વલસાડ(Valsad): અહીંના કેરી માર્કેટ (Mango Market) પાસે તા. 27 માર્ચ બુધવારની સાંજે ચોંકાવનારી ઘટના બની હતી. અહીં ટાયરની દુકાન પર પંચરનું કામ કરતા 35 વર્ષીય યુવકનું અચાનક મોત થતાં અફરાતફરી મચી ગઈ હતી. લોકોએ યુવકને બચાવવા પ્રયાસ કર્યો પરંતુ બચાવી શક્યા ન હતા.
- પટેલ સાયકલમાં કામ કરતા 35 વર્ષીય સુરેશ રાજપુતનું મોત
- લોખંડની પાઈપ ઈલેક્ટ્રીક વાયરને અડી જતા કરંટ લાગવાથી મોત થયું
ઘટનાની મળતી વિગત અનુસાર વલસાડના કેરી માર્કેટ પાસે પટેલ ટાયર નામની દુકાન આવેલી છે. આ દુકાનમાં 35 વર્ષીય યુવક સુરેશ રાજપુત પંચર બનાવવાનું કામ કરતો હતો. રોજની જેમ તે બુધવારે સાંજે પંચર બનાવી રહ્યો હતો ત્યારે તે લોખંડના પાઈપની મદદથી સ્વિચ સરખી કરી રહ્યો હતો. ત્યારે અચાનક ઉપરથી પસાર થતા ઈલેકટ્રીક વાયરને લોખંડનો પાઈપ અડી ગયો હતો. જેના લીધે સુરેશને જોરદાર કરંટ લાગ્યો હતો અને તે જમીન પર ઢળી પડ્યો હતો.
આ ઘટનાના પગલે આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આસપાસના દુકાનદારો તેની મદદે દોડ્યા હતા. કોઈકે 108ને જાણ કરતા 108ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. 108ની ટીમે ચેક કરતા યુવકનું મોત નિપજ્યું હતું. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
ઘટનાની જાણ સિટી પોલીસની ટીમને થતા, સિટી પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઈ, લાશને PM માટે મોકલી આપી હતી. વલસાડ સિટી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે કહ્યું કે, લોખંડનો પાઈપ ઈલેક્ટ્રિક વાયરને અડી જતા સુરેશને જોરદાર કરંટ લાગ્યો હતો. સુરેશ ત્યાં જ ચોંટી ગયો હતો. થોડીવારમાં તે જમીન ઉપર ઢળી પડ્યો હતો. માત્ર 10થી 12 સેકન્ડમાં જ યુવકે જીવ ગુમાવી દીધો હતો.