નડિયાદ: નડિયાદ શહેરના એક પાન-પાર્લરમાં પ્રતિબંધિત ઈ-સિગારેટનું વેચાણ કરતાં શખ્સને એસ.ઓ.જીની ટીમે ઝડપી પાડ્યો હતો. પોલીસે પાન-પાર્લરમાંથી રૂ.16,500 કિંમતની 15 ઈ-સિગારેટ જપ્ત કરી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભારત દેશમાં ઈ-સિગારેટનું વેચાણ તેમજ સેવન કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમછતાં કેટલાક લોકો ખાનગી રાહે ઈ-સિગારેટનું વેચાણ કરતાં હોય છે. જોકે, આવા પ્રતિબંધિત ઈ-સિગારેટનું વેચાણ કરનારાઓને પકડવા માટે પોલીસતંત્ર પણ કમર કસતું હોય છે.
દરમિયાન નડિયાદ શહેરના વાણીયાવાડ સર્કલ પાસે આવેલ ડંકાવાલા પાન સેન્ટરમાં ઈ-સિગારેટ (વેપ) અને તેમાં ઉપયોગમાં લેવાતું લિક્વીડ નિકોટીનનું વેચાણ કરવામાં આવતું હોવાની બાતમી ખેડા એસ.ઓ.જી પોલીસની ટીમને મળી હતી. જેથી પોલીસની ટીમે સોમવારના રોજ મોડી સાંજના સમયે ડંકાવાલા પાન સેન્ટરમા દરોડો પાડી, દુકાનના માલિક જીતેન્દ્ર અરજણભાઈ વાઘમશી (રહે.વિદ્યુતનગર, કિડની રોડ, નડિયાદ) ની પોલીસે અટકાયત કરી હતી. જે બાદ દુકાનની તલાશી લેતાં દિવાલમાં લગાવાયેલાં એક શોકેસમાંથી રૂ.16,500 કિંમતની કુલ 15 ઈ-સિગારેટ અને તેમાં ભરવા માટેની લિક્વીડ નિકોટીન રીફિલ મળી આવી હતી. પોલીસે આ ઈ-સિગારેટ બાબતે પકડાયેલાં જીતેન્દ્રની પુછપરછ કરતાં, તે વડોદરા શહેરના વાઘોડીયા રોડ પર આવેલ હરીશ પાન પાર્લરમાંથી લાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેના આધારે પોલીસે પકડાયેલાં જીતેન્દ્ર અરજણભાઈ વાઘમશી અને તેને ઈ-સિગારેટનો જથ્થો આપનાર વડોદરાના હરીશ પાન પાર્લરના માલિક સામે ધ પ્રોહિબિશન ઓફ ઈલેક્ટ્રોનીક સિગારેટ એક્ટ 2019 ની કલમ 4, 5, 7, 8 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.