National

ભારતે ૧૯૭૪માં પ્રથમ અણુ પરીક્ષણ કર્યું તેના સાત વર્ષની અંદર પાકિસ્તાને અણુ ક્ષમતા હાસલ કરી લીધી હતી: પાક. પ્રમુખ

પાકિસ્તાન સ્વતંત્ર થયું તે પછીની તેની મોટી સિદ્ધીઓમાં ભારતે તેનું પ્રથમ અણુ પરીક્ષણ ૧૯૭૪માં કર્યું તેના સાત વર્ષની અંદર જ અણુ ક્ષમતા પ્રાપ્ત કરી લેવાની બાબતનો સમાવેશ થાય છે એમ પાકિસ્તાનના રાષ્ટ્ર પ્રમુખ આરીફ અલ્વીએ આજે જણાવ્યું હતું, અને તેના પરથી સંકેત મળે છે કે ૧૯૯૮માં સત્તાવાર જાહેરાત થઇ તેના ઘણા સમય પહેલા પાકિસ્તાન અણુ સત્તા બની ગયું હતું.

આજે પાકિસ્તાનના ૭પમા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે પ્રમુખ ભવન ખાતે યોજાયેલ ધ્વજારોહણ સમારંભને સંબોધન કરતા રાષ્ટ્રપ્રમુખે કહ્યું હતું કે છેલ્લા ૭૪ વર્ષમાં ત્રણ યુદ્ધો આપણા પણ લાદી દેવામાં આવ્યા છે, અલબત્ત, પડકારો છતાં દેશે આગળ વધવાનું ચાલુ રાખ્યું છે. પાકિસ્તાનની સિદ્ધીઓ ગણાવતા તેમણે કહ્યું હતું કે આઝાદી પછી દેશે ઘણા મહાન કાર્યો કર્યા છે અને મોટી ઉપલબ્ધિઓમાં અણુ ક્ષમતા હાંસલ કરવાની બાબતનો સમાવેશ થાય છે.

ભારતે જ્યારે ૧૯૭૪માં તેનું પ્રથમ અણુ પરીક્ષણ કર્યું તેના સાત વર્ષની અંદર પાકિસ્તાન પોતાની બૌદ્ધિક ક્ષમતા અને સખત મહેનત મારફતે અણુ છત્ર મેળવી લેવામાં સફળ રહ્યું હતું અને તે દેશોની સાથે જોડાઇ ગયું હતું જેમણે અણુ શસ્ત્રો વિકસાવ્યા અને પોતાના સંરક્ષણ માટે તેનાથી સજ્જ થયા.

અત્રે ઉલ્લેખનીય છે કે ૧૮ મે, ૧૯૭૪માં ભારતે પોતાનું પ્રથમ અણુ પરીક્ષણ કર્યું હતું જેને સ્માઇલીંગ બુદ્ધા એવું સાંકેતીક નામ આપવામાં આવ્યું હતું. આના પછી ભારતે મે ૧૯૯૮માં એ જ સ્થળે (પોખરણમાં) અણુ પરીક્ષણ કર્યું હતું, જેના પછી પાકિસ્તાને ૩૦મી મેએ બલુચિસ્તાન પ્રાંતમાં અણુ શસ્ત્રોનું પ્રથમ જાહેર કરાયેલું પરીક્ષણ કર્યુ઼ હતું.

Most Popular

To Top