સુરત : શહેરના ઉધના ખાતે આશાનગરમાં એક યુવકનું અચાનક મોત નિપજ્યું છે. યુવક શૌચાલયમાંથી બહાર આવ્યા બાદ જમીન પર ઢળી પડ્યો હતો. હોસ્પિટલ લઈ જવાતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. કરંટ લાગવાના લીધે મોત થયાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. અકસ્માત મોતનો ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઘટના આજે સવારે લગભગ 7 વાગ્યાની આજુબાજૂની હતી. મોહમ્મદ નકાઈ સીરાજુદીન શેખ (ઉ.વ. 35) આજે ઉંઘમાંથી જાગ્યા બાદ શૌચાલયથી પરત ફરતા અચાનક પડી ગયા હતા. જેમને રૂમ પાર્ટનર મિત્રો નજીકની હોસ્પિટલમાં લઈ ગયા બાદ 108ની મદદથી સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં એમને મૃત જાહેર કરાયા હતા. તે બિહારના રહેવાસી છે અને પરિવારના 6 સભ્યોનું ગુજરાન ચલાવતા હતા.
નૈયાર આલમ (ભત્રીજા) એ જણાવ્યું હતું કે 7 વર્ષથી સુરતમાં રહેતા નકાઈ સિલાઈ કામ કરી રોજગારી મેળવતા હતા. પતરાની એક રૂમમાં 5 મિત્રો સાથે રહેતા હતા. શૌચાલયમાંથી બહાર આવ્યા બાદ પતરાની રૂમને અડી જતા કરંટ લાગ્યો હોવાનું અનુમાન છે. જોકે હાલ તપાસ ચાલી રહી છે. ઘટનાની જાણ બાદ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. નકાઈ સુરતમાં બે ભત્રીજા ઓ સાથે રહેતા હતા.
વતનથી સુરત આવેલા માતા-પિતા બેગ મૂકી રહ્યા હતા ત્યારે બાળક પહેલા માળેથી પટકાયો
સુરત : ઉત્રાણમાં પહેલા માળેથી નીચે પટકાયેલા 5 વર્ષીય બાળકનું મોત નિપજ્યું હતું. પરિવાર વતનથી સુરત આવ્યો હતો તે દરમિયાન માતા-પિતા ઘરમાં બેગ મૂકી રહ્યા હતા અને બાળક રમતા રમતા નીચે પડ્યો હતો.
ઉત્રાણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનનાં વતની માનસિંગ મીના હાલ ઉત્રાણ વિસ્તારમાં આવેલા લિબર્ટી ઇલિગેશનની પાછળ ડી.વાય પાટીલના ગોડાઉનની પાછળ પહેલા માટે પત્ની તેમજ ત્રણ સંતાન સાથે રહે છે. માનસિંગ છૂટક મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
માનસિંગ બુધવારે સવારે 7 વાગ્યાના અરસામાં રાજસ્થાનની સુરત આવ્યો હતો. ઘરે આવ્યા બાદ માનસિંગ તેની પત્ની સાથે ઘરમાં બેગ સહિતનો સામાન મુકી રહ્યો હતો. ત્યારે 5 વર્ષિય પુત્ર કમલેશ તેના અન્ય ભાઈ બહેનો સાથે બાલ્કનીમાં રમી રહ્યો હતો. તે દરમિયાન કમલેશ પહેલા માળેથી નીચે પડી ગયો હતો. જેથી પરિવારજનો તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન કમલેશનું મોત નિપજ્યું હતું.