નવી દિલ્હી: ભારત (India) દ્વારા આયોજિત ODI વર્લ્ડ કપ 2023 (World Cup 2023) રમી રહેલી પાકિસ્તાન (Pakistan) ક્રિકેટ (Cricket) ટીમને લઈને એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમ મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. વર્લ્ડ કપ દરમિયાન પાકિસ્તાની ટીમના કેમ્પ પર વાયરલ ઈન્ફેક્શનનો (Viral Infection) હુમલો થયો છે. મળતી માહિતી મુજબ આ વાયરલ ઈન્ફેક્શનને કારણે પાકિસ્તાન ટીમના મોટાભાગના ખેલાડીઓ બીમાર પડ્યા છે. જો કે પાકિસ્તાન ક્રિકેટ ટીમે વર્લ્ડ કપમાં અત્યાર સુધી 3 ODI મેચ રમી છે, જેમાંથી 2માં તેને જીત મળી છે અને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો છે.
હવે પાકિસ્તાનની ટીમ તેની ચોથી અને મહત્વપૂર્ણ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમવાની છે. આ મેચ 20 ઓક્ટોબરે બેંગલુરુના મેદાનમાં રમાશે. પરંતુ તે પહેલા મોટાભાગના ખેલાડીઓનું બીમાર પડવું ટીમ માટે ખૂબ જ ખરાબ સમાચાર છે. બાબર આઝમની કેપ્ટનશીપવાળી પાકિસ્તાની ટીમ બેંગલુરુ પહોંચી ગઈ છે. આ સમયગાળા દરમિયાન પાકિસ્તાનના મોટાભાગના ખેલાડીઓ વાયરલ ઈન્ફેક્શનને કારણે બીમાર પડ્યા છે. પરંતુ ટીમ માટે એક સારી વાત એ છે કે મોટાભાગના ખેલાડીઓ ચેપમાંથી સ્વસ્થ થઈ ગયા છે. અત્યારે 3 ખેલાડીઓ બીમાર છે.
સ્ટાર ખેલાડીઓ અબ્દુલ્લા શફીક, શાહીન શાહ આફ્રિદી અને ઉસામા મીરે તાવની ફરિયાદ કરી છે. પાકિસ્તાની ટીમે મંગળવારે (17 ઓક્ટોબર) સાંજે તેનું પ્રેક્ટિસ સેશન રદ કરી દીધું હતું, પરંતુ થોડા સમય પછી તેને ફરી શરૂ કર્યું હતું .પાકિસ્તાની ટીમ આગલી સાંજે ડિનર માટે તેમની હોટલમાંથી એકસાથે નીકળી હતી. બાબરની કપ્તાનીમાં પાકિસ્તાનની ટીમે આ વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ નેધરલેન્ડ સામે જીતી હતી. આ પછી શ્રીલંકાને હરાવ્યું. પરંતુ 14 ઓક્ટોબરે ભારત સામે 7 વિકેટે ખરાબ હાર થઈ હતી. જો કે ઓસ્ટ્રેલિયા સામેની ચોથી મેચ આડે હજુ થોડા દિવસો બાકી છે. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ આશા વ્યક્ત કરી રહ્યું છે કે અન્ય ખેલાડીઓ પણ સ્વસ્થ થઈ જશે. ચોથી મેચ 20 ઓક્ટોબરે રમાશે. હાલ પાકિસ્તાનની ટીમ પોઈન્ટ ટેબલમાં 4 પોઈન્ટ સાથે ચોથા સ્થાન પર છે.
વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમઃ બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન (વાઈસ-કેપ્ટન), અબ્દુલ્લા શફીક, ફખર ઝમાન, હસન અલી, ઈફ્તિખાર અહેમદ, ઈમામ ઉલ હક, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, સલમાન આગા, શાહીન આફ્રિદી, ઉસામા મીર, સઈદ શકીલ, હરિસ રઉફ, મોહમ્મદ વસીમ જુનિયર.