૨૦ જાન્યુઆરીના રોજ અમેરિકાના પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાનાં સૂત્રો સંભાળશે. આ પ્રસંગને વિશેષ યાદગાર બનાવવા માટે ટ્રમ્પે કેટલાક વિશિષ્ટ મહાનુભાવોને નિમંત્ર્યા છે. આ બધામાં એક આશ્ચર્ય પમાડે તેવું નામ છે, ચીનના વડા, શી જિનપિંગનું. અમેરિકા અને ચીન વચ્ચે ઘણો લાંબો સમય ઉંદર-બિલાડીના સંબંધો રહ્યા. ચીન અને અમેરિકા બંને સામસામેની છાવણીઓમાં જ હોય અને એકબીજા સામે ઘૂરકિયાં કરતાં હોય એ સામાન્ય ઘટના હતી.
બીજા વિશ્વયુદ્ધ બાદ ઘણો લાંબો સમય વિશ્વ અમેરિકા અને રશિયા એમ બે ધ્રુવ વચ્ચે વહેંચાઈ ગયું હતું. આ રસ્સાખેંચની રમતમાં ત્રીજો ખેલાડી બિનજોડાણવાદી રાષ્ટ્રોનું જૂથ હતું, જેમાં ભારત સહિત કેટલાક તટસ્થ દેશો હતા. અમેરિકા અને રશિયાની બે છાવણીઓમાં વિશ્વ વહેંચાયું ખરું પણ અમેરિકા તેમજ ચીન એકબીજા સામે ઘૂરકિયાં કરતાં રહ્યાં. છેક ૧૯૭૨માં અમેરિકન પ્રમુખ રિચાર્ડ નિક્સનની બેઇજિંગની મુલાકાતે અમેરિકા અને ચીનના સંબંધો સામાન્ય બને તે દિશામાં મહત્ત્વનું પરિબળ પૂરું પાડ્યું. ડોનાલ્ડ ટ્રમ્પની આવી જ મુલાકાત યુક્રેનનું યુદ્ધ અટકાવી શકે અને રશિયા તેમજ યુક્રેન બંનેને મંત્રણાના ટેબલ પર લાવી શકે છે.
પોતાના પદગ્રહણ પ્રસંગે ટ્રમ્પે જિનપિંગને નિમંત્ર્યા. તેણે વિશ્વભરના રાજકીય નિરીક્ષકોને ચોંકાવી દીધા હશે. આમ તો ટ્રમ્પ ક્યારે શું બોલશે અને કયો નિર્ણય લેશે એ કળવું અતિ મુશ્કેલ છે. ચાઇનીઝ પ્રેસિડેન્ટને અમેરિકન પ્રમુખની શપથવિધિમાં નિમંત્રણ એટલા માટે નવાઈ પમાડે તેવું છે, કારણ કે, અમેરિકન પ્રમુખપદની શપથવિધિમાં વિદેશી મહાનુભાવો હાજરી આપે તેવી કોઈ પ્રથા નથી. એટલે ટ્રમ્પે આ વખતે બધાને નિમંત્રણ આપીને ચીલો ચાતરવાનું કામ કર્યું છે. ટ્રમ્પના આ વિચારને કારણે નવી સત્તા તરીકે આકાર લઈ રહેલ ચીન અને અમેરિકા બંનેના વડાઓ ભેગા થશે એ એક મહત્ત્વની ઘટના ગણી શકાય. આ બંને દેશોએ એકબીજા સાથે વ્યાપાર, તાઈવાન અને કોરિયા સિવાય પણ ભૂ-રાજકીય પરિસ્થિતિ સંબંધે ઘણી બધી વાતો કરવાની હશે.
બંને મહાસત્તાઓ પાસે વિશ્વમાં ક્યાંય પણ પહોંચી શકે એવાં દુનિયાનાં બે મોટામાં મોટાં નૌકાદળો છે. બંને ઘાતક અણુશસ્ત્રો ધરાવે છે અને બંને દેશ ભેગા થાય તો દુનિયાના કુલ જીડીપીનો પરચેઝ પ્રાઇસ પેરીટીની દૃષ્ટિએ અડધોઅડધ જીડીપી એમના ગજવામાં છે. વિશ્વવ્યાપારમાં ચીન અભૂતપૂર્વ પ્રગતિ કરી રહ્યું છે અને એક રીતે કહીએ તો વિશ્વના મેન્યુફેક્ચરીંગ હબ તરીકે વિકસ્યું છે. ઘણી વૈશ્વિક ઘટનાઓમાં એક યા બીજી રીતે અસરકર્તા બનવાની આ બંને મહાસત્તાઓ પાસે ક્ષમતા છે.
ચીનનાં લગભગ ૨,૭૦,૦૦૦ વિદ્યાર્થીઓ અમેરિકામાં ભણે છે પણ અગાઉ ૧૫,૦૦૦ વિદ્યાર્થીઓ ચીનમાં ભણતાં હતાં તેને બદલે હવે ૧૧૦૦ અમેરિકન વિદ્યાર્થીઓ જ ચીનમાં અભ્યાસ કરે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તેમજ બંને દેશની અન્ય ટેક્નોલૉજી કંપનીઓ એકબીજાને વધુ નજદીક લાવી છે. બેલ્ટ એન્ડ રોડ ઇનીસેટીવ સિવાય પણ ચીન દુનિયામાં બીજા દેશો સાથે સહકાર સાધી રહ્યું છે. આમ એક કરતાં વધુ રીતે અમેરિકા અને ચીનને વધુ નિકટતા અને સહકારથી કામ કરવું પડે એવી સ્થિતિનું સર્જન થયું છે. વિશ્વનાં સત્તા સમીકરણો જોઈએ તો રશિયા એનું અગાઉનું સ્થાન ગુમાવી ચૂક્યું છે અને એ સ્થાને ચીન નવા વૈશ્વિક સત્તાકેન્દ્ર તરીકે ઉપસ્યું છે. યુરોપના જર્મની અને ફ્રાન્સ જેવા દેશો પણ હવે ચીન સાથે સહકાર કરી એન્જિનિયરિંગ ક્ષેત્રે ચીનની ટેક્નોલૉજી અને સહકાર અપનાવી ઘરઆંગણે તેમજ વૈશ્વિક હરીફાઈમાં ટકી રહેવા માગે છે.
બ્રિક્સનું વૈશ્વિક સંગઠન ઝડપથી વિકસી રહ્યું છે. બ્રિક્સના દેશો દુનિયાની અડધોઅડધ કરતાં વધારે વસતી અને ત્રીજા ભાગની જીડીપી ધરાવે છે. એ સામે જી-૭ દેશોનો પ્રભાવ ઓસરતો જાય છે, ત્યારે બદલાયેલા સંજોગોને લક્ષમાં રાખી અમેરિકાએ પણ ચાલવું પડશે. આ બધી જ બાબતો જોઈએ તો ૨૦ જાન્યુઆરી પછી ભૂ-ભૌતિક તેમજ ભૂ-રાજકીય પરિસ્થિતિમાં અણધાર્યા ફેરફાર આવે તો નવાઈ પામવા જેવું નહીં હોય. બાય ધ વે, ટ્રમ્પે ભારતને નિમંત્રણ આપ્યું નથી. આપણા વિદેશમંત્રી આ કંકોતરી મેળવવા ધૂણી ધખાવીને અમેરિકામાં બેઠા છે. ભારતે આવી લાલચુ મજબૂરી બતાવ્યા વગર આ આખીયે વાતને ગળી જવા જેવી હતી. એમ ન કરીને ભારત વામણું પુરવાર થઈ રહ્યું છે. એટલે જ ન કહેવું હોય તોય કહેવું પડે છે, વિદેશનીતિના મોરચે ભારત ભવ્ય નિષ્ફળતાને વર્યું છે. હે રામ!!
ડૉ. જયનારાયણ વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.