સુરત: રાહુલ ગાંધી માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુરત કોર્ટે બે વર્ષની સજા કરી છે. ત્યાર બાદ રાહુલ ગાંધીનું સંસદ પદ પણ રદ કરવામાં આવ્યું છે. આથી મોદી સરનેમ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સજા પર સ્ટે મૂકવાની અપીલ પર સુરતની સેશન્સ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે. અરજદાર પૂર્ણેશ મોદીના વકીલ અને રાહુલ ગાંધીના વકીલ વચ્ચે કોર્ટમાં દલીલો થઈ હતી. 23 માર્ચે બદનક્ષીના કેસમાં બે વર્ષની સજા બાદ રાહુલ 3 એપ્રિલે સુરત સેશન્સ કોર્ટમાં હાજર થયા હતા. તેમણે સુરત કોર્ટમાં મુખ્ય અરજી કરી હતી અને 2 અરજીઓ કરી હતી.
તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ સ્ટે ઓફ કન્વિક્શનની અપીલ કરી હતી. જેનું કોર્ટમાં હિયરિંગ શરૂ થઈ ચૂક્યું છે. બચાવ પક્ષ દ્વારા માનહાનિ કેસમાં વિવિધ જજમેન્ટના આધારે દલિલ કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે રાજકીય ક્ષેત્રે પણ ખૂબ જ ગરમાયું છે. આક્ષેપ-પ્રત્યાક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આજે સુરત કોર્ટમાં સુનાવણી હોવાથી કોંગ્રેસના નેતાઓ સુરત કોર્ટ પહોંચ્યા છે.
મુખ્ય અરજીમાં નીચલી અદાલતના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. જ્યારે બે અરજીઓ પૈકી પ્રથમ અરજી દોષિત ઠરાવવાની હતી, બીજી અરજી સજા પર સ્ટે મૂકવાની હતી. આ સાથે જ કોર્ટે અરજદાર પૂર્ણેશ મોદીને નોટિસ પાઠવીને કોર્ટ સમક્ષ પોતાનો જવાબ રજૂ કરવા જણાવ્યું હતું. અરજદારે 2 દિવસ પહેલા એટલે કે 11 એપ્રિલે પોતાનો જવાબ રજૂ કર્યો હતો. જવાબ રજૂ કરતાં પૂર્ણેશે કહ્યું હતું કે જીત કે હારની વાત નથી. તેના બદલે તે એક સામાજિક લડાઈ છે. ફરિયાદી વતી એડવોકેટ કેતન રેશમવાલાએ જવાબ રજૂ કર્યો હતો.
કોર્ટે શું કહ્યું?
દોષિત ઠેરવવાને પડકારતી અરજી પર કોર્ટે કહ્યું હતું કે બીજી બાજુ સાંભળ્યા વિના આવો કોઈ આદેશ આપી શકાય નહીં. આ કેસમાં ફરિયાદી અને ગુજરાત સરકારને 10 એપ્રિલ સુધીમાં જવાબ આપવા નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે આજે આ અરજી પર સુનાવણી થશે. કોર્ટે રાહુલ ગાંધીને રાહત આપતા કહ્યું છે કે સુનાવણી દરમિયાન તેમનું ત્યાં હાજર રહેવું જરૂરી નથી.
શું છે મોદી સરનેમનો વિવાદ?
રાહુલ ગાંધીએ 13 એપ્રિલ 2019ના રોજ કર્ણાટકમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કેમ સામાન્ય છે? બધા ચોરની અટક મોદી કેમ છે? આ પછી બીજેપી ધારાસભ્ય પૂર્ણેશે માનહાનિનો કેસ દાખલ કરીને આરોપ લગાવ્યો કે 2019માં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે રાહુલે કથિત રીતે આખા મોદી સમુદાયને બદનામ કરી કહ્યું કે બધા ચોરોની અટક મોદી કેમ છે? તેમના નિવેદનથી અમારી અને સમાજની ભાવનાઓને ઠેસ પહોંચી છે. તેમની અરજી પર સુનાવણી કર્યા બાદ કોર્ટે રાહુલ ગાંધીને આઈપીસીની કલમ 499 અને 500 હેઠળ દોષિત ઠેરવ્યા હતા.