બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે બિહાર લોક સેવા આયોગની પરીક્ષાના મુદ્દે લાખો વિદ્યાર્થીઓનો રોષ નીતીશ કુમારની સરકારનું બ્લડ પ્રેશર વધારી રહ્યો છે. તાજેતરમાં નીતીશ કુમાર ફરીથી પક્ષપલટો કરીને ઇન્ડિયા ગઠબંધનમાં જોડાવાના છે, તેવી જોરદાર અફવા ચાલી રહી હતી. તેમાં બિહાર લોક સેવા આયોગની પ્રાથમિક પરીક્ષાનાં પેપર ફૂટી જતાં લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર લાગી ગયું છે. આ વિદ્યાર્થીઓ સમગ્ર પરીક્ષા રદ્દ કરવા રાજ્યવ્યાપી આંદોલન ચલાવી રહ્યા છે. વિપક્ષોને તો ચૂંટણી ટાંકણે આ મુદ્દામાં નીતીશ સરકારને ઘેરવા માટે ગોળનું ગાડું મળી ગયું છે. રાજકારણમાં અત્યાર સુધી નિષ્ફળ રહેલા પ્રશાંત કિશોર અનાયાસે મળેલી તકને વટાવી લેવા આમરણ ઉપવાસ પર બેઠા છે. જો નીતીશ સરકાર આ મુદ્દાનો કોઈ વિદ્યાર્થીઓને માન્ય હલ નહીં કાઢે તો આગામી ચૂંટણીમાં તેને નુકસાન થઈ શકે છે.
બિહાર પબ્લિક સર્વિસ કમિશન (BPSC) ની ૭૦મી સંયુક્ત પ્રારંભિક પરીક્ષા ૧૩ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ આયોજિત કરવામાં આવી હતી તેને લઈને વિવાદ વધી રહ્યો છે. પટનાના બાપુ ઓડિટોરિયમમાં આયોજિત પરીક્ષામાં પ્રશ્નપત્રના વિતરણમાં વિલંબ થયો હતો અને પછી પેપર લીક થયું હોવાના ના આક્ષેપોને કારણે ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો અને રસ્તા પર પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓનો આરોપ છે કે પરીક્ષામાં ગેરરીતિઓ થઈ હતી, પ્રશ્નપત્રો હલકી ગુણવત્તાના હતા અને કેટલાક પ્રશ્નો ખાનગી કોચિંગ સંસ્થાઓના મોડેલ પ્રશ્નપત્રો સાથે મેળ ખાતા હતા. આ કારણે તેઓ સમગ્ર પરીક્ષા રદ કરીને ફરીથી આયોજિત કરવાની માંગણી કરી રહ્યા છે.
વિદ્યાર્થીઓના આંદોલનને લાલુ પ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતા દળ અને પ્રશાંત કિશોરના જન સૂરજ પક્ષ દ્વારા પણ સમર્થન મળી રહ્યું છે. આ વિવાદમાં કેટલાક શૈક્ષણિક નિષ્ણાતો અને કોચિંગ સંસ્થાઓ પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ આ વિવાદને લઈને ભારે હોબાળો ચાલી રહ્યો છે. નીતીશ કુમાર માટે પરીક્ષા રદ્દ કરવી તે પ્રતિષ્ઠાનો મુદ્દો બની ગયો છે, પણ તેને કારણે તેમને ભારે રાજકીય નુકસાન થઈ રહ્યું છે.
બિહાર પબ્લિક સર્વિસ કમિશનનીપ્રિલિમ પરીક્ષાને રદ કરવાની માંગણી કરતો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. અરજીમાં BPSC પ્રિલિમ પરીક્ષા રદ કરવાનો આદેશ જારી કરવાની અને આંદોલનકારી વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવા માટે જવાબદાર જિલ્લાના એસપી અને ડીએમ સામે કાર્યવાહીની ખાતરી કરવાની પણ માંગણી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં પરીક્ષા દરમિયાન વ્યાપક ગોટાળાના આક્ષેપો કરવામાં આવ્યા છે. અરજદારના જણાવ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટને વિનંતી કરવામાં આવી છે કે તેઓ આ મામલે વહેલી સુનાવણી કરે,કારણ કે અચોક્કસ મુદતની ભૂખ હડતાળના કારણે મામલો ગંભીર બન્યો છે. સુપ્રીમ કોર્ટે આ અરજીની૭ જાન્યુઆરી, મંગળવારના રોજસુનાવણી કરવાની છે.
જન સૂરજ પક્ષના સંસ્થાપક પ્રશાંત કિશોરBPSCની પ્રિલિમિનરી પરીક્ષા રદ કરવાની માંગણી સાથે ગાંધી મેદાનમાં આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. તેમણે સવારની શરૂઆત મહાત્મા ગાંધીના ભજન રઘુપતિ રાઘવ રાજા રામથી કરી હતી. પ્રશાંત કિશોરે કહ્યું કે જેમને છેલ્લા ૨૦ વર્ષથી લોકોની વાત ન સાંભળવાની આદત છે, તેઓ ૪ દિવસમાં જનતા સામે કેવી રીતે ઝૂકશે?જ્યાં સુધી બિહારની જનતા નહીં જાગે ત્યાં સુધી કોઈ સુધારો નહીં થાય. લોકોએ એ સમજવું પડશે કે લોકોની શક્તિથી મોટી કોઈ શક્તિ નથી. આવું ત્યારે જ થશે જ્યારે લોકો જાગીને પોતાના બાળકોના સારા ભવિષ્ય માટે આગળ આવશે. લોકોએ ધર્મ, જાતિ અને જાતિથી આગળ વધીને વિચારવાનું શરૂ કરવું પડશે. પ્રશાંત કિશોરને આ આંદોલનમાં રાજકીય તક દેખાઈ રહી છે.
BPSCનીપ્રિલિમિનરી પરીક્ષા રાજ્યભરમાં ૯૧૨ કેન્દ્રો પર લેવામાં આવી હતી. પટનામાં એક પરીક્ષા કેન્દ્રમાં પ્રશ્નપત્રોના વિલંબિત વિતરણના આક્ષેપો વચ્ચે હોબાળો થયો હતો. પટના જિલ્લા મેજિસ્ટ્રેટ ચંદ્રશેખર સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા. વધતા તણાવ વચ્ચે, કેન્દ્રમાં હાજર ઈન્સ્પેક્ટર રામ ઈકબાલ સિંહને હાર્ટ એટેક આવ્યો હતો. પટના પ્રશાસને તેમને હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા, પરંતુ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ રસ્તો રોકી દીધો. હંગામા વચ્ચેપટનાના ડીએમ સિંહે એક વિદ્યાર્થીને થપ્પડ મારી હતી, જેનાથી વિદ્યાર્થીઓ વધુ ગુસ્સે થયા હતા.
BPSC પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થી સોનુ કુમારે ૨૪ ડિસેનમ્બરે આત્મહત્યા કરી લીધી હતી. સોનુના પરિવારે પોલીસને જણાવ્યું હતું કે તેમનો પુત્ર નોકરી મેળવવા માટે તલપાપડ હતો અને તેના પર ઘણું દબાણ હતું. તેમના મૃત્યુએ વિદ્યાર્થીઓના આંદોલનને વધુ વેગ આપ્યો હતો. તેમણેપુનઃપરીક્ષાની માંગણી કરી હતી અને પટના કેન્દ્રમાં વિરોધ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ સામે દાખલ કરવામાં આવેલી એફઆઈઆર પાછી ખેંચવાની માંગણી કરી હતી.
પોલીસે ૨૫ ડિસેમ્બરે ફરીથી વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. તેમાં એક ડઝનથી વધુ વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ થઈ હતી. વિરોધ કરી રહેલી વિદ્યાર્થિની ખુશ્બુ કુમારીએ આરોપ લગાવ્યો હતો કે તેને પુરુષ પોલીસકર્મીઓએ માર માર્યો હતો અને મહિલા પોલીસ અધિકારીઓ સ્થળ પર હાજર નહોતા.તે જ દિવસે સાંજે પ્રશાંત કિશોર ગર્દાનીબાગમાં વિરોધ સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે ૨૭ ડિસેમ્બરે તમામ વિદ્યાર્થીઓને બેઠક માટે બોલાવ્યા હતા અને મુખ્યમંત્રી નીતીશ કુમારને મળવા માટે ગાંધી મેદાનથી કૂચ કરવાનો નિર્ણય કર્યો હતો.
૨૯ ડિસેમ્બરેગાંધી મેદાન ખાતે ૧૫,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ એકઠા થયા હતા. વિદ્યાર્થીઓ મુખ્યમંત્રીને મળવા જાય તે પહેલા જ તેમને અટકાવી દેવામાં આવ્યા હતા.નીતિશની આગેવાની હેઠળની એનડીએ સરકારે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ તેમની માંગણીઓ અંગે ચર્ચા કરવા માટે મુખ્ય સચિવ અમૃત લાલ મીણાને મળી શકે છે. જન સૂરજ પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી આર.કે. મિશ્રા વિદ્યાર્થીઓના પ્રતિનિધિમંડળ સાથે મીણાને મળ્યા હતા, પરંતુ કોઈ સફળતા મળી ન હતી. પરીક્ષા ફરીથી યોજવાની માંગ પર સરકાર તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. પ્રશાંત કિશોરે આ મામલાને ઉકેલવા માટે સરકારને ૪૮ કલાકની મહેતલ આપી હતી.ત્યારબાદ તેમણે પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં મહાત્મા ગાંધીની પ્રતિમા નીચે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા.
BPSCના એક અધિકારીએ કહ્યું કે અમે આ મુદ્દે અમારી સ્થિતિ પર અડગ છીએ. અમને સરકાર તરફથી કોઈ જવાબ મળ્યો નથી. અમે જાણીએ છીએ કે વિદ્યાર્થીઓ મુખ્ય સચિવને મળ્યા છે, પરંતુ BPSC એક સ્વાયત્ત સંસ્થા છે, જે આરોપો અને વિરોધના આધારે નહીં, પરંતુ તથ્યો અને કારણોના આધારે નિર્ણય લે છે. એકંદરે આમરણાંત ઉપવાસ પર બેઠેલા પ્રશાંત કિશોર હવે સમગ્ર આંદોલનના કેન્દ્રમાં આવ્યા છે. હવે તેઓ બીપીએસસીના વિરોધથી ઉપર ઉઠવાની વાત કરી રહ્યા છે. હવે તેઓ બિહારમાં પ્રવર્તી રહેલી ભ્રષ્ટ વ્યવસ્થાની વાત કરી રહ્યા છે. એકંદરે આ આંદોલન ચાલુ રહેશે, જેમાં BPSCના વિદ્યાર્થીઓ પણ ભાગ લેશે અને સરકારી તંત્રને પડકાર ફેંકશે.
પ્રશાંત કિશોરે તેમના આમરણ ઉપવાસના ચોથા દિવસે રવિવારે ગાંધી મેદાન ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે બિહારમાં પ્રવર્તી રહેલા ભ્રષ્ટાચાર અને વહીવટી નિષ્ફળતાઓ સામે વધુ મજબૂતીથી પોતાનું અભિયાન ચાલુ રાખવાની વાત કરી હતી. પ્રશાંત કિશોરે સ્પષ્ટ કહ્યું હતું કેઆ આંદોલન કોઈ એક વ્યક્તિનું નથી, પરંતુ તે બિહારની ખરાબ વ્યવસ્થા વિરુદ્ધ છે. હું તમામ રાજકીય પક્ષોને અપીલ કરું છું કે તે તેજસ્વી યાદવ હોય, રાહુલ ગાંધી હોય કે અન્ય કોઈ નેતા હોય, તેઓ અમારી સાથે આવે. હું તેમની પાછળ બેસીને આ આંદોલનને સમર્થન આપીશ.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.