કાલોલ: કાલોલ તાલુકા વિસ્તારમાં હવામાન વિભાગની આગાહી મુજબ ૧-૨ ડિસેમ્બરે વાતાવરણના પલટવાર સાથે કમોસમી વરસાદના વિધ્નના આસાર સાથે બુધવારે વહેલી સવારે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. બુધવારે વહેલી સવારથી જ દિવર નિતરતા વરસાદને કારણે અત્યારે અંતિમ તબક્કામાં ચાલી રહેલા ડાંગરની પાકની કાપણી કરતા ખેડૂતોની દોડધામ વધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કાલોલ વિસ્તારમાં ૫૬૬૯ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરેલા ડાંગરના તૈયાર પાકને માથે ગત ૧૭-૧૮ નવેમ્બરના સુમારે પણ કમોસમી વરસાદના વિધ્ન વચ્ચે કાપણી બે-ત્રણ દિવસ વિલંબમાં પડી હતી.
બે અઠવાડિયા પણ વિત્યા નથી અને કાપણી પુરી થાય એ પહેલાં જ ફરીએકવાર કુદરતે કરવટ બદલતા બુધવારે સવારે કમોસમી વરસાદ તુટી પડતા ખેતરોમાં રહી ગયેલા ૧૦-૨૦% જેટલા તૈયાર ડાંગરના પાકને માથે ઘાત બેઠી હતી. કાલોલ તાલુકાના ઘણા વિસ્તારોમાં પાછોતરી ડાંગરની ડાંગરની કાપણી વચ્ચે કાપેલી ડાંગર, ઝુડેલી ડાંગર અને સુકવણી કરવા માટે પાથરેલી સુધારેલી ડાંગરનો પાક ખેતરોમાં પડ્યો છે તદ્ઉપરાંત ડાંગરના પાકનું ઘાસ (પરાળી) પણ ખેતરમાં પડયું હોવાથી બુધવારે વહેલી સવારે આવેલા કમોસમી વરસાદને વહેલી સવારે પોતાના પાક બચાવવા માટે દોડી જવું પડયું હતું. જ્યારે જે ખેડૂતો પાસે પાક બચાવવાની સાધન સામગ્રી કે વાહન ઉપલબ્ધ ના હોય એવા ખેડૂતોનો પાક પલડી ગયો હતો. તદ્ઉપરાંત કમોસમી વરસાદને કારણે અન્ય ખેતરોમાં ઉભા તુવર અને કપાસના પાકને પણ નુકસાન થવાની દહેશત વર્તાઈ રહી છે. આમ બે અઠવાડિયામાં બે વાર આવેલા કમોસમી વરસાદે વિઘ્ન સર્જીને અનેક ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવી દેતા ખેડૂતોની હાલત કફોડી બની હતી.
જ્યારે બીજી તરફ તાલુકા વિસ્તારમાં લગ્નસરાની મોસમ પણ ચાલી રહી હોવાથી કાલોલ શહેરના ખુલ્લા પાર્ટી પ્લોટ અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘર આંગણે હોય એવા આગામી બે-ત્રણ દિવસોમાં યોજાનારા લગ્ન પ્રસંગોના આયોજનમાં કમોસમી વરસાદે મોટું વિઘ્ન ઊભું કરતા આયોજકો ગુંચવાયા હતા અને સુરક્ષિત સ્થળે લગ્ન પ્રસંગ યોજવા માટે દોડધામ કરવી પડી હતી. જ્યારે બે દિવસોથી વાતાવરણમાં બદલાયેલા તેવરને પગલે ભર શિયાળે ચોમાસુ બેઠું હોય એવી બેવડી ઋતુના સમન્વયથી ખુશનુમા વાતાવરણનો પણ માહોલ જોવા મળી રહ્યો છે.