સુરત: (Surat) સુરતના સીંગણપોર ખાતે રહેતી 12 વર્ષની બાળકીને 24 વર્ષનો યુવક પીછો કરીને પરેશાન કરતો હતો. યુવકે બાળકીને ચોકલેટ (chocolate) આપીને ચુંબન (Kiss) કરી છેડતી કરતા સિંગણપોર પોલીસ સ્ટેશનમાં છેડતીની (Teasing) ફરિયાદ નોંધવામાં આવી હતી. તો બીજી તરફ લાલગેટ ખાતે રહેતી તરુણીને ઘરમાં એકલતાનો લાભ લઈ તેના પિતરાઈ કાકાએ હાથ પકડીને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. અને તરુણીને જો કોઈને જાણ કરી તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. લાલગેટ પોલીસે આ અંગે છેડતીની ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
સિંગણપોર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામ ખાતે વેડરોડ પર નારાયણ નગર પાસે સૂર્યદર્શન એપાર્ટમેન્ટમાં રહેતો 24 વર્ષીય પ્રદીપસિંહ ગંભીરસિંહ સોલંકી છેલ્લા દોઢ મહિનાથી 12 વર્ષની બાળકીને પરેશાન કરતો હતો. અવારનવાર બાળકીનો પીછો કરી તેને ફોન અને મેસેજ કરવા દબાણ કરતો હતો. જો ફોન ઉપરથી મેસેજ નહીં કરે તો તેણીના માતા-પિતાને કંઈક કરી નાખશે તેવી ધમકી આપતો હતો.
દરમિાન ગત 1 ડિસેમ્બરે રાત્રે ચોકલેટની લાલચ આપી બાળકીના ઘરે આવ્યો હતો. અને બાળકીને બળજબરીથી પકડી લઈ ચુંબન કરી છેડતી કરી હતી. આ ઉપરાંત બાળકીને સોશિયલ મીડીયા ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક કરવાની કોશિશ કરી પરેશાન કરતો હતો. બાળકીના પરિવારને આ વાતની જાણ થતા તેમને પોલીસ સ્ટેશનમાં આરોપી પ્રદીપસિંહ ગંભીરસિંહ સોલંકી (ઉ.વ.24, રહે. નારાયણ નગર સુર્યદર્શન એપાર્ટમેન્ટ, વેડરોડ કતારગામ તથા મૂળ તા.બરવાળા જી.બોટાદ) ની સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી.
લાલગેટ વિસ્તારમાં તરુણીની એકલતાનો લાભ લઈ પિતરાઈ કાકાએ છેડતી કરી
સુરત: લાલગેટ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લાલગેટ વિસ્તારમાં રહેતી તરુણીનાં માતા-પિતા ગઈકાલે કામ અર્થે બહાર ગયા હતા. આ સમયે તરુણી સાંજના સમયે ઘરમાં એકલી હતી. સાંજે 5 વાગ્યાના સમયગાળા દરમિયાન તેના પિતરાઈ કાકા ઈસરાર અહેમદ શેખ (રહે., ઘ.નં.504 પ્રિન્સ એવન્યુ, નાણાવટ લાલગેટ) તેના ઘરે આવ્યા હતા. ભત્રીજીને ઘરમાં એકલી જોઈ કાકાની દાનત બગાડી હતી. અને ભત્રીજીની એકલતાનો લાભ ઉઠાવી તેણીનો હાથ પકડી લાજ લેવાના ઇરાદે છેડતી કરી હતી. જો કે, તરુણી તાબે નહીં થતાં કાકાએ તેણીને જો કોઈને વાત કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદ તરુણીએ તેનાં માતા-પિતાને વાત કરતાં આ અંગે લાલગેટ પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ નોંધાવી હતી.