Sports

શું વન-ડે અને ટેસ્ટમાંથી પણ રોહિત શર્મા નિવૃત્તિ લેશે? કેપ્ટને ખુદ આપ્યો જવાબ…

નવી દિલ્હી: રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે ગયા મહિને T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો. 29 જૂને કેન્સિંગ્ટન ઓવલ બ્રિજટાઉનમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું. ભારતીય ટીમે બીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ પહેલા ભારતે 2007ની સીઝનમાં પણ આ ખિતાબ જીત્યો હતો.

ટાઈટલ જીત્યા બાદ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. હવે T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લીધા બાદ રોહિત શર્માના વનડે અને ટેસ્ટ કરિયર અંગે પણ વાત થઈ રહી છે. રોહિત શર્માની ઉંમર 37 વર્ષથી વધુ છે, તેથી સૌથી મોટો પ્રશ્ન એ છે કે તે હજુ કેટલા વર્ષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શકશે. રોહિત વેસ્ટ ઈન્ડિઝમાં વર્લ્ડ કપ જીત્યા બાદ બ્રેક પર છે અને શ્રીલંકા સામે ત્રણ વનડે મેચ રમશે નહીં.

જો કે, હવે રોહિતે સ્પષ્ટ કર્યું છે કે તે હાલમાં નિવૃત્તિ લેવાનો નથી. રવિવારે ડલાસમાં એક કાર્યક્રમ દરમિયાન રોહિતને નિવૃત્તિ સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ભારતીય કેપ્ટને કહ્યું કે હું એવો વ્યક્તિ નથી જે બહુ આગળનું વિચારું. મારામાં હજુ ઘણું બાકી છે. તમે ચોક્કસ મને હજુ થોડો સમય રમતા જોશો.

રોહિત અંગે BCCI ના સચિવે શું કહ્યું?
આ અગાઉ બીસીસીઆઈના (BCCI) સચિવ જય શાહે કહ્યું હતું કે રોહિત વર્તમાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સિઝન અને આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો કેપ્ટન રહેશે.

રોહિતે 2007માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું
2007માં T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પદાર્પણ કરનાર રોહિત અત્યાર સુધી યોજાયેલા દરેક T20 વર્લ્ડ કપમાં રમનાર એકમાત્ર ભારતીય ક્રિકેટર હોવાની અનોખી વિશિષ્ટતા ધરાવે છે. રોહિતે T20 વર્લ્ડ કપ 2024ની 8 મેચમાં 257 રન બનાવ્યા હતા, જે ભારતીય ખેલાડી માટે સૌથી વધુ રન હતા. રોહિત શર્માએ અત્યાર સુધી 59 ટેસ્ટ મેચમાં 45.46ની એવરેજથી 4137 રન બનાવ્યા છે.

જ્યારે હિટમેને 262 ODI મેચોમાં 49.12ની એવરેજથી 10709 રન બનાવ્યા છે. રોહિતે તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 159 મેચોમાં 4231 રન બનાવ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રોહિતના નામે 12 વિકેટ પણ છે. રોહિત શર્માએ IPL 2024ની 14 મેચોમાં 150ના સ્ટ્રાઈક રેટ અને 32.08ની એવરેજથી 417 રન બનાવ્યા છે. રોહિતે IPLની કુલ 257 મેચમાં 6628 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 29.72 અને સ્ટ્રાઈક રેટ 131.14 છે.

Most Popular

To Top