નડિયાદ: નડિયાદ તાલુકાના નરસંડા ગામમાં કાકીના ત્રાસથી કંટાળેલી ભત્રીજી અને તેના પતિએ આખરે ઝેરી દવા પીને જીંદગી ટુંકાવવાની કોશિષ કરી હતી. જોકે, સમયસર સારવાર મળી જવાથી બંનેનો બચાવ થયો હતો. નડિયાદ તાલુકાના નરસંડા આવેલ ગણેશ હાઉસીંગ સોસાયટીમાં રહેતાં જીગ્નેશભાઈ કાંતીભાઈ પરમારે ત્રણેક વર્ષ અગાઉ પલ્લીકાબેન સાથે કોર્ટ મેરેજ કર્યાં હતાં. પરંતુ પલ્લીકાબેનની સાસરીની નજીકમા જ રહેતાં તેનાં કાકી ઉર્મિલાબેન મનુભાઈ પરમાર આ વાતથી નારાજ હતાં અને ભત્રીજી પલ્લીકાબેન સાથે ઝઘડાં કરતાં હતાં. ગત તા.૨૯મી જુલાઇ,૨૧ ના રોજ મોડી સાંજના સમયે પલ્લીકાબેનના સસરાં વધેલું ખાવાનું ગાયને ખવડાવવા ગયાં હતાં.
તે વખતે ઉર્મિલાબેને અહીંયા ગંદકી કેમ કરો છો ?કહી ઝઘડો કર્યો હતો. પલ્લીકાબેન ઝઘડામાં વચ્ચે પડતાં ઉર્મિલાબેને પલ્લીકાબેનને પેટમાં લાત મારી ઈજા પહોંચાડી હતી. કાકી દ્વારા અવારનવાર કરવામાં આવતાં ઝઘડાથી કંટાળેલાં પલ્લીકાબેન ને તેના પતિ જીગ્રનેશ પરમારે દવા ગટગટાવી લીધી હતી. જે બાદ બંનેની તબિયલ લથડતાં તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયાં હતાં. જોકે, સમયસર સારવાર મળી જવાથી બંનેનો બચાવ થયો હતો. હાલ બંનેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ બનાવ અંગે પલ્લીકાબેન પરમારની ફરીયાદને આધારે ચકલાસી પોલીસે ઉર્મિલાબેન મનુભાઈ પરમાર વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ તપાસમાં પલ્લીકાબેન વેકેશન દરમિયાન નરસંડા ખાતે રહેતાં તેમના કાકી ઉર્મિલાબેનના ઘરે રહેવા જતાં હતાં. તે વખતે સોસાયટીમાં જ રહેતાં જીગ્રેશ પરમાર સાથે પલ્લીકાબેનને પ્રેમસબંધ બંધાઈ ગયો હતો. પલ્લીકાબેને કાકીની જાણ બહાર સોસાયટીમાં જ રહેતાં યુવક સાથે પ્રેમલગ્ન કરી લીધાં હતાં. આથી, ઉર્મિલાબેન નારાજ હતાં. એક જ સોસાયટીમાં રહેતાં કાકી-ભત્રીજી વચ્ચે વારંવાર ઝઘડાં થતાં હતાં.