સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા અયોધ્યામાં સાકાર થયેલા રામમંદિરનાં આગામી 22 જાન્યુઆરીએ યોજનારા પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવાનું નક્કી કરાયું છે. યુનિવર્સિટી પરિસરમાં આગામી 2 થી 6 જાન્યુઆરી 2024 દરમિયાન યોજનારા 50માં સ્વર્ણિમ યુવા મહોત્સવમાં રામમંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીને પણ સાંકળી લેવામાં આવી છે. વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ૧૫ જેટલા સ્ટોલ ઉભા કરી ભગવાન રામચંદ્ર અને અયોધ્યાના રામ મંદિર, તેમજ રામાયણને અનુલક્ષીને વિવિધ પ્રકારના ચિત્રો પ્રદર્શન કરવામાં આવશે તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત 16 થી 22 જાન્યુઆરી દરમિયાન વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરી યુવા પેઢીઓને ભારતીય સંસ્કૃતિ, અને પૌરાણિક સંસ્કૃતિ વિશે જાણકારી આપવાનો પ્રયાસ કરવાનું નક્કી કરાયું છે. યુનિવર્સિટીની બાંધકામ સમિતિ દ્વારા કરવામાં આવેલા ઠરાવને પગલે યુનિવર્સિટીનાં પરિસરમાં ભવ્ય રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાની ઉજવણી કરાશે.