Trending

એક એવું ઈ સ્કૂટર જેનું તમારી જરૂરિયાત મુજબ બદલી શકાય સ્વરૂપ, ટૂંક સમયમાં ભારતમાં થશે લોન્ચ

નવી દિલ્હી: હાલમાં વિશ્વભરમાં ઈલેક્ટ્રોનિક વાહનોનો (Electric vehicles) ક્રેઝ ચાલી રહ્યો છે. ભારતમાં પણ લોકો પેટ્રોલ-ડિઝલના ભાવ વધતાં ઇ-વાહનોનો ઉપયોગ કરી રહ્યા છે. સુરતમાં પણ છેલ્લા એક વર્ષમાં ઇ-સ્કૂટરોનો વપરાશ ત્રણ ઘણા વધ્યો છે. આ દરમિયાન ભારતની કેટલીક ઇ-કંપનીઓ પણ ઇલેટ્રોનિક સેગમેન્ટમાં ઝંપલાવ્યું છે. વિશ્વનું પહેલું મોડ્યુલર ઈ-સ્કૂટર ભારતની એક ઇલેક્ટ્રિક વાહન સ્ટાર્ટઅપ કંપની (Company) લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ ઇ-સ્કૂટરનું વાહનચાલકની (Driver) જરૂરિયાત મુજબ સ્વરૂપ બદલી શકશે. એટલે કે કયાંક જવું હોય તો સ્કૂટર અને વડાપાઉં વેચવા હોય તો સ્ટોલ બની જશે. આ સિવાય તેમાં ટેબલટે અને સ્માર્ટફોનને મૂકવાની અલગથી વ્યવસ્થા આપવામાં આવશે. આમ આ ઇ-સ્કૂટરએ મલ્ટી ઉપયોગી હોવાનો કંપની દાવો કરી રહી છે.

EV સ્ટાર્ટઅપ ડિસ્પેચ વ્હીકલે બુધવારે જાહેરાત કરી હતી કે તે ભારતમાં તેનું પ્રથમ મોડ્યુલર ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરવા જઈ રહી છે. આ સ્કૂટર આગામી નાણાકીય વર્ષ 2023ના પ્રથમ ક્વાર્ટરમાં લોન્ચ થશે.ડિસ્પેચે આ ઇ સ્કૂટરનું મોડલ મેડ ઇન ઈન્ડિયા મોડલ હોવાનો દાવો કર્યો છે અને તે સખત અને અર્ગનોમિક બોડી ફ્રેમથી બનેલું હશે.

આ સ્કૂટરની ડિઝાઇનની ખાસ વાત એ છે કે તેના હેન્ડલ બારમાં એટલી જગ્યા આપવામાં આવી છે કે જ્યાં તમે તમારા ટેબલેટ કે સ્માર્ટફોનને સેફ્ટી સાથે રાખી શકો છો. આ રીતે, આ ઇલેક્ટ્રિક સ્કૂટરને કનેક્ટેડ વાહનમાં બદલી શકાય છે. સ્કૂટરમાં મોડ્યુલર બોડી ફ્રેમ આપવામાં આવી છે. આ સિવાય સ્કૂટરના આગળના વ્હીલના મડ-ગાર્ડ પર LED હેડલેમ્પ લગાવવામાં આવ્યા છે અને આ LED ડે ટાઇમ રનિંગ લાઇટ છે. સ્કૂટરના આગળનો કાઉલ વાહનચકની જરૂરિયાત મુજબ બદલી શકાય છે.

આ ઇ-સ્કૂટરમાં સ્ટોરેજ બોક્સ માટે પાછળની સીટને ફ્લેટબેડમાં બદલી શકાય છે. આ સ્કૂટરની કંપની દ્વારા જાહેર કરવામાં આવેલ ટીઝર દર્શાવે છે કે દરેક પાર્ટ અલગ થઈ શકે છે. આ સ્કૂટરનું ટીઝર એવું પણ દર્શાવે છે કે સ્કૂટરને વિવિધ પ્રકારના ડિલિવરી વ્યવસાયો માટે કેવી રીતે કસ્ટમાઇઝ કરી શકાય છે. ઉપરાંત, પોલીસ સાયરનથી લઈને રેસ્ટોરન્ટ અથવા શેરી વિક્રેતાઓના નાના રસોડા સુધી ગોઠવી શકાય છે.

ડિસ્પેચના કહ્યા અનુસાર, આ ઇલેક્ટ્રિક સ્કૂટર બેટરીની અદલાબદલીની સેવા સાથે આવશે. બેટરીને રાઇડર સીટની નીચે મૂકવામાં આવી છે. કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે આવનારું આ ઇલેક્ટ્રિક સ્કૂટર ઘણી કનેક્ટેડ ફીચર્સથી સજ્જ હશે. ડિસ્પેચ ઈલેક્ટ્રિક સ્કૂટર માટે મિકેનિકલ પાર્ટ્સ, ઈલેક્ટ્રોનિક્સ અને પાવરટ્રેનના ઘટકો સહિત તમામ જરૂરી વસ્તુઓ માટે ટિયર-1 સપ્લાય ચેઈન સુરક્ષિત હોવાનો દાવો કરે છે.

Most Popular

To Top