણ હથિયાર વડે કારીગરની નિર્મમ હત્યા કરી છે. બનાવની જાણ પોલીસને થતા પોલીસે અજાણ્યા ઈસમો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સુરતના પાંડેસરાના બાટલી બોય વિસ્તારમાં આ ઘટના બની છે. અહીં સિલ્ક સીટી ઇન્ડસ્ટ્રીયલ વીવીંગ યુનિટના કારીગરની હત્યા થઈ છે. ગુરુવારે મોડી રાત્રે 32 વર્ષીય દિનેશ નિશાદ નામના કારીગરની હત્યા થઈ છે. 32 વર્ષીય દિનેશ નિશાદ મૂળ ઉત્તર પ્રદેશનો છે. પરિણીત દિનેશના પરિવારમાં પત્ની, પુત્ર અને પુત્રી છે. યુપીથી સુરત રોજગારી માટે આવ્યો હતો. પાંડેસરામાં સિલ્ક સીટી ઇન્ડસ્ટ્રીયલમાં કામ કરતો હતો.
દિનેશ નિશાદ જે કારખાનામાં કામ કરી રહ્યો હતો તેના 100 મીટરના અંતરમાં જ આવેલ ચાની લારી પાસે તેની હત્યા થઈ છે. રાત્રે 12 વાગ્યાની આસપાસ દિનેશ નિશાદ નાઈટ શિફ્ટમાં નોકરી કરવા ગયો હતો ત્યારે કારખાના નજીક ચાની પાસે તે બેઠો હતો. ત્યારે કેટલાક ઈસમો તેની પાસે આવીને ઝઘડો કરી તેની હત્યા કરી હતી.
બનાવ અંગે પાંડેસરા પોલીસને જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મરનાર દિનેશ નિશાદના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી હત્યા કરનારી ઈસમો સામે તપાસ હાથ ધરી હતી. પોલીસે બના વગે જુદી જુદી ટીમો બનાવી આસપાસના સીસીટીવી તપાસી હત્યારાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.