National

આજે વિશ્વ ચકલી દિવસ: જાણો આ ચકલી પ્રેમીની અનોખી કહાની

રાજકોટ: આજે 20 માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ (World Sparrow Day). દેશમાં ધીરે ધીરે ચકલીની પ્રજાતિઓ લુપ્ત (Extinct) થઈ રહી છે. તેઓનો કલરવ તેમજ તેમનો ચીં..ચીં..નો અવાજ પણ ઓછો સાંભળવા મળે છે. તેવામાં જેતપુરના નેશનલ હાઇવે (National Highway) પર આવેલી એક હોટલમાં (hotel) ચકલીઓનો કલબલાટ સાંભળવા મળે છે. મળતી માહિતી મુજબ આ હોટલના માલિક છેલ્લા 25 વર્ષથી ચકલીઓની સંભાળ રાખી રહ્યા છે. તેમનો ચકલીઓ પ્રત્યેનો પ્રેમ લોકોને ચકલીઓને સાચવવાનો સંદેશ (Message) આપે છે.

  • જેતપુરથી રાજકોટ તરફ જતા નેશનલ હાઈવે ઉપર એક હોટલમાં ઘણી બધી ચકલીઓની ચીં..ચીં.. સાંભળવા મળે છે
  • મનસુખભાઇ છેલ્લા 25 વર્ષથી ચકલીઓનું રક્ષણ કરી રહ્યા છે
  • તેઓએ હોટલની અગાસી ઉપર 250 ચકલીના માળાઓ લગાવ્યા છે

આ હોટલની પાસેથી પસાર થતાં ચકલીઓની ચીંચીં સાંભળીને જ ત્યાં જઈને આ પ્રકૃતિનો આનંદ માણવાની ઈચ્છા થઇ જ જાય છે. આ ચકલીઓનો કલબલાટ સાંભળીને લોકો પ્રકૃતિનો આનંદ માણે છે. આ હોટલની અગાસી પર ઠેર ઠેર ચકલીઓના માળાઓ જોવા મળે છે. આ બધા માળાઓ ચકલીઓથી વધારે શોભી ઊઠે છે. આ હોટલના માલિક મનસુખભાઇ છેલ્લા 25 વર્ષથી ચકલીઓનું રક્ષણ કરી તેમને સાચવે છે. તેની સાથે તેઓ ચકલીના માળાઓનું નિ:શુલ્ક વિતરણ કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ ચકલીઓના બચાવ અંગેની જાગૃતિ પર ધ્યાન દોરી રહ્યા છે.

મનસુખભાઇ માટે હરરોજ ચકલી દિવસ છે. તેઓ માત્ર વર્ષમાં એક દિવસ ચકલીઓ પ્રત્યે પ્રેમ દેખાડતા નથી. પરંતુ તેઓની સવાર આ ચકલીઓની સાથે જ થાય છે અને આખો દિવસ તેમની સાથે જ ગુજરે છે. તે જેવા હોટલ પર આવે કે તરત જ પહેલા ચકલીઓને અનાજના દાણા અને તેમના માટે ક્યારમાં પાણી ભરી નાખે છે. ત્યારબાદ તેઓ હોટલનું કામ કરે, આ તેમની પ્રતિદિન પ્રક્રિયા છે. તેઓએ અત્યાર સુધીમાં ત્યાં લગભગ 250 ચકલીના માળાઓ લગાવ્યા છે જેમાં હરરોજ 250 થી 350 ચકલીઓ જોવા મળે છે. આ નજારો જોઈને એવું લાગે કે આપણે જાણે પ્રકૃતિના ખોળામાં આવી ગયા હોય.

હાલમાં ચકલીઓ માત્ર ફોટાઓ કે ઇન્ટરનેટ પર જ જોવા મળે છે. તેમને લુપ્ત થતી અટકાવવા માટે મનસુખભાઇ બધા લોકોને વિનંતી કરે છે કે આપણા ઘરે ઓછામાં ઓછો એક તો ચકલીઓનો મળો રાખવો અને ત્યાં આવીને ચકલીઓને તેમની જરૂરી વ્યવસ્થા મળી રહે તે પણ ધ્યાનમાં રાખવું. તે સાથે જ આપણે ચકલીઓ વિશેની માહિતી આપણી આવનારી પેઢીને પણ આપવી જોઈએ.

વિશ્વ ચકલી દિવસ નિમિતે ચાલો આપણે જાગૃત થઈને ચકલીઓને લુપ્ત થતી અટકાવામાં ભાગ ભજવીએ અને આપણી આવનારી પેઢીને આ પ્રકૃતિની ઓળખ કરાવીએ.

Most Popular

To Top