
સામાન્ય રીતે દરેક વ્યક્તિ મુસાફરી કરતી વખતે બારી પાસે બેસવાની ઈચ્છા રાખે. આ માત્ર એક સુવિધા નથી, તે વિશેષ પ્રકારની સંભાવના સ્થાપિત કરે છે. આ એક પ્રકારની માનસિકતાનું પરિણામ છે, જિજ્ઞાસાનું પ્રતિબિંબ છે, જીવનની જે તે બાબતનું પ્રાધાન્ય દર્શાવતી ઘટના છે અને વ્યક્તિની આંતરિક સ્થિતિનો પરિચય પણ છે. મુસાફરી કરતી વખતે આમ પણ સમય પસાર કરવાની આવશ્યકતા હોય છે. આજના સમયમાં કોઈ ગીતો સાંભળે તો કોઈ વિડીયો જુએ, કોઈ સોશિયલ મીડિયા ફંફોળે તો કોઈ પોતાનાં જીવનની કોઈ ઘટના પોસ્ટ કરે. કોઈક સમાચાર પત્ર વાંચે તો કોઈ એક-એક સિંગ ખાય. કોઈ ઝોકું ખાઈ લે તો કોઈ અજાણી વ્યક્તિ સાથે પણ વાતચીત શરૂ કરે. વિકલ્પો અનેક છે. આ બધાંથી મન એક યા બીજી પ્રવૃત્તિમાં જોડાય અને તેનાથી સમય સરળતાથી પસાર થઈ શકે. બારી પાસે બેસવામાં પણ આવો જ એક ફાયદો છે.
બારી પાસે બેસવાથી બહારનું દ્રશ્ય સરળતાથી અને સ્પષ્ટતાથી જોઈ શકાય છે, વિવિધ પ્રકારની પરિસ્થિતિને માણવાની તક મળે છે, ક્યાંક પર્વત તો ક્યાંક નદી, ક્યાંક ખેતર તો ક્યાંક વેરાન, ક્યાંક ચઢાણ તો ક્યાંક ઉતરાણ – બધું જ જોવાં મળે અને તેની પ્રત્યેક સાથે એક પ્રકારનું સમીકરણ સાધી શકાય. આ સમગ્ર પ્રક્રિયામાં સમય કોઈપણ પ્રકારની મહેનત વગર, કોઈપણ પ્રકારના સાધન વગર, કોઈપણ પ્રકારનાં પ્રયત્ન વગર, કોઈપણ પ્રકારના ‘ફોલોઅપ’ વગર પસાર થઈ જાય. બારીની બહાર દેખાતાં દ્રશ્યો ક્યારેક, કલ્પનાશક્તિને આધારે, જે તે પ્રકારની કળા માટેની પ્રેરણા પણ આપી શકે. જો વ્યક્તિ સંવેદનશીલ અને સર્જનાત્મકતા વાળી હોય તો અદભુત સર્જન પણ થઈ શકે. બહારની પરિસ્થિતિ વિશે વિચાર કરવાથી પર્યાવરણ અને પરિસ્થિતિ બાબતે એક પ્રકારની સમજશક્તિ પણ ઉભરે.
બારીની બહાર જોનાર વ્યક્તિને પોતાની સાથે જોડાવવાની જરૂરિયાત ઊભી ન થાય. આ એક મહત્વની ઘટના છે. ઘણીવાર વ્યક્તિએ પોતાનાથી અલગ થવું હોય છે. જ્યારે વ્યક્તિ કોઈ ફિલ્મ કે નાટક જોવા જાય ત્યારે તે સમય પૂરતું તે પોતાની જાતથી વિમુખ થઈ કોઈ અન્ય પાત્ર સાથે સંકળાય છે. આના કારણે વ્યક્તિ જાણે ‘વ્યક્તિગત કલ્પના’નાં વિશ્વમાં પ્રવેશી જાય છે. જીવનમાં ક્યારેક ક્યારેક આ પ્રકારની સ્થિતિ આવશ્યક છે. વાહનની બારી આ માટેની એક સંભાવના ઊભી કરે છે. બસની અંદરની પરિસ્થિતિની સરખામણીમાં દ્રશ્ય સતત બદલાતું રહે. આ બદલાતાં દ્રશ્ય સાથે ભિન્ન ભિન્ન પ્રકારની સંલગ્નતાની સંભાવના ઊભી થાય.
બારી પાસે એટલે સીટના ખૂણામાં. આ સ્થાન કંઈક અંશે અંગત હોવાની પ્રતીતિ થાય. આ સ્થાને એક બાજુ વાહનની ધાર આવી જતી હોવાથી ત્યાં અન્ય મુસાફર હોવાની સંભાવના ન હોય. આને કારણે, જે તે માત્રામાં, ગોપનીયતાની અનુભૂતિ થઈ શકે. અહીં ખલેલ પડવાની સંભાવના પ્રમાણમાં ઓછી હોય, અહીં વ્યક્તિ પોતાનાં કાર્યમાં વધુ સરળતાથી સંલગ્ન થઈ શકે. આ સ્થાન પર ‘અધિકાર’ની માત્રા પણ વધુ હોય શકે. બારી વ્યક્તિને એક પ્રકારની માલિકીની અનુભૂતિ કરાવી શકે. અહીં પીઠ ઉપરાંત બાજુમાં પણ ટેકો મળતો હોવાથી વધુ આરામની સંભાવના વધી જાય. અહીં અન્ય વ્યક્તિનો સ્પર્શ તથા સંપર્ક એક તરફનો જ હોય. સાથે સાથે બારી પાસે બેસવાથી આબોહવાને વ્યવસ્થિત રીતે સમજી શકાય. રસ્તા પરનાં કયાં વાહન ક્યાં છે તે વિશે પણ અનુમાન બાંધી શકાય. આજુબાજુનાં વાહનનો પ્રકાર કેવો છે, તેમની ગતિ કેટલી છે, તેમની વાહન વ્યવહારના નિયમો પ્રત્યે પ્રતિબદ્ધતા કેવા પ્રકારની છે, આ બધું બારીની બહાર જોવાથી સમજમાં આવી શકે. આ બધાંને કારણે સુરક્ષા કે અસુરક્ષાનો ભાવ ઉભરી શકે – શાંતિ કે અશાંતિ અનુભવી શકાય.
ક્યારેક જીવનમાં પણ બારી પાસે બેસવાનો અભિગમ રાખવામાં આવે છે. બારી પાસે બેસવું એ જીવનની એક પ્રતીક સમાન ઘટના છે, જીવન પ્રત્યેનો એક અભિગમ છે એમ કહી શકાય. કોઈપણ પ્રકારની વૈચારિક ક્રિયા વગર બારી બહાર જોઈ શકાય. આમાં કશું કરવાનું ન હોય અને તેનું કશું પરિણામ પણ ન આવે. આમાં કોઈ પણ પ્રકારની વિશેષ ક્ષમતાની આવશ્યકતા નથી. સમજવાની વાત એ છે કે ‘બહાર’ જોવાનું બધાને પસંદ છે. બંધન કે બંધિયારપણું કોઈને પસંદ નથી. દરેકને વિસ્તૃત ફલક જોઈએ છે. દરેકને એક પ્રકારની ‘સ્વતંત્ર’ અનુભૂતિ જોઈએ છે. ઘરનું કે કુટુંબનું, સમાજનું કે વ્યવસ્થાનું, પરિસ્થિતિનું કે નિયમોનું, બંધન કોઈને માન્ય નથી. દુનિયાની ચહલપહલ જોવાની, દુનિયાની પરિસ્થિતિ પર નજર નાખવાની અને ‘ઘણી સામાન્ય’વાતોથી વાકેફ રહેવાની લોકોને ઈચ્છા હોય છે. લોકોની કુતૂહલવૃત્તિ અદભુત છે. જ્યાં જરૂરી ન હોય ત્યાં પણ ડોકિયું કરવાની ઈચ્છા થઈ જાય. જે રીતે શક્ય હોય તે રીતે, શક્ય હોય એટલું વધુ લોકો અનુભવવા માંગે છે, પોતાની જાતને ‘ઇન્વોલ્વ’ કર્યા વગર. સાંપ્રત સમયમાં સમાજનો આ એક વિશેષ અભિગમ હોય તેમ જણાય છે. અહીં માત્ર તમાશો જોવાનો હોય બાકી તો પોતાના રસ્તે આગળ વધી જવાનું. રસ્તામાં થયેલ અકસ્માત પ્રત્યે લોકોનો પ્રતિભાવ આનું સરસ ઉદાહરણ છે.
બારી એટલે વિશ્વ સાથેના સંવાદ માટેની તક. બારી એટલે બંધીયાર પરિસ્થિતિમાં રાખવામાં આવેલું ખુલ્લાપણું. બારી એટલે અંદર અને બહારની પરિસ્થિતિને જોડતું સાધન છે. બારી એટલે બાહ્ય આવરણમાં જરૂરિયાત પ્રમાણે સ્થાપવામાં આવેલી મોકળાશ. બારી એટલે મનોવૈજ્ઞાનિક હળવાશ. બારી એટલે પરિસ્થિતિમાં ઈચ્છનીય અપવાદ. બારી એટલે વિશેષ પ્રકારની વિરોધી સંભાવનાઓનું ભિન્ન માત્રામાં સહ-અસ્તિત્વ. બારી એટલે બંધન હોવાં છતાં ન હોવાનો અહેસાસ. બારી એટલે ઈચ્છનીય અપવાદ. બારી એટલે એક નવાં જ પ્રકારની આશા. તેમાં પણ આ બારી જ્યારે વાહનની હોય ત્યારે તો બારીનું ‘બારીપણું’ ઘણું વધી જાય. જીવનમાં, મકાનમાં કે વાહનમાં બારી આવશ્યક છે.
જે વ્યક્તિને આ મોકળાશની અનુભૂતિ કરી નવી સંભાવનાઓ ચકાસવી હોય, સીમાની બહારની પરિસ્થિતિ સાથે સંપર્ક સાધી વ્યક્તિગત ક્ષિતિજનો વિસ્તાર કરવો હોય, સ્થાપિત મર્યાદાઓનો અસ્વીકાર કરવો હોય, વિચારશીલતા તેમજ કલ્પનાને વધુ ઊંચા સ્તરે લઈ જવી હોય, સર્જનાત્મક ક્ષમતા વધારવી હોય, પ્રકૃતિગત જીજ્ઞાસા સંતોષવી હોય અને બહિર્ભિમુખ બનવું હોય તેની માટે બારી આવશ્યક જ નથી, જરૂરિયાત છે.
આધ્યાત્મિકતાના સંદર્ભમાં કહીએ તો પ્રત્યેક માનવીની દ્રષ્ટિ બહાર તરફની જ હોય છે. ઇન્દ્રિયો તથા મન બહિર્મુખી છે, બહિર્ગામી છે. બારીની બહાર જોવાની પ્રક્રિયા આનું અનુમોદન છે. નજર અંદરની તરફ વાળવાની છે.
આંતર્ભિમૂખ થવાનું છે. નજર બારીની બહાર પણ નહીં, વાહનની અંદર પણ નહીં પરંતુ સ્વયંની અંદર વાળવાની છે. અમુક સંજોગોમાં આધ્યાત્મિક ભાવના વાળી વ્યક્તિ પણ બારી પાસે બેસવાનું પસંદ કરે, જ્યાં જીવનનાં દ્રશ્યો જોતાં જોતાં પણ તેનો સાક્ષીભાવ જળવાઈ રહે.- હેમુ ભીખુ