Comments

યોગી બાલકનાથ રાજસ્થાનના મુખ્ય મંત્રીપદની રેસમાં સૌથી આગળ છે

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીનાં પરિણામ આવી ગયા પછી હવે મુખ્ય મંત્રીપદના દાવેદારોની ચર્ચાએ જોર પકડ્યું છે. તેમાંથી એક મહંત બાલકનાથ છે, જેઓ અલવરની તિજારા બેઠક પરથી જીત્યા છે. એવું માનવામાં આવે છે કે ભાજપ યોગી બાલકનાથને હિન્દુત્વના પોસ્ટર બોય તરીકે આગળ કરી શકે છે. યોગી આદિત્યનાથે જે રીતે દેશભરમાં ખ્યાતિ મેળવી છે, તેવી જ રીતે યોગી બાલકનાથને પણ આગળ લઈ જઈ શકાય છે. કેટલાંક લોકો એવું કહી રહ્યાં છે કે જ્યારે અલવરના સાંસદ બાબા બાલકનાથને અલવરની તિજારા વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ત્યારે જ નક્કી થયું હતું કે તેઓ રાજસ્થાનના આગામી મુખ્યમંત્રી બની શકે છે.

બાબા બાલકનાથ મુખ્યમંત્રી બનશે કે નાયબ મુખ્યમંત્રી બનશે તે ફક્ત પીએમ મોદી અને અમિત શાહ જ જાણે છે, પરંતુ બાબા સમાચારમાં છે. શિયાળુ સત્રના પહેલા દિવસે કોંગ્રેસના સાંસદ અને લોકસભાના વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરી અને ભાજપના સાંસદ મહંત બાલકનાથ વચ્ચે એક અદ્ભુત ક્ષણ જોવા મળી હતી. કોંગ્રેસના નેતાએ બાલકનાથને રાજસ્થાનના નવા મુખ્યમંત્રી ગણાવ્યા હતા. અધીર રંજન ચૌધરીની ટિપ્પણી સાંભળીને બાલકનાથ તેમની તરફ વળ્યા હતા અને પછી કંઈ પણ બોલ્યા વિના આગળ વધ્યા હતા. બાબા બાલકનાથ મુસાફરી વખતે ચટણી અને રોટલી ખાય છે. રાત્રે ૨.૩૦ વાગ્યે ઊઠે છે અને આરતી કરે છે.

મહંત બાલકનાથ રાત્રે ગમે તેટલા મોડા આવે, તેઓ સમયસર જાગીને આરતી કરે છે. તેમના આધ્યાત્મિક, શૈક્ષણિક અને સામાજિક જીવનમાં અદ્ભુત સમન્વય છે. રાજસ્થાનમાં જીતના કારણે બાબા મસ્તનાથનાં સમર્થકોમાં ઉત્સાહનો માહોલ છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહથી લઈને આરએસએસના વડા મોહન ભાગવત સુધી હરિયાણાના રોહતકમાં આવેલા બાબા મસ્તનાથ મઠ પર આવ્યા છે. આ સિવાય કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, બાબા રામદેવ અને આચાર્ય અવધેશાનંદ ઓક્ટોબર મહિનામાં મઠમાં આવ્યા હતા.

એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ભારતીય જનતા પાર્ટી ઉત્તર પ્રદેશની રમત રાજસ્થાનમાં પણ રમી શકે છે. માનવામાં આવે છે કે ભાજપ રાજસ્થાનના મુખ્ય મંત્રીપદ માટે મહંત બાલકનાથના નામની જાહેરાત કરી શકે છે. જો આમ થશે તો મહંત બાલકનાથ રાજ્યના ૨૬મા મુખ્ય મંત્રી બનશે. તેમના સમર્થકો અને ભાજપના કાર્યકર્તાઓ પણ બાલકનાથને રાજસ્થાનના યોગી કહે છે અને આ બંને નેતાઓમાં ઘણી સમાનતાઓ છે.

તેનું કારણ એ છે કે બાલકનાથ અને યુપીના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ બંને નાથ સંપ્રદાયમાંથી આવે છે. જો તમે તેમનો દેખાવ જુઓ તો તેઓ પણ યોગી આદિત્યનાથ જેવો જ દેખાય છે, કારણ કે બાલકનાથ પણ યોગી આદિત્યનાથની જેમ ભગવા કપડામાં જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં રાજસ્થાનમાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી વસુંધરા રાજે સિંધિયાના વિકલ્પ તરીકે મહંત બાલકનાથ યોગીના નામની ચર્ચા ઘણાં લોકો કરી રહ્યાં છે.

બાબા બાલકનાથ હરિયાણાના રહેવાસી છે, પરંતુ હરિયાણા તેમનું કાર્યસ્થળ નથી. બાબા બાલકનાથનું જન્મસ્થળ રાજસ્થાન છે. તેમનો જન્મ હરિયાણાના કોહરાના ગામમાં થયો હતો. બાબા બાલકનાથ યાદવ ઓબીસી શ્રેણીમાંથી આવે છે. તેમના પિતા સુભાષ યાદવ ખેડૂત હતા, જ્યારે માતા ઊર્મિલા દેવી ગૃહિણી હતાં. છ વર્ષની ઉંમરે તેમને આધ્યાત્મિક અભ્યાસ માટે મહંત ખેતાનાથ પાસે મોકલવામાં આવ્યા હતા. તેમણે ૧૨મા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. તે પછી તેઓ મહંત ચંદનાથ સાથે રહેવા લાગ્યા હતા.

યોગી આદિત્યનાથ ગોરખનાથ ધામના પીઠાધીશ્વર હતા તે દરમિયાન બાલકનાથનો યોગી સાથે પરિચય થયો હતો. ૨૦૧૬માં મહંત ચંદનાથના નિધન બાદ યોગી આદિત્યનાથની વિનંતી પર બાલકનાથને મસ્તનાથ પીઠના મહંત બનાવવામાં આવ્યા હતા.  વર્ષ ૨૦૧૪માં ભાજપે બાલકનાથના ગુરુ ચાંદનાથને અલવરથી લોકસભાની ચૂંટણીમાં ઊતાર્યા હતા. ચાંદનાથે કોંગ્રેસના ઉમેદવાર જિતેન્દ્ર સિંહને હરાવ્યા હતા અને તેઓ સાંસદ બન્યા હતા.

ત્યાર બાદ મહંત ચાંદનાથનું લાંબી માંદગીને કારણે અવસાન થયું હતું. ભાજપે અહીંથી જસમવત સિંહને પેટાચૂંટણીમાં ઊતાર્યા હતા, પરંતુ તેઓ હારી ગયા હતા. ત્યાર બાદ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે મહંત ચાંદનાથના અનુગામી બાબા બાલકનાથને ટિકિટ આપતા તેઓ જીતી ગયા હતા. તેમને તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમ બહુમતીવાળી બેઠક તિજારા પરથી મેદાનમાં ઊતારવામાં આવ્યા હતા. તેઓ ભારે માર્જિનથી ચૂંટણી જીતી ગયા હતા.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બાલકનાથ વચ્ચે ઘણી સમાનતા છે. યોગી આદિત્યનાથ ગોરખપુરથી સાંસદ રહી ચૂક્યા છે તો મહંત બાલકનાથ અલવર લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના સાંસદ છે. આ સિવાય બંને સંતોના ગુરુઓ લોકસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે. યોગી આદિત્યનાથના ગુરુ મહંત અવૈદ્યનાથ વર્ષ ૧૯૭૦માં ગોરખપુરથી સાંસદ હતા અને ત્યાર બાદ ૧૯૮૯થી ૧૯૯૬ સુધી પણ સાંસદ રહ્યા હતા. તેવી જ રીતે બાલકનાથના ગુરુ મહંત ચાંદનાથ પણ ૨૦૧૪માં ચૂંટણી જીતીને લોકસભામાં પહોંચ્યા હતા.

આ ઉપરાંત આ બંને સંતો અને નાથ સંપ્રદાયમાં પણ સામ્ય છે. બંને નેતાઓ નાથ સંપ્રદાયમાંથી આવે છે. આ બંને સંતો પોતપોતાના મઠોના વડા પણ છે. ભૂતપૂર્વ મહંત અવૈદ્યનાથના નિધન બાદ ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ યોગી આદિત્યનાથને ગોરખનાથ મંદિરના મહંત બનાવવામાં આવ્યા હતા, જ્યારે મહંત ચાંદનાથે ૨૯ જુલાઈ ૨૦૧૬ના રોજ બાલકનાથને પોતાના ઉત્તરાધિકારી જાહેર કર્યા હતા. આ કાર્યક્રમમાં ખુદ યોગી આદિત્યનાથે પણ ભાગ લીધો હતો. મહંત ચાંદનાથનું ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ અવસાન થયું ત્યારથી બાલકનાથ પીઠાધીશ્વરની જવાબદારી નિભાવી રહ્યા છે.

અલવરની તિજારા બેઠકથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા મહંત બાલકનાથ બાબા મસ્તનાથ મઠથી જનપ્રતિનિધિ બનનારા ત્રીજા મહંત છે. બાલકનાથ પહેલાં બાબા મસ્તનાથ મઠના મહંત શ્રયોનાથ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને બાબા બાલકનાથના ગુરુ મહંત ચાંદનાથ ૨૦૦૪ની પેટા ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા અને તેઓ ૨૦૧૪માં અલવરથી સાંસદ પણ હતા. યોગી આદિત્યનાથ પણ ગોરખનાથ મંદિરથી રાજકારણમાં પ્રવેશનારા ત્રીજા પીઠાધીશ્વર છે. યોગી પહેલાં મહંત દિગ્વિજયનાથ અને મહંત અવૈદ્યનાથ ગોરખપુર લોકસભા બેઠકથી સાંસદ રહી ચૂક્યા છે.

ભાજપે આ વખતે બાબા બાલકનાથ સહિત પાંચ ધાર્મિક નેતાઓને ચૂંટણીના મેદાનમાં ઊતાર્યા હતા. પાંચેય જીત્યા હતા પરંતુ સૌથી ગરમ બેઠક તિજારા રહી હતી, જ્યાં યોગી આદિત્યનાથ પોતે ચૂંટણી પ્રચાર માટે આવ્યા અને તેમણે ઉત્તર પ્રદેશમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો પણ મોકલ્યાં હતાં. બાબા બાલકનાથનાં નિવેદનોએ સમગ્ર રાજસ્થાનમાં ભાજપની ધ્રુવીકરણ નીતિને ફેલાવવામાં અને સફળ બનાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. જો ભાજપ હાઈકમાન્ડ આ નીતિને આગળ લંબાવવાનું નક્કી કરે છે તો બાબા બાલકનાથ મુખ્યમંત્રી તરીકે આશ્ચર્યજનક નામ બની શકે છે. જો ભાજપ આ રીતે સંન્યાસીઓને સત્તા સોંપ્યા કરશે તો ભારત જલદી હિન્દુ રાષ્ટ્ર બની જશે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top