Vadodara

ઉચ્ચાધિકારીની દરમિયાનગીરીથી આખરે નર્સિંગની હડતાળ સમેટાઈ

વડોદરા : પડતર માંગણીઓ સાથે આંદોલન ચલાવી રહેલા નર્સિંગ સ્ટાફના આગેવાનોની બદલીઓ કરી દેવાતાં નર્સિંગ સ્ટાફ વીજળીક હડતાળ પર ઉતરી ગયો હતો.જેના પગલે કોરોના અને વાવાઝોડાની પરિસ્થિતિ વચ્ચે દર્દીઓને હાલાકી પડી હતી.ત્યારે ડો.વિનોદ રાવ સહિત તંત્રના ઉચ્ચ અધિકારીઓની મધ્યસ્થીથી નર્સિંગ સ્ટાફે હડતાળ સમેટી લીધી હતી.

નર્સિંગ સ્ટાફની હડતાળને પગલે વડોદરાના સત્તાધ્ધિશોએ સમજાવટનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન નર્સિંગ સ્ટાફના આગેવાનોની બદલી કરાતાં નર્સિંગ સ્ટાફે કોવિડમાં કામગીરી બંધ કરી વીજળીક હડતાળ પાડતાં ઓએસડી ડો.વિનોદ રાવ સહિત અન્ય ઉચ્ચ સત્તાધ્ધિશો દ્વારા સમજાવટનો પ્રયાસ હાથધરાયો હતો. ગાંધીનગર સુધી વાર્તાલાપ બાદ આગામી 25 મી એ નર્સિંગ સ્ટાફના પ્રશ્નો અંગે બેઠક અને વાટાઘાટો યોજવાની બાંહેધરી મળતા નર્સિંગ સ્ટાફે હડતાળ સમેટી લીધી હતી.

કોવીડ જેવી ગંભીર મહામારી વચ્ચે પોતાના જીવન પોતાના પરિવારની પરવાહ કર્યા વિના સતત રાત દિવસ પોતાની ફરજ બજાવી રહેલા પ્રથમ હરોળના કોરોના યોધ્ધાઓમાંના એક નર્સિંગ સ્ટાફ દ્વારા છેલ્લા ઘણા સમયથી પોતાની માંગણીઓ મુદ્દે સરકારને અનેકવાર રજૂઆતો કરી ચૂક્યા હતા.જેમાં મુખ્યત્વે આઉટસોર્સિંગ પ્રથા બંધ કરવામાં આવે જ્યારે ગુજરાતમાં ચાર હજાર જેટલી નર્સિંગમા જગ્યાઓ ખાલી છે.

ત્યારે આઉટસોર્સિંગ પ્રથા હટાવી કાયમી કરવામાં આવે, સમાન કામ, સમાન વેતન, કેન્દ્ર સરકારના ધારાધોરણ મુજબ નર્સિંગ એલાઉન્સ, સ્ટાઇપન્ડમા વધારો કરવા જેવી મુખ્ય માંગણીઓ સંદર્ભે સરકાર પાસે માંગણીઓ કરવા છતાં સરકાર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાના મુદ્દે સમગ્ર ગુજરાતમાં થી સરકારી હોસ્પિટલોના નર્સિંગ સ્ટાફે સરકાર સામે બાંયો ચઢાવી હતી.વડોદરા શહેરના એસએસજી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા હળતાળ પર જવાનું નક્કી કરવામાં આવ્યું હતું.જેના પગલે  એસએસજીના સુપ્રિટેન્ડન્ટની મુખ્ય કચેરી બહાર સૂત્રોચ્ચાર સાથે મંગળવારે નર્સિંગ સ્ટાફે ધરણાંનો કાર્યક્રમ યોજ્યો હતો.

Most Popular

To Top