Madhya Gujarat

બાળ લગ્નમાં બેન્ડ વાજા અને ડીજેવાળાની પણ ધરપકડ થશે

મલેકપુર : મહિસાગર જિલ્લામાં હાલ લગ્ન સીઝન પુર બહારમાં છે. તેમાં ક્યાંક ક્યાંક બાળલગ્ન પણ થતાં હોવાની ફરિયાદ ઉઠી છે. જેના પગલે સમાજ સુરક્ષા અધિકારીએ તાત્કાલિક આવા બાળલગ્ન અટકાવવા માટે કવાયત હાથ ધરી છે. જે સંદર્ભે તેમણે યાદીમાં તાકીદ કરી હતી કે બાળ લગ્નમાં ફક્ત બાળકોના માતા – પિતા જ નહીં, ત્યાં હાજર મહારાજ ઉપરાંત ડેજી કે બેન્ડબાજા વાળાની પણ ધરપકડ કરવામાં આવશે. મહિસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાળલગ્ન અટકાવવા અને તેનાથી થતી દુરોગામી અસરો જેમ કે બાળકોનું શારિરિક, માનસિક અને ભાવનાત્મક, શૈક્ષણિક વિકાસ પર ગંભીર અસરો અટકાવવા માટે ખાસ નજર રાખવામાં આવશે.

બાળલગ્ન પ્રતિબંધક ધારો-2006 સમગ્ર રાજ્યમાં અમલમાં છે. જે અન્વયે જો પુરુષ હોય તો જેણે 21 વર્ષની ઉંમર પૂરી કરી નથી અને જો સ્ત્રી હોય તો જેણે 18 વર્ષની પુરી કરી નથી. તેવા બે પક્ષ પૈકી કોઇ પણ પક્ષે નિર્ધારિત ઉંમર પુરી કરેલી ના હોય તેવા યુગલો વચ્ચે લગ્ન થતા હોય તો તેને બાળલગ્ન કહેવામાં આવે છે. આ બાળ લગ્ન કરાવનાર તમામને જણાવવાનું કે, જો બાળલગ્ન કરવામાં આવે તો લગ્ન કરનાર પુરુષ 18 વર્ષની વયથી ઉપર હોય તો તે, લગ્ન કરનાર પુરુષ અને દિકરી એમ બન્નેના માતા-પિતા, લગ્નનું સંચાલન કરાવનારા, સુચના આપનારા, મદદરૂપ થનારા, સમુહ લગ્નના આયોજકો, હાજરી આપનારા, લગ્ન કરાવનારા ગોર મહારાજ કે અન્ય ધાર્મિક આગેવાનો, બેંડ વાજા અને ડીજેના માલીકો, ફરાસખાના મંડપ સર્વિસ પુરી પાડનારા, રસોઈયા, ફોટોગ્રાફર વગેરેની સામે આ કાયદાની જોગવાઇ હેઠળ ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

જ્યારે પણ લગ્નનું આયોજન કરવામાં આવે ત્યારે દિકરા દિકરીની ઉંમર ચકાસવી ખુબ જરૂરી છે. જો તેમ કરવામાં ન આવે અને લગ્નનું આયોજન થયા બાદ બાળ લગ્ન અટકાવવામાં આવે છે. જેતે પરિવારે સમાજમાં શરમજનક પરિસ્થિતીમાં મુકાવવું પડે છે અને કુટુંબની પ્રતિષ્ઠા ઉપર વિપરીત અસર પડે છે. તદઉપરાંત તમામ ખર્ચ પણ માથે પડે છે. બાળ લગ્ન કરવામાં આવે તો બે વર્ષની સખત કેદની સજા અને રૂપિયા એક લાખના દંડની સજા થવા પાત્ર છે.

મહિસાગર જિલ્લામાં કોઈપણ જગ્યાએ બાળ લગ્ન કરાવવાના આયોજન વિશે માહિતી હોય તો તાત્કાલિક બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, રૂમ નં. ૨, ભોય તળીયે, બ્લોક નંબર-૨, જિલ્લા સેવા સદન, મહીસાગર લુણાવાડા અથવા E-mail dsdo-mahi@gujarat.gov.in પર, જિલ્લા બાળ સુરક્ષા એકમ, મહીસાગર, 181 અભયમ મહિલા હેલ્પ લાઇન, 1098 ચાઈલ્ડ હેલ્પ લાઈન, 100 પોલીસ કંટ્રોલ રૂમ, પર સંપર્ક કરવો. બાળ લગ્ન અટકાવવા અંગેની માહિતી આપનારની ઓળખ સંપુર્ણપણે ગુપ્ત રાખવામા આવશે.

Most Popular

To Top