આપણા વિચારો પ્રગટ કરવાનું સાધન શબ્દ છે, પણ તેનો વિચારપૂર્વક ઉપયોગ કરવો મહત્ત્વનું છે. જેમ ધનુષમાંથી બાણ છૂટી જાય તો એને પાછું ન લાવી શકાય તેમજ મુખમાંથી નીકળેલો શબ્દ એના અર્થ પ્રમાણે છેદન કરે જ છે. શબ્દને વાસ્તવિક બે ગુણ હોય છે. એક તો તેજ ધાર હોય છે જે કાપવાનું કામ કરે છે, કરવતની જેમ આગળ જતાં પણ લાકડાને વેરે છે અને પાછળ આવતાં પણ કાપે છે. શબ્દ ક્રોધ નિર્મિતિનું રસાયણ છે અને પ્રેમની લતા, વેલી, વૃક્ષને પર્ણ, ફૂલો, ફળો ઉગાડનારું બીજ છે. શબ્દમાં શકિત છે, યુકિત છે, ભકિત છે પણ તે શબ્દને ઉચ્ચાર કરનારના સ્વભાવ પર અવલંબિત છે. શબ્દોને કોમલતાથી લાગણીવશ રીતે બોલનારો સંતનું બિરુદ પામે છે અને તથ્યહીન બોલનારો વિધ્વંસક કહેવાય છે. દરેકને મુખ છે અને દરેકને બોલવાનો અધિકાર છે પણ સમય, સભ્યતા, પદ, પ્રતિષ્ઠા, માન મર્યાદાનું ભાન રાખીને બોલે તો વિનયપૂર્વકની વાણી કહેવાશે. નહીં તો ખોટી વાચાળતા અને નિરર્થક બડબડનું સંબોધન મળે છે.
એના કરતાં મૌન. ન બોલવું ઉપકારક ઠરે છે એવું એક સૂત્ર છે. Speech word is silver but silence is Golden. રાજકારણીઓ સમયસૂચકતા સાથે શબ્દનો મધુ પ્રગટ કરે તો સમાજ શાંતિનું ઉપવન બની શકે. શબ્દ પ્રેરણાદાયી છે પણ આગને પણ વિસ્તારે છે. પ્રશંસા ઉડાડે છે તો નિંદા પણ ઓકે છે. શબ્દનો દુરુપયોગ અનર્થ લાવી શકે છે. શબ્દો તાળીઓ પડાવી શકે છે અને સ્મશાન શાંતિનો ઉદ્ભવ પણ કરી શકે છે. દ્રૌપદીએ દુર્યોધનને અંધનો દીકરો આંધળો જ હોય ને એવું શબ્દાંકન કર્યું તો મહાભારત ઘડયું. મંથરાએ કૈકેયીના કાન કુટિલ શબ્દોથી ભર્યા તો રામાયણ થયું. દુનિયાની સૈર કરવી હોય તો માથા પર યોગ્ય શબ્દનો બરફ મૂકો અને મોઢામાં મધુર વાણી વિલાસ રાખો.
સુરત – બાળકૃષ્ણ વડનેરે– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
કાળઝાળ ગરમી
દર વર્ષે ઉનાળો આકરો થતો જાય છે. ગરમી વધવાનાં કારણો આપણે બધાં જ જાણીએ છીએ.પરંતુ જો મુખ્ય કોઈ કારણ જવાબદાર હોય તો તે છે વસ્તીવધારો. આમ તો દરેક સમસ્યાઓનું મૂળ જ વસ્તીવધારો છે. જેમ જેમ વસતી વધે તેમ તેમ તેમના માટેની દરેક જરૂરિયાત વધારવી પડે.જેના કારણે જંગલ વિસ્તાર, ખેતીની જમીન, વૃક્ષો આ બધાનું નિકંદન નીકળી રહ્યું છે. એક ઘરમાં બે બાળકો હોય અને એક ઘરમાં પાંચ બાળકો હોય કોને સારી રીતે ઉછેરી શકાય? જે લોકોને વિદેશ ગમે છે તેનું મુખ્ય કારણ શું છે? કે ત્યાં વસતી ઓછી છે, જેથી તમામ પ્રકારની વ્યવસ્થાનું પાલન સારી રીતે કરી અને કરાવી શકાય છે. આપણે ત્યાં તો આટલી સાવ સામાન્ય બાબતને પણ ધાર્મિક રૂપ આપી દેવામાં આવે છે. જે લોકો વસતી વધારવાની વાતો કરે છે તેમને કોઈ સમસ્યા નડવાની નથી પરંતુ વધતી જતી વસતી દરેકે દરેક સામાન્ય માણસ માટે અસામાન્ય મુસીબતો વધારવાની છે. આવનાર સમયમાં જો વૈજ્ઞાનિક રીતે આ વાતને સમજવામાં નહીં આવે તો આ ગરમી તો શરૂઆત છે. આના કરતાં પણ વધુ આકરી કુદરતી સજા ભોગવવી પડશે.
સુરત – કિશોર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.