એક દિવસ દાદાજીએ પોતાનાં બધાં પૌત્ર અને પૌત્રીઓને કહ્યું, ‘જીવનમાં જે કરો તે વિચારીને કરો …જે બોલો તે એક એક શબ્દ પર ધ્યાન આપો. વિચારો અને પછી બોલો …જે નિર્ણય લો, દસ વાર વિચારીને લો …જીવનમાં એક એક મીનીટનો ઉપયોગ વિચારીને કરો …જે કરો ,જે બોલો ,જે નિર્ણય લો બધું જ બહુ ઊંડાણ સાથે વિચારીને કરવું જરૂરી છે.’ એક પૌત્રે પૂછ્યું, ‘દાદાજી, આ બધું વિચારીને કરવું જરૂરી છે તે સમજાયું, પણ દાદાજી વિચાર કરવામાં જ બહુ સમયનો વ્યય થઈ જાય અને આપણે વિચાર કરતા જ રહી જઈએ એવું થાય તો…એટલે દર વખતે આટલું વિચારવું જરૂરી છે ખરું?’
દાદાજી બોલ્યા, ‘મારી ફરજ છે તમને સાચી સમજ આપવાની, એટલે હું કહું છું કે જે કરો ,જે બોલો તે વિચારીને કરો. જીવનમાં ઘણી એવી વસ્તુઓ છે જે એક વાર હાથમાંથી નીકળી જાય પછી ગમે તેટલી ઈચ્છા કરો ,ગમે તેટલો પ્રયત્ન કરો તે ફરી પાછી આવતી નથી….જો તું હાથમાંથી એક પથ્થર દરિયામાં અકે નદીમાં નાખે પછી તું ઈચ્છે તો પણ અને પ્રયત્ન કરે તો પણ તે જ પથ્થર પાછો મેળવી શકવાનો નથી …તેવી જ રીતે તું કોઈ શબ્દ બોલી દે પછી તે બોલેલા શબ્દને તું કયારેય પાછો લઈ શકવાનો નથી. ગમે તેટલી માફી માંગે પણ બોલેલા શબ્દની અસર સામેવાળાના મન પરથી ભૂંસી શકાતી નથી એટલે ભલે થોડો સમય જાય પણ પથ્થર ફેંકતાં પહેલાં સો વાર વિચારવું અને એક શબ્દ બોલતાં પહેલાં હજાર વાર વિચારવું અને ખાસ વિચારવું કે આવું કોઈ તને કહે તો તને તે શબ્દો સાંભળવા ગમે ?
અને તને કેટલું દુઃખ થાય?’ એક પૌત્રીએ પૂછ્યું, ‘દાદાજી, અમને સમજાવો કે જીવનમાં હજી બીજી કઈ વસ્તુઓ છે જે એક વાર હાથમાંથી છૂટ્યા બાદ ફરી મળતી નથી.’ દાદાજી બોલ્યા, ‘દીકરા, સૌથી મહત્ત્વનો છે સમય. એક વાર સમય પસાર થઈ જાય પછી ફરી ક્યારેય પાછો આવતો નથી.મેં તમને કહ્યું જે કરો તે વિચારીને કરો તેમાં સમય પસાર થશે પણ સમય ક્યારેય બરબાદ ન કરવો ,નકામો ન વેડફી નાખવો કારણ કે તે ફરી ક્યારેય પાછો નહિ મળે.બીજું છે જીવનમાં મળેલો મોકો કે અચાનક સામે આવેલી તક …જે જયારે મળે ત્યારે ઝડપી લેવી જોઈએ કારણ કે એક વાર તે હાથમાંથી સરી જશે તો ફરી પાછી નહિ મળે. અને હવે વાત કરું છું. સૌથી મહત્ત્વની વસ્તુની તે છે વિશ્વાસ….કોઈનો વિશ્વાસઘાત ક્યારેય ન કરવો કારણ કે એક વાર કોઈનો ભરોસો ગુમાવશો તો ક્યારેય પાછો મેળવી નહિ શકો.’દાદાજીએ સાચી સમજ આપી. જીવનમાં ફેંકેલો પથ્થર હોય કે બોલેલો શબ્દ ,મ્યાનમાંથી છૂટેલું તીર હોય, જે હાથમાંથી સરી ગયેલી તક, વેડફાઈ ગયેલો સમય હોય કે તોડેલો વિશ્વાસ ફરી ક્યારેય પાછાં મળતાં નથી માટે જ કરો ,જે બોલો સંભાળીને ,સમજીને ,વિચારીને કરવું જરૂરી છે.