Comments

તમે ફક્ત ટિકીટ ખરીદો, બાકીનું બધું અમે સંભાળી લઈશું

ત્રણેક મહિના પહેલાં આ કટારમાં ઝિમ્બાબ્વેથી ભારત લવાયેલા આફ્રિકન હાથી શંકર વિશે લખવામાં આવ્યું હતું. પ્રાણીવિનિમય થકી પારકા, પ્રતિકૂળ હવામાનવાળા દેશમાં મોકલવામાં આવતાં પ્રાણીઓની સમસ્યા વિશે તેમાં વિગતે વાત કરવામાં આવી હતી. કોણ જાણે કેમ, પણ બધી જ ખબર હોવા છતાં માણસોની આ ધૂન અટકવાનું નામ લેતી નથી. આની પુષ્ટિ વધુ એક સમાચાર થકી થઈ.  ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ પાસે તૈયાર કરવામાં આવેલા કેવડિયા જંગલ સફારી પાર્ક આશરે સાડા પાંચ કરોડના ખર્ચે વિવિધ રાજ્ય અને રાષ્ટ્રમાંથી પોણા બસો જેટલાં પશુપક્ષીઓને વસાવવામાં આવ્યાં હતાં. ગયે મહિને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ વિધાનસભામાં પૂછાયેલા એક સવાલના જવાબમાં જણાવ્યું કે આ પૈકીનાં ૫૩ પશુપક્ષીઓ મૃત્યુ પામ્યાં છે. આ આંકડો વિવિધ માધ્યમોમાં અલગ અલગ છે, પણ એ હકીકત છે કે ચાલીસથી પંચાવનની વચ્ચેની સંખ્યામાં તેમનાં મૃત્યુ થયાં છે. મૃત પશુપક્ષીઓમાંના આઠ અન્ય દેશના હતા, જ્યારે બાકીનાં અન્ય રાજ્યોનાં હતાં.

તેમનાં મૃત્યુના કારણમાં શ્વસન અને રક્ત પરિભ્રમણની તકલીફ, બહુવિધ અંગો નકામાં થઈ જવાં, ગેસ્ટ્રોઍન્ટ્રાઈટીસ, ગૂંગળામણ વગેરે હતાં. એટલે કે આ નવા પર્યાવરણમાં આ પશુપક્ષીઓ અનુકૂલન સાધી ન શક્યાં. અલબત્ત, અન્ય એક વિધાનસભ્યે માહિતી આપતાં જણાવ્યું હતું કે આ સફારીની મુલાકાતે બે વરસમાં ૮.૩૭ લાખ મુલાકાતીઓ આવ્યાં હતાં અને તેમના થકી ૧૫.૭૩ કરોડની આવક થઈ હતી. મૃત પશુપક્ષીઓનાં સગાંવહાલાં કદી કોઈ ફરિયાદ કરવા આવવાનાં નથી. આથી કેવડિયા સફારીની મુલાકાતે આવતાં પ્રવાસીઓના અને તેના થકી થતી આવકના આંકડા જાણીને હરખાવા સિવાય બીજો કોઈ આરો નથી. બાકીનાં પશુપક્ષીઓના શા હાલ થશે એ કહેવાય નહીં. આ સફારી પાર્ક જનતા માટે ખુલ્લો મૂકાયો એ અગાઉ કેટલાંક પ્રાણીઓ અહીં પહોંચતાં સુધીમાં જ મૃત્યુ પામ્યાં હતાં, જેનું મુખ્ય કારણ આવનજાવનને કારણે અનુભવાયેલી તાણ અને એ દરમિયાન અયોગ્ય દેખભાળનું હતું. આ વિવિધ પ્રજાતિઓનાં ૧,૫૦૦ પશુપક્ષીઓને સમાવતો આ પહેલવહેલો સફારી પાર્ક હોવાનો દાવો કરવામાં આવે છે, જેમાં ભારત ઉપરાંત વિદેશોનાં પ્રાણીઓનો સમાવેશ થાય છે.

એક સ્રોત અનુસાર આ પ્રાણીઓને વડા પ્રધાનની કેવડિયા કોલોનીની મુલાકાત પહેલાં ત્યાં પહોંચાડી દેવાનાં હતાં. એ ઉતાવળમાં ઘણી બધી પ્રમાણિત પ્રક્રિયાઓને બાજુએ રાખીને કામ કરવામાં આવ્યું હતું, જેને લઈને આ પ્રાણીઓ તાણનો ભોગ બન્યાં હતાં. એવી પણ વાત હતી કે આ પ્રાણીઓ ગેરવ્યવસ્થાને કારણે મૃત્યુ પામેલાં. તેમને યોગ્ય આહાર  નહોતો આપવામાં આવ્યો અને છાયામાં નહોતા રખાયાં. મૃત્યુ પામેલાંમાં મુખ્યત્વે  વિવિધ પ્રજાતિનાં હરણનો સમાવેશ થતો હતો.

પર્યાવરણ, પ્રાણીઓ અને તેમના આવાસ અંગે આટઆટલી જાગૃતિ આવ્યા પછી વિવિધ પ્રજાતિનાં પંદરસો પશુપક્ષીઓને એક જ સ્થળે રાખવાનો વિચાર તેમની ઘોર ખોદવાનો છે, પણ જે તે સ્થળને પ્રવાસન ધામ બનાવવાની અને તેના થકી અઢળક નાણાં કમાવાની લ્હાયમાં સામાન્ય બુદ્ધિનો સૌથી પહેલો ભોગ લેવાય છે. પર્યાવરણને અસર કરતા કોઈ પણ પ્રકલ્પના અમલ પહેલાં તેની સંભવિત અસર અને તેના નિવારણ અંગે લેવાનારાં પગલાં વિશેના અભ્યાસ ગહનતાપૂર્વક કરવામાં આવે છે. આટલી બધી વૈવિધ્યપૂર્ણ પ્રજાતિનાં પશુપક્ષીઓને એક જ સ્થળે વસાવવાનો નિર્ણય લેતાં પહેલાં આવો કોઈ અભ્યાસ નહીં કરવામાં આવ્યો હોય? કે પ્રવાસીઓ થકી થનારી સંભવિત આવકની સામે એની જરૂર નહીં જણાઈ હોય? બીજો કિસ્સો રાજસ્થાનના કોટા શહેરનો છે. છેલ્લા એક મહિનામાં ત્યાંના કાલા તાલાબમાં પચાસેક મગરનાં મૃત્યુ થયાં છે. આ તળાવ ચમ્બલ નદી સાથે એક નહેર દ્વારા જોડાયેલું છે. મગર સહિત અનેકવિધ જળચર તેમાં વસવાટ કરે છે. કોટાના ‘અર્બન ઈમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટ’ (યુ.આઈ.ટી.) દ્વારા આ તળાવના વિસ્તારમાં વિકાસની ગતિવિધિઓ ચાલી રહી છે.

જળાશયના અમુક ભાગને રહેણાંક વિસ્તારમાં તબદીલ કરવા માટે અને ફલાય એશ તેમ જ માટી વડે તેમાં પુરાણ કરવામાં આવી રહ્યું છે. કેવળ મગરો જ નહીં, અન્ય જળચરો પણ તેનો ભોગ બની રહ્યાં છે. શહેરના પર્યાવરણપ્રેમીઓએ આની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. તેમનો આક્ષેપ છે કે સત્તાવાળાઓ આ બાબત પર ઢાંકપિછોડો કરી રહ્યા છે. જળાશયમાં મગરનું શબ જોવા મળે તો તેઓ એને દાટીને તેની પર પુરાણ કરી દે છે. કેટલાંક પર્યાવરણપ્રેમીઓએ મગરનું શબ તરતું હોય એવી તસવીરો પણ પુરાવા તરીકે રજૂ કરી છે.  અલબત્ત, એક અખબારમાં પ્રકાશિત થયેલા આ સમાચારને પગલે ‘નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ’ (એન.જી.ટી.) દ્વારા આ મામલે તપાસનો આદેશ અપાયો. તેના જવાબમાં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા લેખિત જવાબમાં જણાવવામાં આવ્યું કે આ જળાશયમાં પ્રદૂષણ ન ઠલવાય એ માટે આર.સી.સી.ની નીક બનાવવામાં આવી રહી છે. આસપાસના આવાસોની ગટરનું પાણી જળાશયમાં ઠલવાય છે, પણ મગરનાં મૃત્યુ થયાં હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.

આમ, અધિકૃત રીતે આ જવાબ મળતાં ‘એન.જી.ટી.’ હવે આગળ કાર્યવાહી માંડી વાળે ખરી. આ બન્ને ઘટનાઓમાં પરિસ્થિતિ એક સમાન છે. માનવ દ્વારા કરવામાં આવતી અકુદરતી ગતિવિધિઓને લઈને પ્રાણીઓનાં મૃત્યુ થયાં છે. એક કિસ્સામાં સરકારે કશુંય છુપાવ્યા વિના તેનો સ્વીકાર કરી લીધો છે, જ્યારે બીજા કિસ્સામાં સરકારી અધિકારીએ એવું કશું બન્યું હોવાનો ઈક્નાર કર્યો છે. આવા સમાચાર છુપાવાય તો ય શું અને સ્વીકારાય તો ય શું? પોતાના ટૂંકા સ્વાર્થ અને ચિત્રવિચિત્ર મનોતરંગોને કારણે માનવ પર્યાવરણનું અને અન્ય પશુપક્ષીઓનું નિકંદન કાઢી રહ્યો છે. તેને બરાબર ખબર છે કે પોતે જે કરે છે એનું પરિણામ શું આવવાનું છે. પણ જાણીબૂઝીને, સત્તાના પીઠબળ થકી આ કામ થતું હોય ત્યારે શોક શેનો કરવો? આવા સમાચાર પ્રકાશિત થાય અને આપણને તેની જાણ થાય એનો? કે પછી આવી દુર્ઘટના જાણીબૂઝીને થઈ રહી હોવા છતાં આપણે કશું કરી શકતા નથી એનો? 
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top