એ અલગ વાત છે કે કદી સ્વીકાર ન કરી શક્યા, મારી વફાદારીનો છતાં તેમને ભરોસો તો છે. કેટલીક વાતોનો ક્યારે પણ સ્પષ્ટ ઉત્તર મળતો નથી. છતાં કેટલીક વાતો એકમેકના ભરોસા પર કાયમ રહે છે. વિશ્વાસનું પ્રમાણ માત્ર ઔપચારિક સ્વીકાર હોતો નથી. ઘણી બાબત એવી હોય છે કે જેના ક્યારે પણ ઉત્તર મળતા નથી. છતાં એ વાતનો ભરોસો આખી જિંદગી રહે છે. પ્રેમમાં પણ આવું જ બને છે. ઘણી વખત પ્રેમનો શબ્દોમાં સ્વીકાર થતો નથી પરંતુ કશું પણ કહ્યા વગર પણ પ્રેમ તો રહે જ છે. કોઈ પણ પ્રેમ ભરોસા પર ટકી રહે છે. એકબીજા પ્રત્યેનો ભરોસો જ પ્રેમને સાચવે છે. જો વિશ્વાસ નહીં હોય તો પ્રેમ ટકતો નથી. આ વિશ્વાસ ઘણી વખત કશું કહ્યા વગર પણ એકબીજામાં ટકી રહેતો હોય છે. ભલે કોઈ વાતનો સ્વીકાર કરો કે નહીં કરો પરંતુ વિશ્વાસ જ તમારા પ્રેમને જીવાડે છે.
આ વિશ્વાસને ટકાવી રાખો તો એકબીજા પ્રત્યેનો પ્રેમ પણ ટકી જાય. પ્રેમમાં કોઈ કબૂલાત હોતી નથી. પ્રેમ કશું પ્રાપ્ત કરવા થતો નથી. પ્રેમ એટલે એકબીજા પરનો ભરોસો. જ્યાં કોઈ પ્રત્યે અવિશ્વાસ નહીં હોય. પ્રેમ એટલે કશુંક ત્યાગ કરવાની ભાવના. પ્રેમ એટલે બીજાના સુખથી સુખી અને બીજાના દુઃખથી દુઃખી થવાની લાગણી. પ્રેમ તો જ ટકે, જયાં જેના પ્રત્યે પ્રેમ રાખો તેના પર વિશ્વાસ રાખો. આ વિશ્વાસની કોઈ સાબિતી નહીં હોય. પ્રેમ દિલથી થતો હોય છે. જયાં પ્રેમ કરનારાની લાગણી અને તેનો વિશ્વાસ જ સર્વોપરી હોય છે. ભલે ક્યારે પણ આ વિશ્વાસને એકબીજા સામે જાહેર નહીં કર્યો હોય પરંતુ એ વિશ્વાસને અનુભવ્યો હોય. લાગણીનો ચિતાર રજૂ કરવાનો હોતો નથી. લાગણી તમારા સ્મિત કે આંસુમાં પણ રજૂ થઈ જતી હોય છે. આ વિશ્વાસ તમારી આંખોમાં દેખાવો જોઇએ. તેના માટે શબ્દો કે વાણીની જરૂર નથી. પ્રેમનું કાવ્ય મૌનની પરિભાષા સારી રીતે જાણે છે.