અયોધ્યામાં બાબરી મસ્જિદની જમીનના ટુકડા માટે હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે રમખાણો થયાં હતાં. તેવી જ રીતે જેરુસલેમમાં આવેલી ૩૫ એકર જમીન પરના કબજા માટે યહૂદીઓ અને મુસ્લિમો એકબીજાના લોહીના તરસ્યા બની ગયા છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે જે યુદ્ધ શરૂ થયું છે, તેના મૂળમાં પણ ટેમ્પલ માઉન્ટ તરીકે ઓળખાતો જમીનનો નાનકડો ટુકડો છે. આ યુદ્ધ કદાચ વિશ્વયુદ્ધમાં પણ તબદિલ થઈ શકે છે. આ નાનકડો પ્લોટ વિશ્વની સૌથી વિવાદાસ્પદ જગ્યાઓમાંથી એક છે, કારણ કે વિશ્વના ત્રણ મુખ્ય ધર્મો આ પ્લોટ પર દાવો કરે છે.
યહૂદીઓ આ ચબૂતરાને હર હબાયત કહે છે. આ હિબ્રુ ભાષાનો શબ્દ છે. આ નામનું લોકપ્રિય અંગ્રેજી સંસ્કરણ ટેમ્પલ માઉન્ટ છે. મુસ્લિમો આ ચબૂતરાને હરામ-અલ-શરીફ કહે છે. એક જ જગ્યાના અલગ અલગ નામ શા માટે? તેનું કારણ બંને ધર્મોની માન્યતાઓ છે. યહૂદીઓ માને છે કે આ જ જગ્યાએ તેમના ભગવાને માટીનો સંગ્રહ કર્યો હતો, જેમાંથી આદમનું સર્જન થયું હતું. આદમ એટલે પહેલો માણસ, જેનાથી મનુષ્યની ભાવિ પેઢીઓ અસ્તિત્વમાં આવી. યહૂદીઓની બીજી માન્યતા ટેમ્પલ માઉન્ટ સાથે સંબંધિત છે. તેઓના એક પ્રબોધક અબ્રાહમ હતા.
અબ્રાહમને બે પુત્રો હતા, ઇસ્માઇલ અને આઇઝેક. એક વાર ભગવાને અબ્રાહમને તેના પુત્ર આઇઝેકનું બલિદાન આપવા કહ્યું. આ બલિદાન આપવા માટે અબ્રાહમ ભગવાન દ્વારા દર્શાવેલા સ્થાન પર પહોંચ્યા. અબ્રાહમ આઇઝેકનું બલિદાન આપવાના હતા ત્યારે ઈશ્વરે એક દેવદૂતને મોકલ્યો હતો. અબ્રાહમે જોયું કે દેવદૂત પાસે એક ઘેટું ઊભું હતું. અબ્રાહમની ભક્તિ અને વિશ્વાસની પુષ્ટિ કરતાં ઈશ્વરે આઈઝેકને બચાવ્યો હતો. તેની જગ્યાએ એક ઘેટું બલિદાન માટે મોકલવામાં આવ્યું હતું. બલિદાનની તે ઘટના આ ટેમ્પલ માઉન્ટ પર બની હતી. એટલા માટે યહૂદીઓના રાજા સુલેમાને ઇસુનાં ૧,૦૦૦ વર્ષ પહેલાં અહીં પ્રથમ ભવ્ય મંદિર બનાવ્યું હતું. બેબીલોનીયન સંસ્કૃતિના લોકોએ આ મંદિરનો નાશ કર્યો હતો.
લગભગ પાંચ સદીઓ પછી ઇસુનાં ૫૦૦ વર્ષ પહેલાં યહૂદીઓએ તે જ સ્થળે બીજું મંદિર બનાવ્યું હતું. યહૂદીઓ આ મંદિરના આંતરિક ભાગને હોલી ઓફ હોલીઝ કહે છે. અર્થાત્ પવિત્ર કરતાં પણ પવિત્ર. એક એવી જગ્યા જ્યાં સામાન્ય યહૂદીઓને પણ પગ મૂકવાની મંજૂરી ન હતી. ફક્ત શ્રેષ્ઠ પાદરીઓ જ તેમાં પ્રવેશી શકતા હતા. આ બીજું મંદિર લગભગ ૬૦૦ વર્ષ સુધી અસ્તિત્વમાં રહ્યું. ઇ.સ. ૭૦માં રોમનોએ તેનો નાશ કર્યો. આ મંદિરની એક દિવાલ આજે પણ મોજૂદ છે. તેને વેસ્ટર્ન વોલ કહેવામાં આવે છે. આ દિવાલને પ્રાચીન બીજાં મંદિરના બહારના પ્રાંગણનો ભાગ માનવામાં આવે છે.
યહૂદીઓ જાણતા ન હતા કે ટેમ્પલ માઉન્ટના કયા ભાગમાં મંદિરનો અંદરનો ભાગ હોલી ઓફ હોલીઝ સ્થિત છે. યહૂદીઓ આજે પણ પશ્ચિમી દિવાલ પાસે પ્રાર્થના કરે છે. આ યહૂદી માન્યતા છે. હવે મુસ્લિમોની વાત કરીએ. મુસ્લિમો અનુસાર ઇસ્લામનાં પવિત્ર સ્થળોમાં મક્કા પ્રથમ ક્રમે છે, મદીના બીજા નંબર પર છે અને ત્રીજા નંબર પર હરામ-અલ-શરીફ એટલે કે જેરુસલેમનું તે ૩૫ એકરનું કમ્પાઉન્ડ છે. આ ઇસ્લામિક માન્યતા કુરાન સાથે સંબંધિત છે. કુરાન અનુસાર તે વર્ષ ૬૨૧ની એક રાતની વાત છે. તે રાતે મોહમ્મદ પયગંબર ઊડતા ઘોડા પર બેસીને મક્કાથી જેરુસલેમ આવ્યા હતા અને અહીંથી તેઓ જન્નતમાં ગયા હતા.
અહીં તેમને અલ્લાહ દ્વારા આપવામાં આવેલા કેટલાક આદેશો મળ્યા હતા. આ આદેશોમાં ઇસ્લામના મુખ્ય સિદ્ધાંતો શું છે તે જણાવવામાં આવ્યું હતું. મોહમ્મદ પયગંબર ઇ.સ. ૬૩૨ માં મૃત્યુ પામ્યા હતા. તેના ચાર વર્ષ પછી મુસ્લિમોએ જેરુસલેમ પર હુમલો કર્યો હતો. તે સમયે અહીં બાયઝેન્ટાઈન સામ્રાજ્યનું શાસન હતું. તેમની સાથે લડીને મુસ્લિમોએ જેરુસલેમ જીતી લીધું હતું. પાછળથી ઉમૈયા ખલીફાઓએ જેરુસલેમમાં એક ભવ્ય મસ્જિદ બનાવી હતી. તેનું નામ અલ- અક્સા રાખવામાં આવ્યું હતું. અરબી ભાષામાં અક્સાનો અર્થ થાય છે, દરેક વ્યક્તિથી સૌથી દૂર.
આ અલ-અક્સા મસ્જિદની સામે સોનેરી ગુંબજ સાથેની ઇસ્લામિક ઇમારત છે, તેને ડોમ ઓફ ધ રોક કહેવામાં આવે છે. મુસ્લિમો માને છે કે અલ-અક્સા મસ્જિદ એ જ જગ્યા પર સ્થિત છે, જ્યાં સદીઓ પહેલાં ઊડતા ઘોડા પર સવાર થઈને મોહમ્મદ પયગંબરે તે રાત્રે જેરુસલેમમાં પ્રથમ પગ મૂક્યો હતો. તે રાત્રે જ્યાંથી તેઓ જન્નતમાં ગયા તે સ્થાન ડોમ ઓફ રોક તરીકે ઓળખાય છે. જેરુસલેમમાં આ બે ઇમારતો ૩૫ એકરના કમ્પાઉન્ડની અંદર જ આવેલી છે, જેને યહૂદીઓ તેમનાં પ્રાચીન મંદિરોનું મૂળ સ્થાન માને છે. હવે તમે આ સ્થાનને લઈને ચાલતા વિવાદનું કારણ સમજી જ ગયા હશો.
ધર્મયુદ્ધ એટલે પવિત્ર યુદ્ધ. આવાં યુદ્ધો ધર્મના આધારે લડવામાં આવતાં હતાં. આ ધર્મયુદ્ધો ખ્રિસ્તીઓ અને મુસ્લિમો વચ્ચે થયાં હતાં. જ્યારે ઇસ્લામનો વિસ્તાર થવા લાગ્યો ત્યારે ઇસ્લામિક સામ્રાજ્યે ખ્રિસ્તીઓ દ્વારા પવિત્ર ગણાતાં ઘણાં સ્થળો પર વિજય મેળવ્યો. જેરુસલેમ પણ આમાંનું એક હતું. ચર્ચ માટે આ અસહ્ય હતું કારણ કે જેરુસલેમ તેને પણ ખૂબ વહાલું હતું. ખ્રિસ્તીઓ માને છે કે ઈસુ ખ્રિસ્તે આ શહેરમાં પોતાનો ઉપદેશ આપ્યો હતો. અહીં તેમને વધસ્તંભે જડવામાં આવ્યા હતા અને અહીં તેઓ ફરીથી સજીવન થયા હતા.
ખ્રિસ્તીઓ પણ માને છે કે એક દિવસ ઈસુ વિશ્વમાં પાછા આવશે અને જેરુસલેમ તેમના બીજા આવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. પ્રથમ યુદ્ધ જેરુસલેમ માટે લડવામાં આવ્યું હતું. આ પ્રથમ ધર્મયુદ્ધ હેઠળ ખ્રિસ્તીઓએ ૧૦૯૯ માં જેરુસલેમ પર વિજય મેળવ્યો હતો, પરંતુ આ વિજય લાંબો સમય ટકી શક્યો નહીં. મુસ્લિમોએ ૧૧૯૭ માં જેરુસલેમ પર ફરીથી કબજો કર્યો. તેમણે હરામ-અલ-શરીફનું સંચાલન કરવા માટે વક્ફ એટલે કે ઇસ્લામિક ટ્રસ્ટની રચના કરી. અહીં બિન-મુસ્લિમોને પ્રવેશવા દેવામાં આવતો ન હતો.
પછી વર્ષ ૧૯૪૮માં ઈઝરાયેલની રચના થઈ. એ ભૂમિ પર પેલેસ્ટિનિયનોનો દેશ હતો. પેલેસ્ટાઈને કહ્યું કે તેમના દેશમાં બીજો દેશ કેવી રીતે બનશે? તેમની માંગ એવી હતી કે યહૂદી રાજ્ય બીજે ક્યાંક બનાવવામાં આવે. પરંતુ યહૂદીઓ આ માટે તૈયાર ન હતાં. તેમણે કહ્યું કે તેઓ શા માટે બીજે ક્યાંય જાય? આ જમીન તેમના પૂર્વજોની છે. તેઓને સદીઓથી તે ભૂમિમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. હવે તેઓ તેમની જમીન પાછી માંગે છે. યહૂદી માન્યતા અનુસાર ભગવાને પોતે અબ્રાહમને આ સ્થાનની ભેટ આપી હતી.
એવું કહેવામાં આવ્યું હતું કે અબ્રાહમનાં બાળકો અહીં એક નવો દેશ સ્થાપશે. અમે તમને અબ્રાહમના પુત્ર આઇઝેકની વાર્તા કહી. એ જ આઇઝેકના પુત્રનું નામ જેકબ હતું. આ જેકબનું બીજું નામ હતું ઇઝરાયેલ. ઈઝરાયેલને ૧૨ પુત્રો હતા. તેઓને ઈઝરાયેલની બાર જાતિઓ કહેવામાં આવતી હતી. આ જાતિઓની પેઢીઓએ પાછળથી યહૂદી રાજ્યની રચના કરી. ઈઝરાયેલ જેરુસલેમને પોતાની રાજધાની બનાવવા માંગતું હતું. કારણ કે ત્યાં તેમનું પવિત્ર સ્થાન ટેમ્પલ માઉન્ટ આવેલું છે. પરંતુ જેરુસલેમ અને ટેમ્પલ માઉન્ટ પર નિયંત્રણ મેળવવું એટલી સરળ વાત નહોતી. યહૂદીઓની જેમ વિશ્વભરનાં મુસ્લિમો પણ તેમાં આસ્થા ધરાવતાં હતાં. મુસ્લિમો પહેલાંથી જ ઈઝરાયેલની રચનાનો વિરોધ કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં હવે જે લડાઈ ચાલુ થઈ છે તે ટેમ્પલ માઉન્ટમાં યહૂદી ધર્મનું ત્રીજું મંદિર બાંધવાની લડાઈ જણાઈ રહી છે.