સુરત(Surat): શહેરમાં ઠંડીની સૌથી કાતિલ રાત નોંધાતા શહેરીજનો ઠુંઠવાયા હતાં. લોકોને ઘરના બારી બારણા ફરજિયાત બંધ રાખવા પડે તેવી નોબત આવી હતી. જાન્યુઆરી મહિનાની (January Month) ઠંડીએ આજે છેલ્લા આઠ વર્ષનો રેકોર્ડ બ્રેક (Recordbrack) કર્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં આજે ઠંડીએ અસલ મિજાજ બતાવ્યો હતો. જમ્મુ કશ્મીરમાં (JammuKashmir) વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે હિમવર્ષાનો (Snowfall) દોર ચાલું છે. ત્યારે દક્ષિણ ભારત ઠુંઠવાઈ ગયું છે.
- વહેલી સવારે 7 કિલોમીટરની ઝડપે ઉત્તરના સુસવાટા મારતા ઠંડા પવનો ફુંકાયા હતા
- 2013માં જાન્યુઆરી મહિનામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું હતું
આજે સવારે શહેરનું લઘુત્તમ તાપમાન બે ડિગ્રીથી ગગડીને 11.4 ડિગ્રી નોંધાયું હતું. તાપમાનનો પારો 11.4 ડિગ્રીએ પહોંચતા જાન્યુઆરી મહિનાની છેલ્લા આઠ વર્ષની ઠંડીનો રેકોર્ડ બ્રેક થયો હતો. શહેરનું મહત્તમ તામપાન 26.2 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. વહેલી સવારે હવામાં ભેજનું દબાણ 84 ટકા હોવાની સાથે 7 કિલોમીટરની ઝડપે ઉત્તરનો પવન ફુંકાયો હતો. બપોરે હવામાં ભેજનું પ્રમાણ 41 ટકા રહેવાની સાથે 5 કિલોમીટરની ઝડપે ઉત્તરનો પવન ફુંકાયો હતો. આજે દિવસ દરમ્યાન પણ લોકોને ગરમ વસ્ત્રો પહેરી રાખવાની નોબત આવી હતી. રાત્રે લોકોએ ઘર આંગણે તાપણું કરી ઠંડી સામે રાહત મેળવવા પ્રયાસ કર્યો હતો.
નવસારીમાં પારો દોઢ ડિગ્રી ગગડીને 11 ડિગ્રી, હાડ થીજવતી ઠંડી યથાવત
નવસારીમાં બુધવારે લઘુત્તમ તાપમાનમાં દોઢ ડિગ્રીનો ઘટાડો નોંધાતા 11 ડિગ્રી નોંધાયું હતું. પરંતુ નવસારીમાં હાડ થીજવતી ઠંડી પડી છે. નવસારીમાં ગત રવિવારે લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી ગગડતા સાથે ઠંડીમાં વધારો થયો હતો. ત્યારે ગત સોમવારે લઘુત્તમ તાપમાન વધુ 6 ડિગ્રી ગગડીને 7.5 ડિગ્રીએ પહોંચતા હાડ થીજવતી ઠંડી પડી હતી. પરંતુ ગત રોજ લઘુત્તમ તાપમાનમાં 5 ડિગ્રીનો વધારો થયો હતો. જેથી ઠંડીનો પારો 12.5 ડિગ્રીએ પહોંચ્યો હતો. પરંતુ નવસારીમાં થીજવતી ઠંડી યથાવત જ રહી હતી. ત્યારે બુધવારે લઘુત્તમ તાપમાન દોઢ ડિગ્રી ગગડતા ઠંડીમાં વધારો થયો હતો. તો બીજી તરફ દિવસ દરમિયાન ફુંકાતા પવનોને લીધે લોકો સ્વેટર પહેરી ફરી રહ્યા હતા. દિવસ દરમિયાન તો ઠંડીનો અનુભવ થતો હોય છે. જ્યારે રાત્રી દરમિયાન સુસવાટા ભર્યા પવનો ફુંકાતા હોવાથી લોકો ઘરમાં પણ ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યા છે. જ્યારે યુવાનો તાપણુનો સહારો લઇ ગરમાટો લેતા હોય છે.
બુધવારે મહત્તમ તાપમાન નહિવત ડિગ્રી વધતા 26.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 1.5 ડિગ્રી ગગડતા 11 ડિગ્રી નોંધાયું હતું. બુધવારે સવારે ભેજનું પ્રમાણ સવારે 93 ટકા હતું. જે બપોર બાદ ઘટીને સાંજે 48 ટકા જેટલું નીચું રહ્યું હતું. જોકે દિવસ દરમિયાન ઉત્તર-પૂર્વ દિશાએથી 7.1 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો રહ્યો હતો.