Columns

રહેવું કોની સાથે?

એક વખત સાઈકોલોજીના વર્ગમાં શિક્ષકે અચાનક એક પ્રશ્ન પૂછ્યો, ‘વિદ્યાર્થીઓ, બરાબર વિચારીને મને જવાબ આપજો કે જો તમારે ફરજીયાત એક પશુ સાથે રહેવાનું છે અને બે પશુમાંથી પસંદગી કરવાની છે. તે બે પશુ છે એક સિંહ અને બીજો ગધેડો.તો તમે કોની સાથે રહેવાનું પસંદ કરશો?’ વિદ્યાર્થીઓ આવો વિચિત્ર પ્રશ્ન સાંભળી વિચારવા લાગ્યા કે આ પ્રશ્નનો શું જવાબ આપવો? સરે આવો વિચિત્ર પ્રશ્ન શું કામ પૂછ્યો હશે, સમજાતું નથી, પણ નક્કી કૈંક સમજાવવા માંગતા હશે એટલે જ આવો પ્રશ્ન પૂછ્યો હશે.વિદ્યાર્થીઓ વિચારી રહ્યા હતા,ત્યાં સર બોલ્યા, ‘જુઓ, તમારે બધાએ જવાબ આપવો જ પડશે. બધાએ પોતાની પસંદગી જણાવવી પડશે, પછી હું સાચો જવાબ કહીશ.’

થોડો સમય વિદ્યાર્થીઓને વિચારવા આપ્યા બાદ સર બોલ્યા, ‘ચાલો, હવે મને જવાબ આપો.’એક પછી એક વિદ્યાર્થીઓ જવાબ આપવા લાગ્યા. એક વિદ્યાર્થી બોલ્યો, ‘સર સિંહ વનનો રાજા છે. રાજા સાથે રહેવું સારું.’ બીજો તરત બોલ્યો, ‘પણ સર ભૂખ લાગે તો સિંહ આપણને ખાઈ જાય માટે તેનાથી તો દૂર જ સારા. ગધેડો આપણાં કામ કરી આપશે માટે તેની સાથે રહેવું સારું.’ ત્રીજાએ કહ્યું, ‘ગધેડો તો મૂર્ખ છે, તેની દોસ્તી ન કરાય.’ ચોથાએ કહ્યું, ‘સિંહ પાસેથી શીખી શકાય કે આખા જંગલને વશમાં ડરાવીને કેમ રાખવું.’ પાંચમા વિદ્યાર્થીએ કહ્યું, ‘સિંહના સાથી બનવાથી બધા આપણાથી પણ ડરે, એટલે સિંહ સાથે રહેવું.’ છઠ્ઠો વિદ્યાર્થી બોલ્યો, ‘ગધેડો આંખ બંધ કરી સખ્ત મહેનત કરે, તેની સાથે રહેવું જોઈએ.આમ બધાએ જુદા જુદા પોતાના વિચારો પ્રમાણે જવાબ આપ્યા.

સર બધાના રોલ નંબર પાસે જવાબ નોંધતા હતા.પછી સર બોલ્યા, ‘જુઓ, આ પ્રશ્નમાં કોઈ એક પસંદગી સાચી અને બીજી ખોટી એમ નથી, પણ તમે જે પસંદગી કરો છો, જે દિશામાં વિચારો છો તે જવાબમાં તમારા માનસનું પ્રતિબિંબ પડે છે.સિંહ બહાદુરી,પરાક્રમ અને આગેવાની દર્શાવે છે.સિંહ સાથે રહેવાથી જીવનમાં સદા સંઘર્ષ કરી આગળ વધવાની પ્રેરણા મળે છે. કહેવત છે ને કે સિંહ ભૂખો મરે પણ ઘાસ ન ખાય.તે પ્રમાણે સિંહ કોઇ પણ સંઘર્ષમાં ઝૂકતો નથી, સમાધાન કરતો નથી અને જાત મહેનતે માર્ગ કાઢી આગળ વધે છે. ગધેડો મૂર્ખતા, દીનતા અને ગુલામી દર્શાવે છે.

ગધેડા સાથે રહેવાથી જીવનમાં પરિસ્થિતિ સ્વીકારી તેની સામે ઝૂકી જતાં આવડે છે.જેવું જીવન છે તેવું જીવતાં રહો. ડફણાં ખાતાં રહો અને કામ કર્યા કરો.ગધેડો પોતાના નસીબ અને સંજોગો સાથે સમાધાન કરી તેને સ્વીકારી લઇ તે રીતે જ જીવે છે. આગળ વધવાનું વિચારતો જ નથી. સંજોગો સામે હારીને ઝૂકી જાય છે.’ હવે તમે જ તમારા માનસની પરિસ્થિતિ તમારા જવાબ પ્રમાણે નક્કી કરી લેજો.  ચાલો, સાચે, તમે પણ મનમાં જવાબ આપ્યો હશે તે પ્રમાણે તમારું માનસ નક્કી કરી લેજો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top