SURAT

પોલીએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગશે તો ભારતમાં બનતું કપડું મોંઘું થશે

સુરત: ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેડ એન્ડ રેમેડીઝ (DGTR) દ્વારા વિદેશથી આયાત થતાં પોલીએસ્ટર સ્પર્ન યાર્ન (Polyester spun yarn) ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી (anti dumping duty) લાગુ કરવાની નાણાં મંત્રાલય (Ministry of finance)ને કરેલી ભલામણને 45 દિવસ પૂરા થતાં કેન્દ્રના ટેક્સટાઈલ સેક્રેટરી ઉપેન્દ્ર પ્રસાદ સિંઘે યોજાયેલી વિડીયો કોન્ફરન્સમાં સુરત (Surat), માલેગાંવ, ભીવંડી અને ઈચલકરંજીનાં વિવિંગ સંગઠનો, ફિઆસ્વી અને સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (chamber of commerce)ના પ્રતિનિધિઓને તાર્કિક સવાલ કર્યો હતો કે, પોલીએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી શા માટે નહીં હોવી જોઈએ ?

જેથી ડ્યૂટી ન લાગે એ માટે કેન્દ્રના નાણામંત્રીને સાચી સ્થિતિનો ચિતાર આપી શકાય તેના પ્રત્યુત્તરમાં ફિઆસ્વીના ચેરમેન ભરત ગાંધીએ ડેટા સાથે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, પોલીએસ્ટર સ્પર્ન યાર્ન એ કપડું બનાવવા માટેનું કી રો મટિરિયલ છે. ભારત સરકાર દ્વારા વર્ષ ર૦ર૧–રરના બજેટમાં જ નાણામંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ટેક્સટાઇલ ફેબ્રિક બનાવતાં એકમો દ્વારા વપરાતા કી રો મટિરિયલ ઉપર કોઇપણ પ્રકારની એન્ટી ડમ્પિંગ ડ્યૂટી નહીં લાગવી જોઇએ તથા ટેક્સટાઇલ મંત્રાલય દ્વારા પણ તેઓના ડ્રાફ્ટ પોલિસી-ર૦ર૦માં જણાવેલી નીતિ પ્રમાણે વિવિંગ અને નિટિંગ ક્ષેત્રે વપરાતા રો મટિરિયલ ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી નહીં લગાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો પોલીએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગશે તો ભારતમાં બનતું કપડું મોંઘું થશે.

સુરત સહિત વિવિંગ ઉદ્યોગે કેન્દ્રના ટેક્સટાઈલ મંત્રી પીયૂષ ગોયલ અને દર્શના જરદોશને રજૂઆત કરી છે કે ચીન, ઈન્ડોનેશિયા અને વિયેટનામથી ઈમ્પોર્ટ થતાં પોલિએસ્ટર સ્પર્ન યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગુ કરવી ન જોઈએ. વિવર્સ અગ્રણી મયૂર ગોળવાલાએ ટેક્સટાઇલ સેક્રેટરીને જણાવ્યું હતું કે, ડીજીટીઆર દ્વારા એન્ટી ડમ્પિંગ ડ્યૂટીના ઇન્વેસ્ટિગેશનમાં જે પ્રોડક્ટ અન્ડર કન્સિડરેશન (પીયુસી)નું ભારતમાં કુલ ઉત્પાદનના આંકડા તથા આ જ પીયુસીના ટેક્સટાઇલ કમિશનર દ્વારા ડીજીટીઆરને આપેલા આંકડામાં ૪પથી પ૦ ટકા જેટલો તફાવત છે. એન્ટી ડમ્પિંગ ડ્યૂટી ઇન્વેસ્ટિગેશનના કાયદા મુજબ, કોઇપણ પ્રોડક્ટ ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યૂટીનું ઇન્વેસ્ટિગેશન ત્યારે જ ચાલુ કરી શકાય કે જ્યારે એ પ્રોડક્ટની આયાત સંબંધિત દેશોમાંથી ભારતમાં એ જ પ્રોડકટના કુલ વપરાશની સામે ર૦ ટકા અથવા તેથી વધુ હોય. ટેકસટાઇલ કમિશનર ઓફિસ દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ પિરીયડ ઓફ ઇન્વેસ્ટિગેશન દરમિયાન પોલીએસ્ટર સ્પર્ન યાર્નનું ભારતમાં કુલ ઉત્પાદન ૪,૦૮,ર૭૦ ટન હતું. એની સામે એ વર્ષે પોલીએસ્ટર સ્પર્ન યાર્નનું સંબંધિત દેશોમાંથી આયાત પ૧,પ૯૧ ટન થયું હતું,

20 ટકાથી વધુ યાર્નની આયાત થતી હોય તો જ એન્ટી ડમ્પિંગ લાગી શકે : ભરત ગાંધી

ફિઆસ્વીના ચેરમેન ભરત ગાંધીએ ટેક્સટાઈલ સેક્રેટરીને રજૂઆત કરી હતી કે, ડીજીટીઆર કોઈપણ નિર્ણય લે એ પહેલા રો-મટિરિયલના વપરાશકર્તા ટેક્સટાઈલ મંત્રાલય અને ટેક્સટાઈલ કમિશનરને વિશ્વાસમાં લેવા જોઈએ. સરકારની નીતિ કી રો-મટિરિયલ પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગુ કરવાની નથી. ડોમેસ્ટિક ઉત્પાદનો સામે 20 ટકાથી વધુ યાર્ન ઈમ્પોર્ટ થતું હોય તો જ ડ્યૂટી લાગુ થઈ શકે છે. અત્યારે પોલિએસ્ટર સ્પર્ન યાર્નના ડોમેસ્ટિક યાર્નના ઉત્પાદન સામે 12.64 ટકા જ યાર્ન ઈમ્પોર્ટ થાય છે.

પાવર લૂમ્સમાં 14000 કરોડનું મૂડીરોકાણ થયું છે, ડ્યૂટી લાગશે તો કાપડ મોંઘું થશે : આશિષ ગુજરાતી

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ ટેક્સટાઇલ સેક્રેટરીને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, ભારતભરમાં પાવર લૂમ્સ ક્ષેત્રે કુલ રૂપિયા ૧૪ હજાર કરોડનું રોકાણ થયું છે તથા છેલ્લા ઘણા સમયથી મોડર્ન મશીનરીઓ વિવર્સ દ્વારા લગાવવામાં આવી રહી છે. જેમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં રોકાણ થયું છે. આ હાઇસ્પીડ મશીનરીઓમાં અત્યાર સુધી વિદેશી યાર્ન જ વપરાય છે. કારણ કે, ભારતમાં બનતું યાર્ન આ મશીનો ઉપર ઉપયોગમાં આવતું નથી. આથી જો આયાતી યાર્ન મોંઘું થશે તો તેનાથી કપડું પણ મોંઘું થશે.

Most Popular

To Top