Editorial

10 લાખથી વધુ આવક ધરાવતા ખેડૂતોને કૃષિ આવકનો આઈટી લાભ માટે આઈટી દસ્તાવેજો ચકાસશે

ભારતમાં કાળા નાણાંના દુષણને નાથવા માટે સરકારો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ કાળા નાણાંને નાથી શકાતું નથી. ભારતમાં ખેતીમાંથી થતી આવકને આઈટીમાંથી મુક્તિ આપવામાં આવી છે. જે ખરેખર ખેડૂત છે તેમને આ લાભ આપવા માટે સરકાર દ્વારા આ નિયમો બનાવવામાં આવ્યા હતા પરંતુ તેનો લાભ કરચોરો દ્વારા લેવામાં આવતો હતો. અનેક લોકો કે જે ખેડૂત હતાં પરંતુ ખેતી કરતા નહોતા અને ધંધો કરતા હતા તેઓ પોતાની આવક ખેતીમાથી થઈ છે તેવું બતાવીને ઈન્કમટેક્સનો લાભ લઈ લેતા હતા. ખેતીની આવકને કરમુક્ત રાખવાને કારણે જ કાળા નાણાંને નાથી શકાતું નહોતું. ઉપરથી કાળું નાણું ખોટી રીતે વ્હાઈટ થઈ જતું હતું. 2016માં જ્યારે સરકાર દ્વારા નોટબંધી કરવામાં આવી ત્યારે પણ આવી રીતે જ કાળા નાણાંને સફેદ કરી દેવામાં આવ્યું હતું અને તેને કારણે સરકારનો નોટબંધીનો મૂળ હેતુ જ માર્યો ગયો હતો. જોકે, મોદી સરકારે આ દિશામાં કાર્યવાહી શરૂ કરીને હવે સમૃદ્ધ અને કરચોરી કરતાં ખેડૂતોને સાણસામાં લેવા માટેનું આયોજન કર્યું છે. સરકારે તાજેતરમાં સંસદની પબ્લિક એકાઉન્ટ કમિટીને એવું જણાવ્યું હતું કે, ખેડૂતો દ્વારા ખોટી રીતે લેવામાં આવતી કરમુક્તિને નાથવા માટે મજબૂત માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોને કરમુક્તિનો લાભ તો અપાશે પરંતુ તે માટે આઈટીની કડક તપાસનો સામનો કરવાનો રહેશે.

આઈટીના કાયદામાં હાલમાં અનેક છટકબારીઓ છે. આ તમામ છટકબારીઓને હવે સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવશે. જે ખેડૂતોની આવક 10 લાખથી વધારે છે તેવા ખેડૂતોને આઈટીની તપાસમાંથી પસાર થુવું પડશે. પબ્લિક એકાઉન્ટ્સ કમિટીએ સંસદમાં જણાવ્યું હતું કે, ખેતીમાંથી મળેલી આવકના સંદર્ભમાં આઈટી દ્વારા 22.5 ટકા કેસોમાં કરમુક્તિ આપી છે. આ કારણે કરચોરી થવાની સંભાવના છે. પબ્લિક એકાઉન્ટ્સ કમિટીએ ગત તા.5મી એપ્રિલના રોજ સંસદમાં તેમનો 49મો અહેવાલ: ‘કૃષિ આવકનું મૂલ્યાંકન’ રજૂ કર્યો હતો. આ અહેવાલ કેગના અહેવાલ પર આધારીત છે. આ અહેવાલમાં છત્તીસગઢના એક દાખલાને પણ મુકવામાં આવ્યો છે. કે જેમાં ખેતીની જમીનના વેચાણને પણ કૃષિ આવક તરીકે દર્શાવીને 1.09 કરોડની છૂટ લેવામાં આવી છે. આ કેસમાં આઈટીના સત્તાધીશો દ્વારા દસ્તાવેજોની ચકાસણી જ કરવામાં આવી નથી! કાયદામાં આઈટી અધિનિયમ, 1961ની કલમ 10 (1) હેઠળ કૃષિ આવકને આઈટીમાંથી મુક્તિ આપવામાં આવી છે. ખેતીની જમીનનું ભાડું, મહેસૂલ અથવા ટ્રાન્સફર અને ખેતીમાંથી થતી આવકને કૃષિ આવક તરીકે ગણવામાં આવે છે. આઈટી દ્વારા એવો ખુલાસો કરવામાં આવી રહ્યો છે કે, તેની પાસે ખેડૂતોના આ દસ્તાવેજો તપાસવા માટે અધિકારીઓ નથી. જેને કારણે હવે નાણા મંત્રાલયે જે ખેડૂતની કૃષિ આવક 10 લાખથી વધારે છે તેવા કિસ્સામાં કરમુક્તિના તમામ દાવાઓની હવે ચકાસણી કરવાની નવી સિસ્ટમ ઊભી કરી છે.

નાણામંત્રાલય દ્વારા આ નવી સિસ્ટમ ઊભી કરવાને કારણે જે ખેડૂતો દ્વારા અન્ય આવકને ખેતીની આવક બતાવીને કરચોરી કરવામાં આવી રહી છે તે આવી રીતે કરચોરી કરી શકશે નહીં. આવા ખેડૂતોના દસ્તાવેજોમાં સમસ્યા દેખાશે તો તેણે આઈટી ભરવો પડશે. અગાઉ પ્લાનિંગ કમિશન દ્વારા રજૂ કરાયેલા પેપર પ્રમાણે, જો મોટા ખેડૂત પરિવારોના ટોચના 0.04 ટકા અને કૃષિ કંપનીઓને કૃષિમાંથી થતી આવક માટે 30 ટકાનો આઈટી લગાડવામાં આવે તો ભારતને આશરે 50 હજાર કરોડ સુધીની વાર્ષિક ટેક્સની આવક થઈ શકે તેમ છે. જે રીતે સરકાર દ્વારા આ તૈયારીઓ કરવામાં આવી રહી છે તે આગામી દિવસોમાં સમૃદ્ધ ખેડૂતો માટે ખતરાની ઘંટી બની રહેવાની છે. જોકે, આગામી દિવસોમાં આ મામલાને રાજકીય રંગ મળે તો પણ નવાઈ નહીં હોય. ખેડૂતોના વિરોધને પગલે સરકારને કૃષિ કાયદાઓ પરત ખેંચવા પડ્યા છે. આ સંજોગોમાં સરકાર હવે ખેડૂતોને સાણસામાં લેવા માટે મથી રહી છે. પરંતુ એક રીતે એ જરૂરી પણ છે કે ખોટી રીતે જો આઈટીની ચોરી થતી હોય તો તેને નાથવી જરૂરી છે.

Most Popular

To Top