સુરત: આમોદના (Amod) માતર ગામની વૃદ્ધ મહિલાને (Old Woman) ગામના જ યુવાને બાઇક (Bike) ઉપર સવારી આપી ધોળા દિવસે મહિલાની એકલતાનો લાભ લઈ લૂંટનો (Loot) કારસો રચી સોનાની બે કડી (Gold Earrings) તથા રોકડા રૂપિયા 200ની લૂંટ ચલાવી જાનથી મારી નાંખવાની ધમકી (Theft) આપી ફરાર થઈ જતાં પોલીસે (Police) મહિલાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં લૂટારુંને ઝડપી પાડ્યો હતો.
- જંબુસર કોર્ટમાંથી પરત ફરતી વૃદ્ધાને ગામના જ ઇસમે લિફ્ટ આપી લૂંટ ચલાવી
આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદના માતર ગામે સુંદરમ ફળિયામાં રહેતાં મંજુલા જયંતીલાલ ભટ્ટ (ઉં.વ.63)ને તેમના પતિ સામે કોર્ટમાં કેસ ચાલતો હોય તેઓ જંબુસર કોર્ટમાં ગયાં હતાં. ત્યારબાદ તેઓ જંબુસરથી આમોદ તિલક મેદાનમાં આવ્યાં હતાં. જ્યાં આમોદ તિલક મેદાનમાં તેમના જ ગામનો હિતેશ રણજિત પરમાર બાઇક લઈને આવ્યો હતો અને જણાવ્યું હતું કે, હું માતર જ જાઉં છું. ચાલો બેસી જાઓ. ત્યારબાદ મંજુલાબેનને પોતાના ગામના જ યુવાનની મોટરબાઈકની સવારી મળતાં તેઓ બેસી ગયાં હતાં, અને બાઈકચાલક હિતેશ રણજિત પરમારે તેની બાઈક સરભાણ-આજમનગર રોડ ઉપર બંધ ઓઈલ મિલ પાસે ગાડીમાં પંચર હોવાનું કહી લઈ ગયો હતો.
જ્યાં હિતેશે મંજુલાબેનને લાત મારી પાડી દઈ તેનો એક પગ મંજુલાબેનના જમણા હાથ ઉપર તેમજ બીજો પગ ગળા ઉપર મૂકી કાનમાં પહેરેલી રૂ.40,000ની કિંમતની સોનાની બંને કડી ખેંચી લીધી હતી અને પાકિટમાંથી રોકડ રૂ.200 પણ કાઢી લઈ ધોળા દિવસે લૂંટ ચલાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી બાઇક લઈ ભાગી ગયો હતો. ત્યાર બાદ વૃદ્ધા મંજુલાબેન બેભાન થઈ ગયાં હતાં. થોડીવાર પછી ભાનમાં આવતાં તેઓ ચાલતાં ચાલતાં લથડિયા ખાતાં આજમનગર રોડ ઉપર પહોંચ્યા હતા. આમોદ પોલીસે વૃદ્ધ મહિલાની ફરિયાદ લઈ લુંટારા હિતેશ પરમારને ગણતરીના કલાકોમાં જ પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.