Gujarat

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ૨૪૪૦ કરોડના ખર્ચે કોસ્ટલ હાઇવે વિકસાવાશે

ગાંધીનગર(Gandhinagar): દરિયાકિનારાના પ્રવાસન સ્થળોની ટુરિસ્ટ સર્કિટ (Tourist circuit) વિકસાવવા માટે અંદાજે રૂ. ૨,૪૪૦ કરોડના ખર્ચે કોસ્ટલ હાઇવેનું (Highway) નિર્માણ કરાશે. આજે ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર (CM Bhupendra Patel) પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં (Cabinet meeting) મહત્વના નિર્ણય લેવાયા હતા.

  • ઉભરાટ, તિથલ, ચોરવાડને સાંકળતો કોસ્ટલ હાઇવે બનાવવામાં આવશે
  • ભિલાડથી વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, ખંભાત સુધી રસ્તો નિર્માણ પામશે

કેબિનેટ બેઠક બાદ પ્રવકત્તા મંત્રી જીતુ વાઘાણીએ (Jitu Vaghani) પત્રાકોર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ૧,૬૦૦ કિ.મી.ના દરિયાકાંઠાના પ્રવાસન સ્થળો વિકસે એ માટે ઉભરાટ, તિથલ, ચોરવાડને સાંકળતો વ્યૂહાત્મક કોસ્ટલ હાઈ-વે ૧૩૫ કિ.મી.ની નવી લિંક સાથે વિકસાવાશે. આ ઉપરાંત ભિલાડથી વલસાડ, વલસાડથી નવસારી, નવસારીથી સુરત, સુરતથી ભરૂચ અને ભરૂચથી ખંભાતના દરિયાકિનારાને સાંકળીને બનાવાશે.

તેમણે જણાવ્યું હતું કે, નર્મદા નદી પર આવેલ યાત્રાધામ માલસર ખાતે નવા પુલની કામગીરી પ્રગતિમાં છે, જે આગામી સમયમાં પૂર્ણ થનાર છે. તે ઉપરાંત મહારાષ્ટ્ર તરફ જતા તેમજ બારડોલી-માંડવી તેમજ સાપુતારા તરફ જતા ટ્રાફિકને લાંબુ અંતર કાપવું ન પડે અને સીધા સાપુતારા પ્રવાસન સ્થળનો લાભ લઇ શકે તે માટે મોટી કોરલ-નારેશ્વર નજીક નર્મદા નદી પર એક નવો પુલ અંદાજિત રૂ. ૩૦૦ કરોડના ખર્ચે બનાવી કરજણ-નારેશ્વર-મોટી કોરલ-ભાલોદ-નેત્રંગ-માંડવીનો એક નવો કોરીડોર નિર્માણ કરવામાં આવશે.
નેશનલ હાઇવે-૮ પર ખાસ કરીને વડોદરા-સુરત નજીક ઉભેણ ગામ પાસે થતી ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ઉભેણ ખાતે અંદાજે રૂ. ૨૭ કરોડના ખર્ચે એક નવો પુલ તેમજ સર્વિસ રોડ બનાવવામાં આવશે. જેનાથી આ સ્થળે ટ્રાફિક જામની સમસ્યામાંથી લોકોને રાહત મળી શકશે. આ ઉપરાંત પ્રવક્તા મંત્રી વાઘાણીએ કહ્યું હતું કે, ચાલુ વર્ષે વધુ ૧૦૦૦ નવી બસો ખરીદવાનો પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે.

Most Popular

To Top